Gujarati News

Gujarati News

News of Friday, 9th March 2018

દારૂ ભરેલી કારનો ચાલક બેફામઃ ગાયનું મોતઃ વાહનો- થાંભલાનો કડૂસલો

ક્રાઇમ બ્રાંચની ટીમે વાણીયાવાડીમાંથી પીછો કરતાં ચાલક અકસ્માતી હારમાળા સર્જી કાર લઇ ભાગ્યોઃ વિરાણી ચોકમાં કાર રેઢી મુકી ભાગી ગયોઃ કારમાં આગ ભભૂકીઃ મોડી રાત્રે બે વાગ્યે ગોંડલ રોડથી ૧૨૦ની સ્પીડે ભાગેલી 'મા મેલડી' લખેલી જીજે૧૨ટી-૫૪૨૮ નંબરની એસેન્ટ કારનો ફિલ્મી ઢબે પીછો થતાં વાણીયાવાડીમાં અકસ્માત સર્જાતા કાર રેઢી મુકી ચાલક ભાગ્યોઃ અંદરથી ૭૦ બોટલ દારૂ મળ્યોઃ પોલીસ કાર જપ્ત કરીને જતી હતી ત્યારે વિરાણી ચોકમાં અચાનક આગ લાગી

અકસ્માતની હારમાળા સર્જનાર દારૂ ભરેલી કાર ગાય, રિક્ષા, કાર, બે થાંભલાને ઠોકરે લઇ કાર મુકી ભાગી ગયો હતો.  કારને જપ્ત કરી પોલીસ મથકે લઇ જતી વખતે વિરાણી ચોકમાં પહોંચતા કારમાં આગ લાગી હતી. તસ્વીરમાં ઘટના સ્થળે કાર, બટકી ગયેલા થાંભલા, નુકસાન થયું તે કાર, એકટીવા અને રિક્ષા તથા ગાયમાતાનો મૃતદેહ જોઇ શકાય છે (ફોટોઃ સંદિપ બગથરીયા)

રાજકોટ તા. ૯: શહેરમાં મોડી રાત્રે બે વાગ્યે ગોંડલ રોડ ચોકડીએથી વાણીયાવાડી બોલબાલા માર્ગ સુધી દારૂ ભરેલી કારનો ક્રાઇમ બ્રાંચની ટીમે પીછો કરતાં ફિલ્મી દ્રશ્યો સર્જાયા હતાં. વોચ રાખીને ઉભેલી પોલીસને જોઇ ચાલકે ૧૨૦ની સ્પીડથી કાર ભગાવી મુકતાં છેલ્લે વાણીયાવાડીમાં એક ગાયને, એક રિક્ષા, એકટીવા, એક કારને તથા બે વિજ થાંભલાને ઠોકરે લીધા હતાં અને કડૂસલો બોલાવી દીધો હતો. ઠોકરે ચડેલી ગાયનું મોત નિપજ્યું હતું. ભાગમભાગ બાદ ચાલક વાણીયાવાડીમાંં કાર રેઢી મુકી ભાગી ગયો હતો. જેમાંથી ૭૦ બોટલ દારૂ મળ્યો હતો. પોલીસ કાર કબ્જે કરીને જતી હતી ત્યારે વિરાણી ચોકમાં  એકાએક આગ ભભૂકતાં ફાયર બ્રિગેડને જાણ કરી હતી. ચાલક અને માલિક કોણ? તે અંગે તપાસનો ધમધમાટ શરૂ થયો છે.

માહિતી મુજબ પોલીસ કમિશ્નર અનુપમસિંહ ગહલોૈત, જેસીપી ડી.એસ. ભટ્ટ, બંને ડીસીપી તથા એસીપી ક્રાઇમ જયદિપસિંહ સરવૈયા તથા પી.આઇ. એચ. એમ. ગઢવીની સુચના મુજબ રાત્રીના પી.એસ.આઇ. અતુલ એસ. સોનારા, હેડકોન્સ. સમીરભાઇ શેખ, અનિલભાઇ સોનારા, નિલેષભાઇ ડામોર, રામભાઇ વાંક, હરદેવસિંહ રાણા, દેવાભાઇ, ભકિતનગરના પી.એસ.આઇ. ધાખડા સહિતની ટીમ પેટ્રોલીંગમાં હતી ત્યારે હેડકોન્સ. સમીરભાઇને બાતમી મળી હતી કે ગોંડલ રોડ ચોકડી તરફથી દારૂ ભરેલી કાર નીકળવાની છે.

ઉપરોકત માહિતીને આધારે રાત્રે બે વાગ્યે ટૂકડીએ ગોંડલ રોડ ચોકડીએ વોચ રાખી હતી. એ વખતે સફેદ રંગની જીજે૧૨ટી-૫૪૨૮ નંબરની એક કાર નીકળતાં તેને અટકાવવાનો પ્રયાસ થતાં ચાલકે ૧૨૦ની સ્પીડથી કાર ભગાવી મુકી હતી. પોલીસે તેનો પીછો કરતાં એ ગોંડલ રોડ, મક્કમ ચોક, ડી માર્ટ વાળો રોડ થઇ છેલ્લે ભકિતનગર સર્કલ પછી વાણીયાવાડીમાં ઘુસતાં ત્યાં અકસ્માત સર્જાતા કાર મુકી ભાગી ગયો હતો. એ પહેલા તેણે શેરીમાં પડલી સિકંદરભાઇ વાળાની એક રિક્ષા નં. જીજે૩એવી-૯૧૧, એડવોકેટ બકુલ રાજાણીની ઇન્ડિકા કાર અને બે વિજ થાંભલાને ઉલાળ્યા હતાં. આટલેથી પણ ચાલક અટકયો નહોતો અને ત્યાંથી કાર ભગાવી મુકી હતી.

ક્રાઇમ બ્રાંચની ટૂકડીએ કારનો પીછો કરતાં ભારે ભાગમભાગ થતાં ફિલ્મી દ્રશ્યો સર્જાયા હતાં. છેલ્લે તક મળતાં ચાલક વાણીયાવાડીમાં કાર રેઢી મુકી ભાગી ગયો હતો. પોલીસ કાર કબ્જે કરીને જતી હતી ત્યારે વિરાણી ચોકમાં કારમાં અચાનક ભડકો થતાં ફાયર બ્રિગેડને જાણ કરતાં બંબો પહોંચ્યો હતો અને આગ બુઝાવી હતી. પોલીસે કાર,  રૂ. ૩૫ હજારનો ૭૦ બોટલ દારૂ મળતાં સહિતનો મુદ્દામાલ કબ્જે કર્યો છે.

કચ્છ પાસીંગની આ કારના નંબર સાચા છે કે ખોટા? તેની પણ તપાસ થઇ રહી છે. પોલીસને જોઇ ભાગેલા કાર ચાલકે જે ગાયને ઠોકરે લીધી તેનું પણ મોત નિપજ્યું હતું. બનાવ અંગે એડવોકેટ બાર એસો.ના ઉપપ્રમુખ બકુલ રાજાણીએ પણ પોલીસને જાણ કરી હતી. તેમજ થાંભલા ભાંગી ગયા હોઇ પીજીવીસીએલમાં પણ જાણ કરી હતી.

(4:17 pm IST)