Gujarati News

Gujarati News

News of Friday, 9th March 2018

ભારતીય સેના અને રાજકોટ પોલીસના જવાનો- પરિવારજનો માટે રવિવારે બે સ્થળોએ રકતદાન કેમ્પ

શિવરાજ નરેશભાઈ પટેલના શુભવિચાર સદ્દજયોતા ચેરીટેબલ ટ્રસ્ટનું આયોજનઃ ખોડલધામ મહિલા સમિતિની યુવા ટીમ સાથે ડાયાબીટીસ ચેકઅપ- સ્વચ્છતા અભિયાન- વૃક્ષારોપણના કાર્યક્રમો

રાજકોટ,તા.૯: સદજયોતા ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા તા.૧૧ના રવિવારના રોજ રકતદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે.

આ તકે શ્રી ખોડલધામ ટ્રસ્ટના ચેરમેનશ્રી નરેશભાઈ પટેલના પુત્ર અને પિતાના પગલે જ સામાજીક સેવાકીય પ્રવૃતિઓ સાથે સંકળાયેલા શ્રી શિવરાજ પટેલે જણાવ્યું હતું કે આગામી રવિવારે બે સ્થળોએ રકતદાન કેમ્પના આયોજન થયા છે. જયારે એક કેમ્પ આગામી સમયામાં યોગીધામ ખાતે યોજાશે.

તેઓએ વધુમાં જણાવેલ કે આગામી સમયમાં ખોડલધામ મહિલા સમિતિના યુવા ટીમના સહયોગથી આગામી સમયમાં ચારથી પાંચ પ્રોજેકટ હાથ ધરવામાં આવનાર છે. જેમાં ગામડાઓમાં ડાયાબીટીસ ચેકઅપ કેમ્પ, સ્વચ્છતા અભિયાન, વૃક્ષારોપણ સહિતના કાર્યક્રમો યોજાનાર છે. જેમાં સમગ્ર યુવા ટીમ કાર્યરત રહેશે.

આજના સમયમાં અનેક પ્રકારનાં દાનની સરવાણીઓ વહે છે. હાલમાં રકતદાનને સૌથી મુલ્યવાન દાન માનવામાં આવે છે. સદ્જયોતા ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા રાજકોટ શહેરમાં અનેક જગ્યાએ રકતદાન કેમ્પનું આયોજન કરવામાં આવી રહ્યું છે અને ખાસ કરીને મુલ્યવાન રકતદાન કેમ્પનું આયોજન રાત- દિવસ લોકોની સુખાકારી માટે ખડેપગે રહેતા રાજકોટ પોલીસનાં જવાનો અને ભારતીય સેના તથા તેમના પરીવારો માટે કરવામાં આવી રહ્યું છે.

સેવાકીય ક્ષેત્રે પિતાની કેડીએ ચાલનારા શિવરાજ નરેશભાઈ પટેલનાં વિચારથી સદ્જયોતા ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા લોકોની સલામતી અને સુખાકારી માટે તહેવાર કે પરીવારની પણ ચિંતા કર્યા વિના ખડેપગે રહેતા ભારતીય સેના અને રાજકોટ પોલીસનાં જવાનોને મદદરૂપ થવાના અભીગમ રૂપે આગામી ૧૧મીના રવિવારે શ્રી સરદાર પટેલ ભવન, ન્યુ માયાણીનગર, માલવિયા પોલીસ સ્ટેશનવાળી શેરી તથા સામાકાંઠા વિસ્તારમાં શ્રી ભોજલરામ ચેરીટેબલ ટ્રસ્ટનાં સહયોગથી રાજ સ્કુલ, સમર્પણ પાર્ટી પ્લોટ પાસે, ડી-માર્ટ ૫૦ ફુટ રોડ, કુવાડવા રોડ, રાજકોટ ખાતે રકતદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. ઉપરોકત બંને રકતદાન કેમ્પમાં એકત્ર થયેલ રકતનો ઉપયોગ ખાસ કરીને ભારતીય સેના અને રાજકોટ પોલીસ અને તેમના પરીવાર માટે કરવામાં આવશે.

વધુ માહિતી માટે સદ્જયોતા ચેરીટેબલ ટ્રસ્ટ કાર્યાલય, શિવમ કોમ્પ્લેક્ષ, ૨/૧૦ ભકિતનગર સ્ટેશન પ્લોટ, રાજકોટ અથવા મો.૯૭૨૫૫ ૦૭૧૩૬ પર સંપર્ક કરી શકાય છે.

આ અંગેની વિગતો અકિલા કાર્યાલયે અકિલા પરિવારના મોભી શ્રી કિરીટભાઈ ગણાત્રા સાથે શિવરાજ પટેલે કરી હતી. આ પ્રસંગે યુવા ટીમ હિંમાશુ સંખાવરા, અખિલ સાકરીયા, વત્સલ પટેલ અને હાર્દિક સોરઠીયા નજરે પડે છે. તો આ પ્રસંગે જોગાનુજોગ શ્રીમતી અંજલીબેન રૂપાણી અને ભાજપ અગ્રણી શ્રી નીતિનભાઈ ભારદ્વાજ પણ ઉપસ્થિત છે. (તસ્વીરઃ સંદીપ બગથરીયા) (૩૦.૭)

(4:14 pm IST)