Gujarati News

Gujarati News

News of Saturday, 9th March 2019

જેની સાથે માતાના આશીર્વાદ હોય તેને દુનિયાની કોઈ તાકાત રોકી શકતી નથી

શ્રી ખોડલધામ મહિલા સમિતિ દ્વારા મહિલા દિનની ઉજવણીઃ વિશિષ્ટ પ્રતિભાવંત નારીરત્નોનું સન્માન

રાજકોટઃ શ્રી ખોડલધામ મહિલા સમિતિ-રાજકોટ અને રાજકોટ પોલીસ સુરક્ષા સેતુ સોસાયટીના સંયુકત ઉપક્રમે વિશ્વ મહિલા દિવસ અંતર્ગત જુદા જુદા ક્ષેત્રમાં ઉચ્ચ સિદ્ઘિ હાંસલ કરનાર મહિલાઓને સન્માનિત કરવામાં આવી. જેમાં વિશિષ્ટ પ્રતિભા નારી રત્નો જેવા કે એથ્લેટિકસ, મિસીસ ઈન્ડિયા એર્થ-૨૦૧૮ના પ્રતિયોગી અને બેસ્ટ બિઝનેસ વુમનને સમાનિત કરાઈ હતી. આ કાર્યક્રમમાં આશરે પાંચ હજાર જેટલી મહિલાઓએ હાજરી આપી હતી.

આ કાર્યક્રમમાં અતિથી વિશેષ તરીકે શ્રીમતી અનારબેન પટેલ, મેયર બીનાબેન આચાર્ય, રાજકોટ જેસીપીશ્રી  ખત્રી, શિવરાજભાઈ પટેલ, એ.એસ.આઈ/ પી.એસ.આઈ/કોસ્ટેબલ (યુવતીઓ), જિલ્લા સમાજ સુરક્ષા અધિકારી / બાળલગ્ન અને બાળ મજૂર અટકાયત અધિકારી અનીલાબેન પીપળીયા, પૂર્વ જિલ્લા રજિસ્ટ્રાર સંગીતાબેન રૈયાણી, મિસીસ ઈન્ડિયા અર્થ-૨૦૧૮ના સેકન્ડ રનર અપ આશાબેન વઘાસીયા, બ્રહ્મકુમારીના ભારતીદીદી અને અંજૂદીદી, મહિલા અગ્રણી મીતલબેન રાદડીયા, એથ્લેટિકસ સોનલબેન વસૌયા, કવિયત્રી દિવ્યાબેન સોજીત્રા, બિઝનેસવુમન શોભનાબેન શીંંગાળા, સ્વામિનારાયણ મંદિરથી કવિતાબેન તથા ચેતનાબા જાડેજા ખોડલધામ ટ્રસ્ટ કાગવડના ટ્રસ્ટીઓ, શ્રી સૌમનાથ ટ્રસ્ટના ટ્રસ્ટીઓ, શ્રી સરદાર પટેલ કલ્ચરલ ફાઉન્ડેશનના ટ્રસ્ટીઓ, શ્રી સરદાર પટેલ સોશિયલ ગ્રુપના પ્રમુખ અને મંત્રી, શ્રી લેઉવા પટેલ પરિવાર ટ્રસ્ટ-રાજકોટના પ્રમુખ અને મંત્રી અને શ્રી કર્મચારી મંડળના પ્રમુખ અને મંત્રીઓ ઉપસ્થિત રહેલ.

કાર્યક્રમમાં વકતા શ્રીમતી યોગીતાબેન ઠુંમરે પોતાના વકતવ્યમાં નારીશકિતની વાત કરી હતી અને મોટીવેશનલ સ્પીકર શ્રી સંજયભાઈ રાવલે વકતવ્ય આપીને મહિલાઓને પ્રોત્સાહિત કરી હતી. તેઓએ કહ્યું કે જેની સાથે માતાના આશીર્વાદ હોય તેને દુનિયાની કોઈ તાકાત રોકી શકતી નથી. દુનિયામાં ભગવાન દરેક જગ્યાએ પહોંચી નહતો શકતો તેથી તેમણે માતાને આ દુનિયામાં મોકલી હોવાનું જણાવેલ. કાર્યક્રમને સફળ રીતે પાર પાડવામાં શ્રી ખોડલધામ મહિલા સમિતિની બહેનો, ખોડલધામ કન્વીનર્સની ટીમે જહેમત ઉઠાવી હતી.

(3:30 pm IST)