Gujarati News

Gujarati News

News of Saturday, 9th March 2019

રાજકોટમાં લોક-અદાલત યોજાઇઃ ૭૬પર કેસો મુકાયા

પ્રથમ બે કલાકમાં ૧પ ટકા કેસોનો નિકાલઃ અકસ્માત વળતરના કેસોમાં કરોડોની રકમ મંજૂરઃ ફોજદારી-દિવાની, વળતર, ચેક રિટર્ન રેવન્યુ, લગ્ન વિષયક કેસો મુકાયાઃ મુખ્ય જીલ્લા ન્યાયાધીશ ગીતાબેન ગોપી દ્વારા ઉદઘાટન

રાજકોટ : આજે યોજાયેલ લોક અદાલતનું દિપ પ્રાગટય કરીને મુખ્ય ન્યાયાધીશ શ્રી ગીતાબેન ગોપી, બાર એસો.ના પ્રમુખ બકુલભાઇ રાજાણીએ ઉદઘાટન કર્યુ હતું. પ્રસ્તુત તસ્વીરોમાં જીલ્લા ન્યાયાધીશ ગીતાબેન ગોપી સાથે બાર એસો.ના પ્રમુખ બકુલભાઇ રાજાણી, ઉપપ્રમુખ સિધ્ધરાજસિંહ જાડેજા, મંત્રી જીજ્ઞેશભાઇ જોષી, એડવોકેટ કે. જે. ત્રિવેદી, એ. જી. મોદન, ફારૂક મોદન, સંજય પંડયા વિગેરે દર્શાય છે. (તસવીર : સંદીપ બગથરીયા) (પ-૩પ)

રાજકોટ તા. ૯ :.. રાજકોટ જીલ્લા, કાનુની સેવા સત્તા મંડળ દ્વારા આજે તા. ૯ માર્ચના રોજ લોક અદાલતનું આયોજન કરવામાં આવેલ હતું.

આ લોક અદાલતનું સવારે ૧૦ કલાકે રાજકોટના સેશન્સ એન્ડ ડીસ્ટ્રીકટ પ્રિન્સીપાલ જજશ્રી ગીતાબેન ગોપી દ્વારા દિપ પ્રગટાવીને ઉદઘાટન કરવામાં આવેલ હતું.

આ પ્રસંગે શ્રી ગીતાબેન ગોપી ઉપરાંત જીલ્લા કાનુની સત્તા મંડળના પુર્ણકાલીન સચિવ અને સીનીયર સીવીલ જજ શ્રી એચ. વી. જોટાલીયા, બાર એસો.ના પ્રમુખ બકુલભાઇ રાજાણી, મંત્રી જીજ્ઞેશભાઇ જોષી, તેમજ અન્ય જજએ અને બાર એસો.ના સીનીયર - જૂનીયર વકીલો ઉપસ્થિત રહ્યા હતાં.

આજની આ લોક અદાલતમાં કુલ ૭૬પર કેસો મુકવામાં આવ્યા હતાં. જેમાં પ્રથમ બે કલાકમાં મળતી માહિતી મુજબ ૧પ ટકા કેસોનો નિકાલ કરવામાં આવ્યો હતો.

આ ઉપરાંત અકસ્માત વળતર અંગેના કેસોમાં કરોડોની રકમના એવોર્ડ મંજૂર કરાયાનું જાણવા મળે છે.

આ પ્રસંગે જીલ્લા કાનુની સત્તા મંડળના ચેરમેન અને મુખ્ય જીલ્લા ન્યાયાધીશ શ્રી ગીતાબેન ગોપી દ્વારા ઉપસ્થિત પક્ષકારોને અનુરોધ કરવામાં આવેલ કે, લોક અદાલતમાં કેસો મુકવાથી પક્ષકારોને ઝડપી ન્યાય મળે છે. બંને પક્ષકારો વચ્ચે સમાધાનથી કેસોનો નિકાલ કરવામાં આવતો હોય. કોઇનો વિજય નહિ અને કોઇનો પરાજય નહિ તેવી પરિસ્થિતી ઉદભવતી હોવાના કારણે પક્ષકારો વિવાદ - વૈમનસ્યથી દુર રહે છે. અને સમજુતીથી કેસોનો નિકાલ થાય છે.

આજથી આ લોક અદાલતમાં જે કેસો મુકવામાં આવેલ તેમાં (૧) ફોજદારી સમાધાન લાયક (ર) નેગોશીએબલ એકટના કેસો (૩) બેંક લેણાના કેસો (૪) અકસ્માત - વળતરના કેસો (પ) લગ્ન વિષયક કેસો (૬) મજુર અદાલતના કેસો (૭) જમીન સંપાદનને લગતા કેસો (૮) ઇલેકટ્રીકસીટી - પાણીના બીલોને લગતા કેસો (૯) રેવન્યુ કેસો (૧૦) દિવાની કેસો જેમાં ભાડા, સુખાધિકાર, મનાઇ હુકમના દાવા, કરાર પાલનના દાવા અને (૧૧) અન્ય સમાધાન લાયક કેસોનો સમાવેશ થાય છે.

આજે યોજાયેલ લોક - અદાલતમાં મોટી સંખ્યામાં પક્ષકારો ઉપસ્થિત રહ્યા હતાં. જેઓના કેસોનો તાત્કાલીક નિકાલ કરવામાં આવેલ તેવા પક્ષકારોમાં આનંદની લાગણી ઉદભવી હતી.

આજે સવારના ૧૦ કલાકે લોક અદાલતનું ઉદઘાટન થયા બાદ લોક અદાલતની કાર્યવાહી ખુલ્લી મુકવામાં આવી હતી. જેમાં પક્ષકારોના વકીલો, ન્યાયાધીશો અને કન્સીલીટર્સ દ્વારા સમજાવીને કેસોનો નિકાલ કરવામાં આવ્યો હતો.

આ લોક અદાલતમાં રાજકોટ બાર એસો.ના હોદેદારો, કલેઇમ પ્રેકટીનર્સ એસો. ના વકીલો તેમજ ફોજદારી - દિવાની કેસો લડતા વકીલો, રેવન્યુ વકીલો, સરકારી વકીલો અને લેબર કાયદાના વકીલો ઉપસ્થિત રહ્યા હતાં.

આ ઉપરાંત વિમા કંપની, મ્યુનિ. કોર્પોરેશન તેમજ સંલગ્ન ખાતાના સરકારી અધિકારીઓ પણ લોક અદાલતમાં જોડાયા હતાં.

આજની આ લોક અદાલતમાં બાર એસો.ના પ્રમુખ બકુલભાઇ રાજાણી, ઉપપ્રમુખ સિધ્ધરાજસિંહ જાડેજા, સેક્રેટરી શ્રી જીજ્ઞેશભાઇ જોષી, ત્થા કારોબારી સભ્ય સંજયભાઇ પંડયા વિગેરે ઉપસ્થિત રહ્યા હતાં.

આ ઉપરાંત કલેઇમ પ્રેકટીશનર્સ એસો.ના પ્રમુખ કે. જે. ત્રિવેદી, જી. આર. પ્રજાપતિ, એસ. કે. જાડેજા, જે. બી. નારીગા, વી. સી. પટેલ, એ. જી. મોદન, ફારૂક મોદન, કલ્પેશ વાઘેલા, શ્યામ ગોહેલ, એસ. એ. સુરૈયા, રક્ષાબેન ઉપાધ્યાય, ત્થા વિમા કંપનીના વકીલોમાં સુનિલ મોઢા, જે. જે. ત્રિવેદી વિગેરે ઉપસ્થિત રહ્યા હતાં.

(3:35 pm IST)