Gujarati News

Gujarati News

News of Friday, 9th March 2018

વોર્ડ નં. ૧૦ માં ઠેરઠેર ગંદકીના ગંજઃ સફાઇ અનિયમિતઃ કોંગ્રેસ

સફાઇ ઝૂંબેશ એ માત્ર નાટકઃ મનસુખભાઇ કાલરીયાનો આક્ષેપ

રાજકોટ તા. ૯ :.. તંત્ર દ્વારા વોર્ડ વાઇઝ સફાઇ ઝૂંબેશના રૂપે સ્વપ્રસિધ્ધીના નાટકો તથા તાયફાઓ યોજવામાં આવે છે. સ્માર્ટ સીટીના બણગા ફુંકવામાં આવે છે. પણ શહેરની સફાઇ અંગેની વાસ્તવિકતા કંઇક અલગ હોવાનું વિપક્ષી ઉપનેતા મનસુખભાઇ કાલરીયાએ આક્ષેપ કર્યો છે.

આ મનસુખભાઇએ જણાવ્યું હતું કે વોર્ડ નં. ૧૦ માં ઠેર ઠેર ગંદકીના ગંજ જોવા મળે છે. ઉપરાંત મોટાભાગના વિસ્તારોમાં સફાઇ નિયમિત થતી નથી. અનેક ફરીયાદો છતાં કોઇ કાર્યવાહી થતી નથી.

સત્ય સાંઇ હોસ્પીટલ રોડ ઉપર અલય રેસીડન્સી, વૃંદાવન રોડ ઉપર પ્રદ્યુમનગ્રીન સીટી પાસે, સમૃધ્ધિનગર આવાસ સામે, શારદાનગર, કાલાવડ રોડ ઉપર નંદનવન, જયોતિનગર જેવા અનેક વિસ્તારોમાં કાયમી ન્યુસન્સ પોઇન્ટ બની ગયેલા અનેક સ્થળોએ ગંદકીના ગંજ ફોટોમાં જોવા મળે છે.

વોર્ડ નં. ૧૦ ની શિવ આરાધના સોસાયટી, આવાસ યોજનાઓ, નંદી પાર્ક, શારદાનગર, શ્રીરામપાર્ક, બ્રહ્મ સમાજ વિસ્તાર, જલારામ-ર, રાવલનગર જેવા અનેક વિસ્તારોમાં સફાઇ કામ નિયમીત થતુ નથી. અઠવાડીએ એકાદ-બે દિવસ જ સફાઇ કામગીરી થાય છે. સ્થાનીકોની વારંવારની ફરીયાદો છતાં કોઇ જ પરિણામ લક્ષી કામગીરી થતી નથી. કંટાળેલા લોકો કચરો કમિશ્નરશ્રીની ચેમ્બરમાં ઠાલવવાની ચીમકી ઉચ્ચારવામાં આવી છે. (પ-ર૩)

(4:14 pm IST)