Gujarati News

Gujarati News

News of Thursday, 9th April 2020

લોકડાઉનમાં અમીન માર્ગ પર પરમ દિ' મોડી રાતે કારમાં ગીત વગાડી રાસડે રમનારાને ક્રાઇમ બ્રાંચે ઓળખી કાઢ્યા

જો કે ઘરેથી ભાગી ગયાઃ ધવલ ગોહિલ નામના શખ્સના ટિકટોક એકાઉન્ટમાં વિડીયો અપલોડ થયો'તોઃ સાથે મકર રાશીનું નામ ધરાવતો શખ્સ હોવાની ચર્ચાઃ વિડીયો ઉતારનારની પણ ઓળખ મળી જતાં શોધખોળ

રાજકોટ તા. ૯: કોરોના વાયરસને કારણે દેશમાં ૨૧ દિવસનું લોકડાઉન છે અને લોકોને ઘરમાં જ રહેવા પ્રશાસન સમજાવી રહ્યું છે. આ માટે કાયદાકીય પગલાઓ પણ દરરોજ લેવામાં આવી રહ્યા છે. આમ છતાં અમુક નહિ સમજતાં લોકો જોખમ લઇને બહાર નીકળી પડે છે.  વાહનો લઇને અને પગપાળા ચક્કર મારવા નીકળનારા તો રોજ પકડાય છે. પરંતુ લોકડાઉન વચ્ચે પરમ દિવસે મોડી રાતે શહેરમાં બે યુવાનોએ સુમસામ રોડ પર કાર ઉભી રાખી તેના દરવાજા ખોલી અંદર ગીત વગાડી રાસડે રમ્યા હતાં. ત્રીજા શખ્સે આ બંને રાસડે રમતાં હોય તેનો વિડીયો મોબાઇલ ફોનથી રેકોર્ડ કર્યો હતો. એ પછી આ વિડીયો ધવલ ગોહિલ નામના યુવાનના ટિકટોક એકાઉન્ટ પર પોસ્ટ થયો હતો અને વાયરલ થઇ ગયો હતો. લોકડાઉન વચ્ચે  આ રીતે રાસડા રમતાં બે યુવાનોએ આ વિડીયો અમીન માર્ગ પર બનાવ્યો હોવાની વાતો વહેતી થતાં પોલીસ કમિશનર મનોજ અગ્રવાલ, જેસીપી ખુરશીદ અહેમદ અને ડીસીપી મનોહરસિંહ જાડેજાએ તાકીદે ક્રાઇમ બ્રાંચને તપાસ સોંપી હતી. એસીપી જે. એચ. સરવૈયાની રાહબરીમાં પીઆઇ એચ. એમ. ગઢવી સહિતની ટીમ સાયબર સેલની મદદ લઇ કામે લાગી હતી. વિડીયોમાં રાસડે રમતાં બંને શખ્સ ઓળખાઇ ગયા છે. પરંતુ હાલમાં બંને ભાગી ગયા છે. ધવલ નામનો એક શખ્સ નંદા હોલ પાસે રહેતો હોવાની વાત સામે આવી છે. બીજા શખ્સનું નામ મકર રાશી પરથી છે. બંનેનો વિડીયો ઉતારનારની ઓળખ પણ મળી ગઇ છે. જો કે હાલમાં કોઇ હાથમાં આવ્યા નથી. ઝડપથી તમામને શોધી કાઢી કાયદાનું ભાન કરાવવામાં આવશે. સોશિયલ મિડીયામાં આ વિડીયો ખુબ વાયરલ થયો હતો.

મુળ વિડીયોમાં કારમાં ગીત વાગતું હોય અને બે છોકરા રાસડે રમતાં હોય તેવા દ્રશ્યો હતાં. પાછળથી કોઇએ એડિટીંગ કરીને બીજો એક વિડીયો પણ વહેતો કર્યો છે. જેમાં આ બંને રાસ રમતાં હોય છે એ પછી કારની પાછળનું દ્રશ્ય આવી જાય છે અને એક શખ્સ ખુલ્લે આમ કાર ઉપર દારૂની બોટલ રાખી ગ્લાસમાં દારૂ ભરતો હોય તેવું દ્રશ્ય છે. આરોપીઓ ઝડપાયા બાદ સ્પષ્ટ થશે કે વિડીયોમાં ખરેખર શું હતું? તસ્વીરમાં રાસડે રમતાં શખ્સો અને કાર જોઇ શકાય છે.

(1:39 pm IST)