Gujarati News

Gujarati News

News of Saturday, 9th March 2019

વ્યવસાય વેરો ભરવા ૧૮ હજાર બાકીદારોને નોટીસો

આ વર્ષે ૨૮૦૦ નવા રજીસ્ટ્રેશન થતાં વ્યવસાય વેરાની આવકમાં ૧.૫૫ કરોડનો વધારોઃ આવક ૧૮.૯૨ કરોડ

રાજકોટ, તા. ૯: મ્યુ. કોર્પોરેશન દ્વારા શહેરના વિવિધ પ્રકારના વ્યવસાય કરતા વ્યવસાયિકો પાસેથી દર વર્ષે રૂ. ૫ થી લઈ અને ૫૫ હજાર સુધીનો વ્યવસાયિક વેરો વસુલવામાં આવે છે. જે અંતર્ગત ચાલુ વર્ષે અત્યાર સુધીનાં અંદાજિત કુલ ૧૮ હજાર  બાકીદારોને વ્યવસાય વેરો ભરી દેવા નોટીસો આપવામાં આવી છે. તંત્ર દ્વારા વ્યવસાયવેરાની બાકી  રકમ ઉપર ૧૮ ટકા લેખે સાદુ વ્યાજ વસુલ કરવામા આવતુ હોવાથી તાત્કાલીક વેરો ભરવા તાકીદ કરવામાં આવી છે.

આ અંગે સત્તાવાર પ્રાપ્ત માહિતી મુજબ રાજકોટ મહાનગરપાલિકા વ્યવસાય વેરા વિભાગ દ્વારા ચાલુ નાણાકીય વર્ષ ૨૦૧૮-૧૯ના બજેટમાં નિયત કરવામાં આવેલ વસુલાત લક્ષ્યાંકને સિદ્ધ કરવા માટે આગોતરા આયોજન રૂપી કરવામાં આવી રહી છે. જે અંતર્ગત વ્યવસાય વેરાના બાકીદારોને નોટીસો મોકલવામાં આવેલ છે. જેમા શહેરના ૧ થી ૧૮ વોર્ડના તમામ રૂ. ૫૦૦૦થી લઈને રૂ. ૫૫૦૦૦ સુધીના વ્યવસાય વેરાના બાકીદાર પેઢીઓ, વ્યવસાયિકો, સંસ્થાઓ જેવી કે, દુકાનધારકો, શોરૂમ ધારકો, કારખાનાઓ, ભાગીદારો પેઢીઓ, કંપનીઓ, હોટલ માલિકો, વકીલો, કમિશન એજન્ટ, દલાલો, ડોકટર,સી.એ., આર્કિટેકટ, બેંકો, વકીલો વિ. તમામ નોંધાયેલ વ્યવસાયિકો, ધંધાર્થીઓ, પેઢીઓને નોટીસો મોકલવામાં આવેલ છે.

આ નોટીસમાં જણાવ્યુ છે કે, રાજકોટ મહાનગર પાલિકા દ્વારા વ્યવસાયવેરાની બાકી  રકમ ઉપર ૧૮ ટકા લેખે સાદુ વ્યાજ વસુલ કરવામા આવતુ હોવાથી તમામ બાકીદારોને વ્યવસાય વેરો ભરપાઇ કરવા તાકીદ કરવામાં આવી છે. 

રાજકોટ મહાનગરપાલિકાને ચાલુ નાણાકીય વર્ષ ૨૦૧૮-૧૯માં વ્યવસાય વેરા પેટે આજની સ્થિતિએ આવક રૂ. ૧૮.૯૨ કરોડ જેટલી થવા પામી છે. તેમજ દરમિયાન જાણવા મળ્યા મુજબ આ વર્ષે વ્યવસાય વેરા માટે ૨૮૦૦ જેટલા નવા વેપારીઓ નોંધવામાં આવ્યા છે જેના કારણે ગત વર્ષ કરતા આ વર્ષે ૧.૫૫ કરોડની આવક વધી ગઈ છે. શહેરમાં ૮૦,૦૦૦ જેટલા વ્યવસાયિકો હોવાનો અંદાજ તંત્રએ માંડયો છે

(3:26 pm IST)