Gujarati News

Gujarati News

News of Friday, 9th March 2018

નગરપાલિકાઓને ૧૧૦૦ કરોડથી વધુ રકમની ગ્રાન્ટ નાણાપંચમાં મળશે

કેન્દ્ર અને રાજય સરકારની ગ્રાન્ટો થકી નગરપાલિકાઓને વિકાસશીલ બનાવાશે : ધનસુખભાઈ ભંડેરીઃ છેવાડાના માનવીને વિકાસના ફળો મળે તે માટે ગુજરાત મ્યુ. ફાયનાન્સ બોર્ડ સંકલ્પબદ્ધ : ૧૪મીએ અમદાવાદ અને ૧૬મીએ સુરતમાં વર્કશોપ

રાજકોટ, તા. ૯ : ગુજરાત મ્યુનિસિપલ ફાઈનાન્સ બોર્ડ દ્વારા આજરોજ રાજકોટ ખાતે સૌરાષ્ટ્રની ૬૭ નગરપાલિકાઓ તેમજ સૌરાષ્ટ્રની ૪ મહાનગરપાલિકાઓના અપેક્ષીત અધિકારીઓ સાથે કેન્દ્રની ૧૫માં નાણાપંચની ગ્રાન્ટ અંતર્ગત સેમીનાર યોજાયો હતો. જેમાં સૌરાષ્ટ્રભરની નગરપાલિકાઓ તેમજ મહાનગરપાલિકાઓના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. આ વર્કશોપનું ઉદ્દઘાટન ગુજરાત મ્યુનિસિપલ ફાયનાન્સ બોર્ડના ચેરમેન ધનસુખભાઈ ભંડેરીના હસ્તે અને ગુજરાત મ્યુનિસિપલ ફાઈનાન્સ બોર્ડના અધિકારી શ્રી પટ્ટણી, દરજી તેમજ સી. એ. તુષારભાઈ અને જી. એસ.ટી.ની સમજણ આપવા માટે આવેલ વેટના અધિકારીઓની ઉપસ્થિતિમાં આ સેમીનાર યોજાયો હતો.

આ તકે કાર્યક્રમના અધ્યક્ષ અને ઉદ્દઘાટન ગુજરાત મ્યુનિસિપલ ફાયનાન્સ બોર્ડના ચેરમેન ધનસુખભાઈ ભંડેરીએ જણાવ્યુ હતું કે રાજયની પારદર્શક, સંવેદનશીલ, નિર્ણાયક અને પ્રગતિશીલ સરકારના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી તેમજ નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલના નેતૃત્વવાળી ભાજપા સરકાર દ્વારા ગામડાઓથી લઈ શહેરીજનોને પુરતા પ્રમાણમાં પ્રાથમિક સુવિધાઓ પ્રાપ્ત થાય તે માટે પ્રયાસ હાથ ધરાયો છે ત્યારે ગુજરાત મ્યુનિસિપલ ફાઈનાન્સ બોર્ડ દ્વારા રાજયની ૧૬૭ નગરપાલિકાઓ અને ૮ મહાનગરપાલિકાઓના વિકાસ માટે પૂરતા પ્રમાણમાં ગ્રાન્ટની ફાળવણી કરવામાં આવે છે ત્યારે કેન્દ્ર સરકાર દ્વારા ૧૫માં નાણાપંચની યોજના હેઠળ વર્ષ ૨૦૧૮-૧૯ની પરફોર્મન્સ ગ્રાન્ટની દરખાસ્તો તૈયાર કરવા માટેની જાણકારી આપવા અંગેના વર્કશોપના આયોજન કરવામાં આવે છે ત્યારે આ વર્ષે પણ તબક્કાવાર નગરપાલિકા અને મહાનગરપાલિકાઓના અપેક્ષીત અધિકારીઓ સાથે વર્કશોપનું આયોજન કરવામાં આવેલ છે. જેમાં આવી ગ્રાન્ટ માટેની દરખાસ્તો નગરપાલિકાઓ ચાલુ નાણાકીય વર્ષ ૨૦૧૮-૧૯ માટે કરવાની છે અને તે ઉપરાંત હવે પછીથી આગામી બે વર્ષ એટલે કે ૨૦૧૯-૨૦ અને ૨૦૨૦-૨૧ માટે પણ કરવાની થશે.

આ સંજોગોમાં નગરપાલિકાઓ દ્વારા દરખાસ્તો તૈયાર કરવાની તેમના મુલ્યાંકન વિશેની વિગતો સારી રીતે સમજી લેવામાં આવે અને તે મુજબ દરખાસ્ત કરવામાં આવે તો જ નગરપાલિકાઓના આ પરફોર્મન્સ ગ્રાન્ટ મળવાપાત્ર થશે. શહેરી સ્થાનિક સંસ્થાઓના વિકાસના કામો માટે ૧૫માં નાણાપંચની ગ્રાન્ટ ખૂબ જ મહત્વની હોય તેની જાણકારી પદાધિકારીઓ અને ચીફ ઓફીસરોને ગ્રાન્ટ મેળવવા માટે જરૂરી શરતો પરીપૂર્ણ કરવાની રહે છે જે અંગે ભારત સરકારના શહેરી વિકાસ મંત્રાલય, ભારત સરકાર તરફથી જણાવ્યા મુજબ શહેરી સ્થાનિક સંસ્થાઓને સ્વમૂલ્યાંકન સાથે પર્ફોર્મન્સ ગ્રાન્ટ માટે દર વર્ષે ૩૦મી સપ્ટેમ્બર સુધીમાં તેમની દરખાસ્ત રાજય સરકારને રજૂ કરવાની રહે છે. રાજય સરકાર દ્વારા આવી દરખાસ્તોની ચકાસણી કરી શહેરી સ્થાનિક સંસ્થાઓની કલેઈમ વેરીફાઈ કરી પર્ફોર્મન્સ ગ્રાન્ટનો કલેઈમ દર વર્ષે ઓકટોબર માસમાં ભારત સરકારના શહેરી વિકાસ મંત્રાલયમાં મોકલવાનો રહે છે. ત્યારબાદ શહેરી વિકાસ મંત્રાલય તરફથી ઝડપથી મૂલ્યાંકન કરી થર્ડ પાર્ટી ઈન્સ્પેકશન કરી નાણા રીલીઝ કરવા દરખાસ્ત મોકલી આપવાની રહે છે.

૧૫માં નાણાપંચની યોજના હેઠળ પર્ફોર્મન્સ ગ્રાન્ટની પાત્રતા માટેની ત્રણ શરતો આ મુજબ છે. જેમાં આ ગ્રાન્ટના વાર્ષિક હિસાબોનું ઓડીટ કરાવવાનું હોય છે તેમજ સ્વભંડોળની  આવકમાં વધારો થયેલ હોવો જોઈએ અને સર્વિસ લેવલ બેચ માર્કની જાહેરાત પ્રસિદ્ધ કરવાની હોય છે ત્યારે આ બેઠકમાં ગુજરાત મ્યુનિસિપલ ફાયનાન્સ બોર્ડના અધિકારી પટ્ટણી, દરજી સી. એ. તુષારભાઈ અને જીએસટીની સમજ આપવા માટે વેટના અધિકારીઓ ઉપસ્થિત રહી વિસ્તૃત માહિતી આપી હતી. આ વર્કશોપમાં સૌરાષ્ટ્રના રાજકોટ, જામનગર, કચ્છ, પોરબંદર, સુરેન્દ્રનગર, દેવભૂમિ દ્વારકા ભાવનગર, બોટાદ, મોરબી, અમરેલી, ગીર સોમનાથ, જૂનાગઢ જિલ્લાની કુલ મળી ૬૭ નગરપાલિકાઓ તેમજ રાજકોટ, જામનગર, ભાવનગર, જૂનાગઢ મહાનગરપાલિકાઓના ચીફ ઓફીસર અને એકાઉન્ટન્ટ, ઓફીસ સુપ્રિન્ટેન્ડેન્ટ, હિસાબનીશ, બજેટની કામગીરી જાણકારી  કર્મચારીઓ તથા મહાનગરપાલિકાના એકાઉન્ટન્ટ ઓફીસર અને બજેટની કામગીરી જાણનાર કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

આ અંતર્ગત વધુ માહિતી આપતા ગુજરાત મ્યુનિસિપલ ફાયનાન્સ બોર્ડના ચેરમેન ધનસુખભાઈ ભંડેરીએ જણાવ્યુ હતું કે ગુજરાત મ્યુનિસિપલ ફાયનાન્સ બોર્ડ દ્વારા ૧૫માં નાણાપંચની ગ્રાન્ટની સમજૂતી અંગે સમગ્ર ગુજરાતભરની ૧૬૨ નગરપાલિકાના ચીફ ઓફીસર અને એકાઉન્ટન્ટ, ઓફીસ સુપ્રિન્ટેન્ડેન્ટ, હિસાબનીશ, બજેટની કામગીરી જાણકાર કર્મચારીઓ તથા ૮ મહાનગરપાલિકાના એકાઉન્ટન્ટ ઓફીસર અને બજેટની કામગીરી જાણનાર કર્મચારીઓને વધુ માહિતગાર કરવાના હેતુથી તબક્કાવાર વર્કશોપનું આયોજન કરવામાં આવેલ છે. તા.૧૪ના રોજ અમદાવાદ ખાતે ઉત્તર ગુજરાત તથા મધ્ય ગુજરાતના અમદાવાદ, ગાંધીનગર, બનાસકાંઠા, પાટણ, ખેડા, મહેસાણા, સાબરકાંઠા, અરવલ્લી, આણંદ, મહીસાગર, દાહોદ, પંચમહાલ જીલ્લાની ૬૮ નગરપાલિકા તેમજ અમદાવાદ, ગાંધીનગર મહાનગરપાલિકા માટે વર્કશોપ યોજાશે. તેમજ સુરત ખાતે દક્ષિણ ગુજરાતના વડોદરા, છોટાઉદેપુર, ભરૂચ, વલસાડ, નવસારી, સુરત, તાપી, નર્મદા જીલ્લાની ૨૭ નગરપાલિકા તેમજ વડોદરા, સુરત નગરપાલિકા માટે વર્કશોપનું આયોજન કરવામાં આવેલ છે. જેમાં ગુજરાત મ્યુનિસિપલ ફાયનાન્સ બોર્ડના તજજ્ઞ અધિકારીઓ માર્ગદર્શન આપશે. આમ અંતમાં ધનસુખભાઈ ભંડેરીએ (મો.૯૯૦૯૦ ૩૧૩૧૧) જણાવ્યુ હતું. આ વર્કશોપમાં હાજર રહેલ તમામ ચીફ ઓફીસરોનું સ્વાગત કરી ધનસુખભાઈ ભંડેરીએ આ વર્કશોપ બધાને લાભદાયી નિવડે અને તમામ નગરપાલિકાઓને ૧૫મા નાણાપંચની પફોર્મન્સ ગ્રાન્ટ મેળવવાની પાત્ર બને તેવી શુભેચ્છાઓ પાઠવી હતી.(૩૭.૧૬)

(3:58 pm IST)