Gujarati News

Gujarati News

News of Friday, 9th March 2018

ફેશનવીકમાં રાજકોટની પાયલ અમૃતીયાને મળ્યુ સ્થાન

૨૦ ડિઝાઈનમાંથી ૩ની પસંદગી, ૧ ડિઝાઈન ન્યુયોર્કમાં રજૂ : એવોર્ડ - પ્રમાણપત્ર પણ મેળવ્યા : ૧૯૮૦ અને ૧૯૯૦ની વિદેશની સ્ટાઈલની થીમ પર પ્રોજેકટ બનાવ્યો હતો

રાજકોટ, તા. ૯ : સમગ્ર વિશ્વના ફેશન જગતમાં ભારત પણ પોતાનો સિંહફાળો નોંધાવતુ આવ્યુ છે અને સમગ્ર વિશ્વએ તેની નોંધ પણ લીધી છે ત્યારે ફરી એક વખત વિશ્વ કક્ષાએ ફેશન જગતમાં સૌરાષ્ટ્રમાંથી સૌપ્રથમ વખત વિશ્વના ટોપ ૪ ફેશનવિકમાંના એક અને સૌથી જૂના અને સૌથી મોટા એવા હાલમાં જ પૂર્ણ થયેલ ન્યુયોર્ક ફેશનવીકમાં ઈન્ટરનેશનલ ઈન્સ્ટીટ્યુટ ઓફ ફેશન ડીઝાઈન (આઈએનઆઈએફડી)ની રાજકોટની વિદ્યાર્થીની પાયલ તરૂણભાઈ અમૃતીયાના ડિઝાઈન કરેલા ગારમેન્ટ્સની પસંદગી થઈ હતી.

 

સૌરાષ્ટ્રમાંથી ૩૦ થી વધુ વિદ્યાર્થીઓએ પોતાની ડીઝાઈન રજૂ કરી હતી. જેમાંથી એકમાત્ર પાયલ અમૃતીયાની ડિઝાઈન સિલેકટ થઈ હતી. ફેશન ડીઝાઈનનો અભ્યાસ કરતી પાયલે કુલ ૨૦ ડીઝાઈનર સ્કેચ તૈયાર કરેલા હતા તેમાંથી ત્રણ ડીઝાઈનર ડ્રેસ બનાવ્યા હતા જેમાંથી એક ડીઝાઈનર વેરની પસંદગી થઈ હતી. પાયલે જણાવ્યુ હતું કે ૧૯૮૦ થી ૧૯૯૦ની વિદેશની સ્ટ્રીટ સ્ટાઈલની થીમ પર ડીઝાઈન તૈયાર કરવાની હતી. મેં રીસર્ચ કરી ત્યાંના હીપ - હોપ કલ્ચર પર ડે-વેર અને ઈવનીંગ - વેર તૈયાર કર્યા. જેમાં ઓવર કોટ, ટ્વીડ મટીરીયલ સ્નો એમ્બ્રોઈડરી સાથે બનાવ્યા. ન્યુયોર્ક ફેશન વીક માટે ડ્રેસનું સિલેકશન પ્રખ્યાત સેલીબ્રીટી ડિઝાઈનર અને જ્યુરી જેમ્સ આર. સેન્ડર્સ દ્વારા કરાયુ હતું.

આઈએનઆઈએફડી રાજકોટના સેન્ટર ડિરેકટર નૌશિક પટેલે જણાવ્યુ હતું કે ન્યુયોર્ક ફેશન વિકની શરૂઆત ૧૯૪૩માં થઈ હતી. તે વિશ્વનું સૌથી જૂનું ફેશન વીક છે અને તેમાં સૌરાષ્ટ્રમાંથી રાજકોટ આઈએનઆઈએફડીની વિદ્યાર્થીનીના ડિઝાઈન કરેલા ગારમેન્ટ્સની પસંદગી એક ગર્વની વાત છે. વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના વિકાસશીલ સ્વપ્ન ''ફાર્મ ટુ ફાઈબર, ફાઈબર ટુ ફેબ્રીક, ફેબ્રીક ટુ ફેશન અને ફેશન ટુ ફોરેન''ને આ વિદ્યાર્થીઓએ સાર્થક કરી બતાવ્યુ છે. ભારતમાંથી ૫૯ વિદ્યાર્થીઓની ડિઝાઈન ન્યુયોર્ક ફેશન વીકમાં પસંદ થયેલી અને તે ગારમેન્ટ્સને વિશ્વનનાં ડિઝાઈનરો સમક્ષ મોડેલ્સ દ્વારા રજૂ કરવામાં આવેલા.

પાયલ તરૂણભાઈ અમૃતીયાનો ભવિષ્યનો ગોલ ફેશન સ્ટાઈલર બનવાનો છે. તેને બોલીવૂડ સેલીબ્રીટીના ગારમેન્ટ્સ ડિઝાઈન કરવા છે ઉપરાંત ભારતની સંસ્કૃતિની વિશ્વફલક પર લઈ જવી છે. (તસ્વીરઃ સંદિપ બગથરીયા)(૩૭.૭)

(2:24 pm IST)