Gujarati News

Gujarati News

News of Friday, 9th March 2018

પ્લીઝ થેલેસેમીયા ટેસ્ટ અચુક કરાવજોઃ કાલે મુખ્ય બજારોમાં પદયાત્રા કરી વિનંતી કરાશે

વિવેકાનંદ યુથ કલબ અને થેલેસેમીયા સમીતી દ્વારા નવતર પ્રયોગ

રાજકોટ, તા., ૯: જાણીતી સેવા સંસ્થા વિવેકાનંદ યુથ કલબ પ્રેરીત થેલેસેમીયા જન જાગૃતી અભિયાન સમીતી દ્વારા છેલ્લા એક દસકાથી વધુ સમયથી લોહીના વારસાગત રોગ થેલેસેમીયા અંગે જનજાગૃતીના અવિરત પ્રયાસો થઇ રહયા છે જે અંતર્ગત ભવિષ્યમાં નવા બાળકો જન્મે નહિ, યુવાન ભાઇઓ-બહેનો લગ્ન પહેલા થેલેસેમીયા ટેસ્ટ કરાવતા થાય અને થેલેસેમીયા રોગની ગંભીરતા-ભયાનકતા પરત્વે સમાજનું ધ્યાન ખેંચાય તેવા શુભ આશયથી કાલે તા.૧૦ના શનિવારે સાંજના પ વાગ્યે શહેરની મહત્વની બજારોમાં પદયાત્રા યોજવામાં આવનાર છે.

સંસ્થાની યાદીમાં જણાવાયું છે કે પદયાત્રાનો પ્રારંભ ત્રિકોણ બાગમાં આવેલ ઢેબરભાઇની પ્રતિમા પાસેથી થશે. ત્યાર બાદ લાખાજીરાજ રોડ ધર્મેન્દ્ર રોડ ગરેડીયા કુવા રોડ ઘી કાંટારોડ પરાબજાર થઇને નાગરીક બેંક ચોકથી જયુબીલી બાગમાં આવેલ મહાત્મા ગાંધીજીની પ્રતિમા પાસે પુર્ણ થશે. પદયાત્રા દરમ્યાન મહાત્મા ગાંધીજી રાજકોટના પ્રજાવત્સલ રાજવી લાખાજીરાજ બાપુ ઉદરંગરાય ઢેબરની પ્રતિમાને પુષ્પાંજલી અર્પવામાં આવશે અને તેઓના આશીર્વાદ થેલેસેમીયા જનજાગૃતી માટે લેવાશે.

પદયાત્રીમાં થેલેસેમીયા બાળકો-વાલીઓ-દાતાઓ કાર્યકર્તાઓ, શાળાના વિદ્યાર્થીઓ, આગેવાનો જોડાશે તેમજ રસ્તામાં આવતી તમામ દુકાનો, રસ્તા પરથી પસાર થતા રાહદારીઓ, વાહન ચાલકો દરેકને થેલેસેમીયાની માહીતી આપતી પત્રીકાનું વિતરણ કરવામાં આવશે. તેમજ થેલેસેમીયાને લગતા સુત્રો લખેલા બેનર તેમજ પોકીટ પ્રદર્શન પણ કરાશે. પદયાત્રામાં સમાજ જીવનના વિવિધ ક્ષેત્રના મહાનુભાવો વિદાય આપવા માટે વિશેષ ઉપસ્થિત રહેનાર છે.

શહેરના પોલીસ કમિશ્નર અનુપમસિંહ ગેહલોત, એડીશ્નલ કલેકટર હર્ષદભાઇ વોરા, દિકરાનું ઘર વૃધ્ધાશ્રમ ઢોલરાના સંસ્થાપક મુકેશભાઇ દોશી જૈન મોટા સંઘના પ્રમુખ ઇશ્વરભાઇ દોશી, યુવા ઉદ્યોગપતિ કિરીટભાઇ આદ્રોજા  પ્રવિણભાઇ કોઠારી, મોઢવણીક સમાજના કિરીટભાઇ સી. પટેલ, બ્રહ્મ સમાજના પ્રમુખ જર્નાદનભાઇ આચાર્ય, આરોગ્ય સમીતીના ચેરમેન મનીષભાઇ રાડીયા, રઘુવંશી અગ્રણી યોગેશભાઇ જસાણી, લાયન્સ કલબના ચેતનભાઇ વ્યાસ વગેરે પદયાત્રાને વિદાય આપવા માટે વિશેષ ઉપસ્થિતિ રહેનાર છે. પદયાત્રામાં પધારવાનું શહેરીજનોને લાગણીસભર નિમંત્રણ છે. સમગ્ર આયોજનની સફળતા સફળતા માટે સંસ્થાના અનુપમ દોશી, ઉપેન મોદી, મીતલ ખેતાણી, હસુભાઇ શાહ, ડો. રવી ધાનાણી, જીતુલભાઇ કોટેચા, ધર્મેશ રાયચુરા, ભનુભાઇ રાજગુરૂ, હસુભાઇ શરદ,  રમેશ શીંશાગીયા, પ્રદીપભાઇ જાની, મહેશભાઇ જીવરાજાની, હિતેષ ખુશલાણી વગેરે કાર્યરત છે. (૪.૧૫)

(4:23 pm IST)