Gujarati News

Gujarati News

News of Saturday, 9th March 2019

હોમિયોપેથીની નકલી માર્કશીટ ડો. કાદરીને આપનાર આણંદનો ગુલામમયુદ્દીન ઝડપાયો

એસઓજીએ મુળ વાંકાનેર પાંચદ્વારકાના શખ્સને પકડી કોર્ટમાં રજૂ કરતાં ૧૩મી સુધી રિમાન્ડ મળ્યા

રાજકોટ તા.૬: સોૈરાષ્ટ્ર યુનિવર્સિટીના બહુચર્ચિત હોમિયોપેથી કોલેજના બોગસ માર્કશીટના આધારે એડમિશન મેળવવાના કોૈભાંડમાં ગયા વર્ષે એપ્રિલ માસમાં ૪૦ છાત્રો, ડીન, પ્રિન્સીપાલ, ખંભાળીયાના ડોકટર સહિતના સામે યુનિવર્સિટી પોલીસ મથકમાં ગુનો નોંધાયો હતો. આ ગુનામાં વધુ એક આરોપીને શહેર એસઓજીએ પકડ્યો છે. મુળ વાંકાનેરના પાંચ દ્વારકાના હાલ આણંદમાં તવક્કલનગર-૭૬ ભાલેજ રોડ પર રહેતાં ગુલામમયુદ્દીન અબ્દુલરહિમ બાદી (ઉ.૩૫)ને પકડી લઇ કોર્ટમાં રજૂ કરવામાં આવતાં ૧૩મી સુધી રિમાન્ડ મળ્યા છે. અગાઉ દ્વારકાના ડો. કાદરીને પકડવામાં આવ્યો ત્યારે તેણે નકલી માર્કશીટ ગુલામમયુદ્દીન પાસેથી લીધાનું કબુલતાં આ શખ્સની ધરપકડ કરવામાં આવી છે.

એસઓજીએ દેવભુમિદ્વારકા તાબેના જામખંભાળીયાના ડો. વહાબમિંયા સિદ્દીકમિંયા કાદરી (ઉ.૪૯)ની ધરપકડ કરી કોર્ટમાં રજૂ કરવામાં આવતાં પાંચ દિવસના રિમાન્ડ મંજુર થયા હતાં. પુછતાછમાં બી.જી. ગરૈયા કોલેજના પૂર્વ કર્મચારી લેબ ટેકનીશિયન મુળ ધોરાજીના વાડોદરના હાલ જુના મોરબી રોડ ધોળકીયા સ્કૂલ સામે  આર. કે. ડ્રીમલેન્ડ સી-૨૦૧માં રહેતાં જયેશ ઉર્ફ વિજય જાદવજીભાઇ જાંબુડીયા (પ્રજાપતિ) (ઉ.૪૪)નું પણ આ કોૈભાંડમાં નામ ખુલતાં તેની પણ ધરપકડ કરી લેવામાં આવી હતી.

જે તે વખતે પોલીસે ડો. પાઠકની ફરિયાદ પરથી આઇપીસી ૪૬૩, ૪૬૪, ૪૬૫, ૪૬૮, ૪૭૧, ૪૨૦, ૧૨૦-બી, ૪૦૯, આઇટી એકટની કલમ ૬૬-ડી હેઠળ ગુનો નોંધ્યો હતો. આ કોૈભાંડમાં ૪૧ વિદ્યાર્થીઓ, તેમજ બી.એ. ડાંગર બી.જી. ગરૈયા હોમિયોપેથી કોલેજ અને અમરેલીની વસંતબેન વ્યાસ કોલેજના પ્રિન્સીપાલો,  તેમજ હોમિયોપેથી ફેકલ્ટીના ડીન ડો. અમિતાભ જોષી અને ખંભાળીયાના ડો. કાદરીના આરોપી તરીકે નામ અપાયા હતાં. જે તે વખતે તપાસમાં ખુલ્યું હતું કે ડો. કાદરીએ સાડા ત્રણ લાખ રૂપિયામાં છાત્રોને નકલી માર્કશીટ વેંચી હતી.

બીજા વર્ષમાં પ્રવેશ મેળવવા માટે ૪૧ વિદ્યાર્થીઓને નકલી માર્કશીટ અપાઇ હતી. જેમાં હઝારીબાગની વિનોબાભાવે યુનિવર્સિટી, યુનિવર્સિટી ઓફ દિલ્હી, બિહારની બી.આર. આંબેડકર યુનિવર્સિટીના નામની નકલી માર્કશીટ બનાવાઇ હતી. પૂર્વ ડીને જે તે વખતે છાત્રો પાસેથી ડોનેશન પેટે રૂ. સાડા ત્રણ લાખ અને ડબલ ફીની વસુલાત કર્યાની વિગતો પણ જે તે વખતે બહાર આવી હતી.

ડો. કાદરી ખંભાળીયામાં વીસ વર્ષથી કલીનીકમાં પ્રેકટીસ કરતો હતો. તેની ડોકટરીની ડિગ્રી પણ નકલી હોવાનું ખુલ્યું  હતું. હવે આ કેસમાં ગુલામમયુદ્દીન બાદીને પકડી રિમાન્ડ મેળવાયા છે.પોલીસ કમિશનર મનોજ અગ્રવાલ, જોઇન્ટ પોલીસ કમિશનર સિધ્ધાર્થ ખત્રી, એસીપી જે. એચ. સરવૈયા, એસીપી પશ્ચિમ એસ.આર. ટંડેલની રાહબરીમાં પી.આઇ. આર.વાય. રાવલ, પીએસઆઇ એચ.એમ. રાણા, હેડકોન્સ. આર. કે. જાડેજા, મોહિતસિંહ જાડેજા, ધર્મેન્દ્રસિંહ રાણા, મનરૂપગીરી ગોસ્વામી, રાજેશભાઇ ગીડા, કોન્સ. ચેતનસિંહ ગોહિલ, ક્રિપાલસિંહ ચુડાસમા, બ્રિજરાજસિંહ ઝાલા, નરેન્દ્રભાઇ ગઢવી, જયંતિગીરી ગોસ્વામી, ગીરીરાજસિંહ, વિજયભાઇ શુકલા સહિતની ટીમ તપાસ કરી રહી છે.

(3:26 pm IST)