Gujarati News

Gujarati News

News of Friday, 9th March 2018

પ્રેમની વેદી પર બલિદાનઃ દલિત યુવાન અને સગીરાનો આપઘાત

રાજકોટના આંબેડકરનગરનો જયેશ ચંદ્રપાલ (ઉ.૨૦) અને પડોશી ગાયત્રી રાઠોડ (ઉ.૧૬)એ વહેલી સવારે ઘરેથી નીકળી ૧૫૦ રીંગ રોડ પર ફોર્ચ્યુન હોટેલ સામે કારખાના બહાર વખ ઘોળ્યું: સિવિલ હોસ્પિટલમાં પહેલા સગીરાને અને બાદમાં યુવાને દમ તોડ્યોઃ પરિવારજનો શોકમાં ગરકઃ બંનેના સ્વજનો લગ્ન કરી દેવા તૈયાર હતાં પણ છોકરી હજુ સગીર હતીઃ વિરહ જીરવી ન શકતાં પગલુ ભર્યુઃ ૨૦ દિવસ પહેલા બંને ભાગી પણ ગયા'તા અને સામેથી પોલીસમાં હાજર થઇ ગયા'તાઃ ત્યારે સમાધાન થઇ ગયું હતું

પ્રેમિકાની ઉમર નાની હોવાથી લગ્ન ન થઇ શકતાં ૧૬ વર્ષની પ્રેમિકા ગાયત્રી અને ૨૦ વર્ષના પ્રેમી અમિતે સવારે ૧૫૦ રીંગ રોડ પર કારખાના બહાર ઝેર પી લેતાં બંનેના મોત નિપજ્યા હતાં. તસ્વીરમાં અમિત ચંદ્રપાલનો નિષ્પ્રાણ દેહ, તેનો ફાઇલ ફોટો અને સગીરા ગાયત્રી રાઠોડનો નિષ્પ્રાણ દેહ તથા ફાઇલ ફોટો અને બંનેના સ્વજનો વિલાપ કરતાં જોઇ શકાય છે (ફોટોઃ અશોક બગથરીયા)

રાજકોટ તા. ૯: અઢી અક્ષરના પ્રેમમાં અનેક લોકો ફના થઇ ગયા છે. વધુ એક કિસ્સામાં શહેરના ૧૫૦ ફુટ રીંગ રોડ પર આંબેડકરનગરમાં રહેતાં ૨૦ વર્ષના દલિત યુવાન અને તેની ૧૬ વર્ષની પ્રેમિકાએ સવારે સજોડે ઝેર પી દુનિયા છોડી દેતાં સ્વજનોમાં કલ્પાંત સર્જાયો છે. આ બંને અગાઉ ભાગી ગયા હતાં અને પોલીસ મથકમાં સામેથી જ રજૂ થઇ ગયા હતાં. બંનેના સ્વજનોએ એક જ જ્ઞાતિ હોઇ બંનેના લગ્ન કરી દેવા સહમતિ દાખવી દીધી હતી. પરંતુ છોકરીની ઉમર નાની હોઇ હાલમાં લગ્ન થઇ શકે તેમ ન હોઇ વિરહ ન ઝીરવાતાં બંનેએ સવારે ઘરેથી નીકળી જઇ ફોર્ચ્યુન હોટેલ પાસે યુવાન જ્યાં કામ કરતો હતો તે કારખાના બહાર ઝેર પી લેતાં હોસ્પિટલમાં ખસેડાયા હતાં. પરંતુ પહેલા સગીરા અને બાદમાં યુવાનનું મોત નિપજ્યું હતું.

પ્રાપ્ત માહિતી મુજબ આંબેડકરનગર-૧૪માં રહેતો જયેશ હરિભાઇ ચંદ્રપાલ (દલિત) (ઉ.૨૦) અને શેરી નં. ૧૨/૭ના ખુણે રહેતી ગાયત્રી અરજણભાઇ રાઠોડ (દલિત) (ઉ.૧૬) વહેલી સવારે ઘરેથી ગૂમ થઇ જતાં બંનેની શોધખોળ શરૂ થઇ હતી. સગીરાના માતાએ જયેશના ઘરે જઇ તપાસ કરતાં જયેશ પણ હાજર ન હોઇ તેના સ્વજનો પણ શોધવા નીકળી ગયા હતાં. દરમિયાન ફોર્ચ્યુન હોટેલ સામે આવેલા તિરૂપતી ઇન્ડસ્ટ્રીઝ નામના કારખાના પાસે  જયેશ અને તેની સાથે એક છોકરીએ ઝેર પી લીધાની જાણ જયેશ આ વિસ્તારના કારખાનામાં કામ કરતો હોઇ ત્યાંના એક વ્યકિતએ કરતાં પરિવારજનો દોડી ગયા હતાં અને બંનેને સિવિલ હોસ્પિટલે ખસેડ્યા હતાં. પરંતુ અહિ પહેલા ગાયત્રીનું અને બાદમાં જયેશનું મોત નિપજ્યું હતું.

હોસ્પિટલ ચોકીના સ્ટાફે માલવીયાનગર પોલીસને જાણ કરતાં પી.એસ.આઇ. જે. કે. પાંડાવદરા, એએસઆઇ કિંજલબેન પટેલ, હરેન્દ્રસિંહ અને પ્રશાંતસિંહે જરૂરી કાર્યવાહી કરી હતી. પરિવારજનોએ પોલીસ સમક્ષ વિગતો જણાવી હતી કે જયેશ અને ગાયત્રી એક બીજાના પ્રેમમાં હતાં અને એ કારણે બંને વીસ દિવસ પહેલા ઘરેથી ભાગી ગયા હતાં. ત્યારે પોલીસને જાણ કરવામાં આવતાં બંને બાદમાં સામેથી રજૂ થઇ ગયા હતાં. તે વખતે બંનેના પરિવારજનોએ લગ્ન કરાવી દેવાની ખાત્રી આપી ઘરમેળે સમાધાન કરી લીધુ હતું. પરંતુ છોકરી સગીર વયની હોઇ લગ્ન હાલમાં થઇ શકે તેમ ન હોઇ બંને વિરહ ઝીરવી ન શકતાં કદાચ આ પગલુ ભર્યુ હોય તેમ લાગે છે.  આપઘાત કરનાર જયેશ બે ભાઇમાં નાનો હતો અને કારખાનામાં કામ કરતો હતો. જ્યારે ગાયત્રી બે બહેન અને એક ભાઇમાં વચેટ હતી. ગાયત્રીના પિતા હયાત નથી. માતાનું નામ મંજુબેન છે. જ્યારે જયેશના પિતા નિવૃત જીવન ગાળે છે. તેના માતાનું નામ હર્ષાબેન છે. દિકરો-દિકરી ગુમાવનારા બંને પરિવારજનો શોકમાં ગરક થઇ ગયા છે.

 

(12:27 pm IST)