Gujarati News

Gujarati News

News of Friday, 9th March 2018

સ્વ.વિજયભાઇ ધોળકીયાની પૂણ્યતીથી નિમિતે

સૌરાષ્ટ્ર હાઇસ્કૂલ દ્વારા વિશિષ્ટ વ્યકિતઓનું બહુમાન કરાશે

રાજકોટ તા.૯: નવા કલેવર ધરીને શિક્ષણક્ષેત્રે નવપ્રદાન કરવા કમરકસી રહેલ ૧૧૭ વર્ષ જુની સૌરાષ્ટ્ર હાઇસ્કૂલ તેના પાયાના પથ્થર અને સ્વપ્નશિલ્પી નખશિખ શિક્ષક વિજયભાઇ ધોળિકાયાની સ્મૃતિને અંજલિ આપવા વિદ્યાંજલિ સમારોહનું આયોજન થયુ છે.

આ શાળાના ટ્રસ્ટી અને આચાર્ય એવા સ્વ. વિજયભાઇ ધોળકિયાની વિદાયને ૨૮ વર્ષ પૂરા થતા અંજલી આપવાના ભાગરૂપે સૌરાષ્ટ્ર હાઇસ્કૂલ ટ્રસ્ટ સમાજના વિવિધક્ષેત્રમાં મૌન રહીને સેવામાં માનતા અગ્રણીઓનો ઋણ સ્વીકારનો કાર્યક્રમ આગામી દિવસોમાં આયોજિત થનાર છે. જેમાં આરોગ્ય ક્ષેત્રે હિમાંશુભાઇ માંકડ, સહકાર ક્ષેત્રે દેવેન્દ્રભાઇ દેસાઇ, શિક્ષણક્ષેત્રે નલીનકાંતભાઇ ચાંયા અને સાહિત્ય ક્ષેત્ર નીતિનભાઇ વડગામાનું સન્માન કરી ઋણ સ્વીકાર કરવામાં આવશે.

સ્વાસ્થ્ય ક્ષેત્રમાં વર્ષોથી હિમાંશુભાઇ માંકડનું નામ રાજકોટની સિવિલ હોસ્પિટલમાં હરકોઇના મુખ પર છે. દર્દીનારાયણના અવિરત સેવક હિમાંશુ માંકડ રાજકોટની સિવિલ, ચિલ્ડ્રન, જનાના હોસ્પિટલની દરેક પથારીએ ફરી ગરીબ ને જરૂરત વાળાં દર્દીઓને દવા-લોહી-પોષણ વગેરે રૂબરૂ પહોંચાડે છે. ૧૯૯૭ થી આજ સુધી બ્લડ મેળવી આપવું, દર્દીના સગાઓને નાસ્તો-લંચ-ડીનર વ્યસ્થિત બેસાડીને જમાડવું, તેની કોઇપણ જરૂરિયાતને પૂરી પાડવી અને આ સઘળું વિનામૂલ્યે! ૨૦૦૬માં એ.જી. ઓફિસમાંથી નિવૃત થયા પછી તો પૂરો દિવસ આવી સેવામાં ફાળવે છે.

આવા બીજા સેવક એટલે દેવેન્દ્રભાઇ દેસાઇ સહકારી ક્ષેત્રે ખાદીગ્રામોદ્યોગ મારફતે હજારો લોકોને રોજગારી આપનાર સમગ્ર દેશમાં ખૂબ મોટી ચાહના મેળવનાર અને અનેક રાષ્ટ્રીય કક્ષાના એવોર્ડથી સન્માનિત શ્રી દેવેન્દ્રભાઇ દેસાઇ રાજકોટના જ વતની અને રાજકોટને જ પોતાની કર્મભૂમિ બનાવી મુક સેવા કરતા રહ્યા છે.

સૌરાષ્ટ્ર હાઇસ્કૂલના ટ્રસ્ટ સાથે ખૂબ નીકટથી સંકળાયેલા અંગ્રેજી વિષયના નિષ્ણાંત અને પી.ડી. માલવીયા કોલેજના ભૂતપૂર્વ અધ્યાપક નલીનકાંતભાઇ છાંયા એ શિક્ષણક્ષેત્રે ખૂબ જ ઉંચુ પ્રદાન આપ્યું છે. તેઓ વિદ્યાર્થીઓમાં પણ ખૂબ  જ લોકપ્રિય હતા. વિજયભાઇ ધોળકિયાની સાથે તેઓએ નજીકથી કામ કર્યુ હતું.

ગુજરાત સાહિત્યના એક ઉમદા કવિ, સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના ગુજરાતી ભાષા સાહિત્ય ભવનના પ્રાધ્યાપક નીતિનભાઇ વડગામાએ ગુજરાતી સાહિત્ય ક્ષેત્રે અનેક કવિતાઓ લખી છે. અનેક યુવા સાહિત્યકારો તૈયાર થાય તે માટે સતત કાર્યરત રહ્યા છે.

સૌરાષ્ટ્ર હાઇસ્કૂલ ટ્રસ્ટ આ ચારેય વિશિષ્ટ વ્યકિતત્વનો ઋણ સ્વીકાર કરશે.

સૌરાષ્ટ્ર હાઇસ્કૂલ ટ્રસ્ટના પ્રમુખ ડો.ઇલાબેન વછરાજાની, મેનેજિંગ ટ્રસ્ટી ડો.નિદત બારોટ, ટ્રસ્ટી મુકેશભાઇ દોશી, ડો.હરદેવસિંહ જાડેજા, ઇન્દુભાઇ વોરા અને જયંતભાઇ દેસાઇ દ્વારા આગામી સમયમાં કાર્યક્રમનું આયોજન કરવામાં આવનાર છે. આ કાર્યક્રમમાં શાળાના ભૂતપૂર્વ વિદ્યાર્થી, ભુતપૂર્વ શિક્ષકો સહિત સમાજશ્રેષ્ઠીઓને કાર્યક્રમ માટે નિમંત્રિત કરવામાં આવશે.(૧.૧૫)

(4:24 pm IST)