Gujarati News

Gujarati News

News of Tuesday, 9th March 2021

તેલના ભડકે બળતા ભાવના લીધે નમકીનના ઉત્પાદકોની દયનિય સ્થિતિઃ કેટલાક તો બંધ થવાના આરે

પામોલીન તેલમાં આજે પણ આગ ઝરતી તેજી રૂ.૧૯૧૦ થી ૧૯૫૦ ડબ્બે પહોંચી ગયાઃ તેલના ઉત્પાદકો એડવાન્સમાં ઓર્ડર લેતા નથી, મસાલાના ભાવ પણ આસમાને

રાજકોટ,તા.૮: મોંઘવારીએ માઝા મુકી છે. પેટ્રોલ, ડીઝલના ભાવ દીન પ્રતિદીન વધી રહ્યા છે. પ્લાસ્ટીકમાં પણ ભાવ વધારો થાય છે. તો તેલના તો અત્યાર સુધીમાં સૌથી વધુ ભાવોમાં વધારો થયો છે. ગૃહીણીઓમાં દેકારો બોલી ગયો છે. તેઓનું બજેટ અસ્તવ્યસ્ત બની ગયું છે.  તેલના ભાવો વધતા તેનાથી બનતી દરેક વસ્તુઓમાં પણ ભાવો વધી રહ્યા છે. જેની સૌથી વધુ અસર નમકીનના ઉત્પાદકો ઉપર પડી છે. કેટલાય કારખાના બંધ થઈ ગયા છે અથવા તો બંધ થવાના આરે છે.

પામોલીન તેલમાં પણ આગઝરતી તેજી જોવા મળી રહી છે. આજે ડબ્બાનો ભાવ રૂ.૧૯૧૦ થી ૧૯૫૦ છે. તેલના ભાવમાં દિનપ્રતિદિન વધારો થઈ રહ્યો હોય નમકીનના વેપારીઓની હાલત દયનિય બની છે. ન છુટકે નમકીનના ઉત્પાદકોને પણ ભાવવધારો કરવો પડી રહ્યો છે. તેલના વેપારીઓ હવે એડવાન્સમાં ઓર્ડર લેવાનું પણ બંધ કરી દીધું છે. નમકીનના નાના કારખાનાવાળાઓ તો બંધ થવા લાગ્યાના અહેવાલો મળી રહ્યા છે. તો અમુક કારખાનાઓ બંધ થવાના આરે છે.

તેવી જ રીતે પ્લાસ્ટીકના ભાવ પણ ૨૫૦ રૂ. પહોંચી ગયા છે તો નમકીનમાં ઉપયોગમાં લેવાતા મસાલાના ભાવ પણ આસમાને પહોંચી ગયા છે. બજારમાં એક ટ્રેન્ડ શરૂ થયો છે. એડવાન્સમાં કોઈ ઓર્ડર લેવાતા નથી.

(5:05 pm IST)