Gujarati News

Gujarati News

News of Friday, 9th March 2018

ગેસ્ટ હાઉસમાં ઉતેરલો ગઠીયો પાનવાળાને છેતરીને ૧૫ હજાર લઇ ગયોઃ અંતે પકડાયો

બાવીસ દિવસ પહેલા પોરબંદરનો શખ્સ પત્નિ-પુત્ર સાથે મોટી ટાંકી ચોકમાં રોકાયો'તોઃ પુત્ર બિમાર હોવાનું કહી પૈસા લઇ રાતોરાત છનનન થઇ ગયો'તોઃ જાગૃત રિક્ષાચાલકની બાતમી પરથી સપડાયો

રાજકોટ તા. ૯: ગઠીયાઓ નિતનવા નુસ્ખા અપનાવતાં હોય છે. બાવીસ દિવસ પહેલા પોરબંદર પંથકનો એક શખ્સ તેની પત્નિ અને બે વર્ષના બાળક સાથે રાજકોટ મોટી ટાંકી ચોકના ગેસ્ટ હાઉસમાં રોકાયો હતો. ત્રણ-ચાર દિવસના રોકાણ દરમિયાન તેણે ચોકમાં જ આવેલી એક પાન-કોલ્ડ્રીંકસની દૂકાને અવાર-નવાર જઇ દૂકાનદાર સાથે વાતો કરી ઓળખાણ કેળવી લીધી હતી. એ પછી એક સાંજે અચાનક તે પાનવાળા પાસે ગયો હતો અને બે વર્ષના દિકરાની હાલત ખુબ ખરાબ છે, પૈસાની જરૂર છે તેમ કહી રૂ. ૧૫ હજાર ઉછીના લઇને રાતોરાત પત્નિ-બાળક સાથે રવાના થઇ ગયો હતો. ફોન પણ બંધ કરી દેતાં પાનવાળાને છેતરાઇ ગયાનો અહેસાસ થયો હતો. જો કે આજે આ ગઠીયો મોટી ટાંકી ચોકના એક જાગૃત રિક્ષાચાલકને કારણે ઝડપાઇ ગયો હતો.

 

જાણવા મળેલી માહિતી મુજબ બાવીસેક દિવસ પહેલા મોટી ટાંકી ચોકમાં ગેસ્ટ હાઉસમાં આવેલા શખ્સે ચોકના એક પાનવાળા સાથે બે-ત્રણ દિવસમાં લાગણીના સંબંધો કેળવી લીધા હતાં. એ પછી તેણે પોતાનો પુત્ર બિમાર હોઇ પૈસાની જરૂર છે તેવી વાત પાનની દૂકાને કરતાં ચાર-પાંચ લોકો ઉભા હતાં. પણ કોઇએ મદદ કરવા હિમત દાખવી નહોતી. તે વખતે પાનવાળાએ 'જીગર' બતાવી પંદર હજારની મદદ કરી હતી અને વતનમાંથી પૈસા મંગાવી પોતાને આપી દેવા કહ્યું હતું.

જો કે બીજા દિવસે સવારે ખબર પડી હતી કે જેને પૈસાની મદદ કરાઇ તે રાતોરાત રૂમ છોડી પત્નિ-પુત્ર સાથે નીકળી ગયો છે. તેનો ફોન પણ બંધ આવતો હોઇ મદદ કરનાર વેપારીએ પૈસા નસિબમાં નહિ હોય તેમ સમજી વાત જતી કરી હતી. પણ મહેનતની કમાણી કોઇ લઇ જઇ શકે નહિ એ ઉકિત મુજબ આજે મોટી ટાંકી ચોકના જ એક રિક્ષાચાલક કે જે છેતરપીંડીની વાતથી વાકેફ હતાં પાનવાળાના મિત્ર હોઇ તેમજ તેણે પણ પૈસા લઇ જનારને જોયો હોઇ તે આજે અચાનક ગઠીયાને એક હોટેલ પાસે જોઇ જતાં તેની પાસે રિક્ષા ઉભી રાખી હતી.

આ રિક્ષાચાલકને નહિ ઓળખતા એ શખ્સે એસ.ટી. બસ સ્ટેશને જવાનું ભાડુ બાંધતાં રિક્ષાચાલક તેને ઓળખી ગયા હોઇ તુર્ત જ તેને મોટી ટાંકી ચોકમાં લાવ્યા હતાં અને વેપારી સામે ઉભો રાખી દેતાં પોલીસ મથકે લઇ જવાયો હતો. (૧૪.૧૯)

(4:04 pm IST)