Gujarati News

Gujarati News

News of Friday, 9th March 2018

ચેક રિટર્નના બે કેસોમાં આરોપીને થયેલ સજાનો હુકમ કાયમ રાખી પાંચ લાખનું વળતર ચુકવવા હુકમ

ટ્રાયલ કોર્ટનો સજાનો હુકમ કાયમ રાખી આરોપીને કસ્ટડીમાં લઇ જેલ હવાલે કરાયો

રાજકોટ તા. ૯ : ચેક પરત ફરવાના બે કેસમાં આરોપી હરિશ મધુસુદન રાજયગુરૂની સજા કાયમ રાખી તેમજ દંડની રકમમાંથી ફરિયાદીને ચેક મુજબની રકમનું વળતર ચુકવવાનો હુકમ કરતો સેશન્સ કોર્ટનો ચુકાદો આપીને આરોપીને જેલહવાલે કર્યો હતો.

આ કેસની વિગત એવી છે કે, ચેક રીર્ટનના કેસમાં આરોપી હરીશ મધુસુદન રાજયગુરૂને ચેક પરત ફરવાના અલગ અલગ બે કેસમાં ટ્રાયલ કોટે ૧-૧ વર્ષની કેદની સજા તથા પ,૦૦,૦૦૦નો દંડનો હુકમ ફરમાવામાં આવેલ. જો સમયમર્યાદામાં આરોપી દંડની રકમ ન ભરે તો વધુ ત્રણ માસની સજા ભોગવવાનો પણ હુકમ કરેલ હતો.

ઉપરોકત ટ્રાયલ કોર્ટના બંને હુકમની સામે આરોપી રાજકોટની સેશન્સ કોર્ટમાં જુદી જુદી ક્રીમીનલ અપીલ દાખલ કરેલ. આરોપીએ સજાનો હુકમ મોકુફ રાખવા માટે કરેલ અરજીને અનુસંધાને ફરીયાદીની ચેક મુજબનીરકમના ૧૦ ટકા રકમ જમા કરાવવા માટેનો હુકમ કરેલ તે રકમ અપીલના સમય દરમીયાન આરોપીએ જમા કરાવતાં અદાલતે આરોપીને જામીન ઉપર મુકત કરવા અને સજાનો અમલ અપીલનો નિકાલ થતા સુધી મોકુફ રાખવા હુકમ કરેલ હતો.

આ કામે આરોપી હરિશ મધુસુદન રાજયગુરૂએ દાખલ કરેલ અલગ અલગ બે ક્રિમીનલ અપીલમાં આરોપી તરફથી થયેલ બચાવ સેશન્સ કોર્ટે માન્ય ન રાખતાં બંને ફોજદારી અપીલો રદ કરવા અને ટ્રાયલ કોર્ટનો હુકમ કાયમ રાખવા તેમજ દંડની રકમમાંથી ફરિયાદીને ચેક મુજબની રકમ રૂપીયા પ લાખનું વળતર ચુકવવા એડીશ્નલ સેશન્સ જજ શ્રી પી.સતીષકુમારે હુકમ કરેલ છે. હુકમ કરતાની સાથે જ આરોપીને કસ્ટડીમાં લઇ જેલ હવાલે કરવામાં આવેલ છે.

આ બંને કેસમાં ફરિયાદી રામભાઇ ભુરાભાઇ વતી ટ્રાયલ કોર્ટે તેમજ સેશન્સ કોર્ટમાં એડવોકેટ શ્રી ચેતન એન. આસોદરીયા તથા જૈમીશ કાકડીયા રોકાયેલ હતા. (પ૧.ર૦)

(4:17 pm IST)