Gujarati News

Gujarati News

News of Friday, 9th March 2018

હમ નહીં સુધરેંગે : પરીક્ષા ન્યાયિક માહોલમાં લેવામાં પરીક્ષા વિભાગ નિષ્ફળઃ વ્યાપક ગેરરીતિની રાવ

મહેનતુ વિદ્યાર્થીઓને અન્યાયનો સીલસીલો યથાવત : અનેક કેન્દ્રોમાં ચીઠ્ઠી - ચબરખી અને પ્રશ્નપત્ર કેન્દ્ર બહાર લઈ જવાની ચર્ચા

રાજકોટ, તા. ૯ : એ ગ્રેડની સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની પદવીની ગરીમા ઘટી રહી છે. પરીક્ષા ન્યાયિક માહોલમાં યોજવા સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના સત્તાધીશો વધુ એક વખત નિષ્ફળ નિવડ્યા છે. પ્રથમ તબક્કાની પરીક્ષામાં વ્યાપક ગેરરીતિની રાવ છતાં કાર્યકારી કુલપતિ ડો. કમલ ડોડીયા અને કાર્યકારી પરીક્ષા નિયામક અમિત પારેખ પરીક્ષા સારી રીતે ચાલી રહી હોવાનો રાગ અપનાવ્યો છે.

સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્વારા ગઈકાલથી પ્રથમ તબક્કાની પરીક્ષાનો પ્રારંભ થયો છે. જેમાં વિવિધ વિદ્યાશાખાની ૩૩ પરીક્ષાઓમાં કુલ ૭૧,૫૨૪ વિદ્યાર્થીઓ તેમની કારકિર્દીની મહત્વની કસોટી આપી રહ્યા છે. સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના કાર્યકારી કુલપતિ કમલ ડોડીયાએ પરીક્ષા ન્યાયિક માહોલમાં યોજાય અને ગેરરીતિ અટકે તે માટે ૭૦થી વધુ ચેકીંગ સ્કવોડ દોડાવી છે. આ ચેકીંગ સ્કવોડ જયાં ગેરરીતિ થતી ન હોય ત્યાં આટો મારી તેના અંગત કામોમાં વ્યસ્ત બને છે. જયારે ગેરરીતિ માટે અંકાયેલા કેન્દ્રો ઉપર અગાઉ પૂર્વ કુલપતિ ડો.કનુભાઈ માવાણીએ ગોઠવેલી જડબેસલાક વ્યવસ્થાની ખામી હાલ વર્તાઈ રહી છે.

શિક્ષણ જગતમાં ચર્ચાતી વિગતો મુજબ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની પ્રથમ તબક્કાની પરીક્ષામાં કેટલાક કેન્દ્રો ઉપર ચિઠ્ઠી - ચબરખીથી પરીક્ષા ચોરી સામાન્ય બની ગઈ છે. કેટલાક પરીક્ષા કેન્દ્રો ઉપર શિસ્તના લીરા ઉડી રહ્યા છે. કેટલાક લાગવગીયા છાત્રો માટે પેપર બહાર લઈ જવાની પણ સુવિધા હોવાનુ ચર્ચાઈ રહ્યુ છે.

પરીક્ષામાં વ્યાપક ગેરરીતિની ફરીયાદને પગલે મહેનતુ વિદ્યાર્થીઓને અન્યાયની અને ગેરરીતિ આચરનારા કેટલાક વિદ્યાર્થીઓ ફાવી જાય તેવી સ્થિતિ હોવાની છાપ ઉપસી છે. (૩૭.૯)

(4:21 pm IST)