Gujarati News

Gujarati News

News of Thursday, 8th March 2018

વ્યાજખોરોએ ૮ દિ'માં મકાન ખાલી કરવા નોટીસ મોકલતાં નિલેષ વાળંદે સીપી કચેરીએ ઝેર પીધું!

લોક દરબારમાં રજૂઆત બાદ ૪/૨ના રોજ છ શખ્સો વિરૂધ્ધ મનીલેન્ડ એકટ હેઠળ ફરિયાદ કરી'તીઃ હજુ કોઇ પકડાયા નથી!: વ્યાજે લીધેલા ૩૦ લાખ, ૩ લાખ અને ૧૧ લાખની મુળ રકમ કરતાં ડબલ ચુકવ્યા છતાં ધમકીઓ મળતી હતીઃ નિરવ મોલીયા, કમલેશ સાંગાણી, વિપુલ લાવડીયા, રૂપેશ શાહ, બિપીન શાહ અને ભાવેશ શાહ વિરૂધ્ધ ગુનો નોંધાયો હતો

રાજકોટ તા. ૮: વ્યાજખોરો સામે પોલીસે અભિયાન હાથ ધર્યુ છે એ વચ્ચે અગાઉ લોકદરબારમાં અરજી કર્યા પછી  છ શખ્સો સામે મનીલેન્ડ એકટ હેઠળ આજીડેમ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવનાર કોઠારીયાના ઇશ્વર પાર્ક-૨માં રહેતાં અને જમીન-મકાનની દલાલીનું કામ કરતાં નિલેષ ચંદુભાઇ ગોહેલ (ઉ.૩૯) નામના વાળંદ યુવાને ગત સાંજે પોલીસ કમિશ્નર કચેરીના પાર્કિંગમાં ઝેર પી લેતાં સિવિલ હોસ્પિટલમાં ખસેડાયો છે. વ્યાજખોરોએ પોતે અગાઉ મામાના મકાન પર વ્યાજે રકમ લીધી હોઇ તે મકાન લખાવી લઇ આઠ દિવસમાં આ મકાન ખાલી કરવા નોટીસ મોકલતાં અને ધમકી આપતાં કંટાળીને પોતે ઝેર પીવા મજબૂર થયાનું આ યુવાને જણાવ્યું છે.

હોસ્પિટલના બિછાનેથી નિલેષે કહ્યું હતું કે મારે અગાઉ ધંધા માટે જરૂર પડતાં ચારેક વર્ષ પહેલા મિત્ર મારફત ગીતાંજલી સોસાયટીના નિરવ મોલીયા, બીગ બાઝાર પાસે રહેતાં કમલેશ સાંગાણી, ગોંડલના વિપુલ લાવડીયા, રાજકોટના રૂપેશ શાહ, બિપીન શાહ અને ભાવેશ શાહ પાસેથી રૂ. ૩૦ લાખ, ૩ લાખ અને ૧૧ લાખ વ્યાજે લીધા હતાં. આ રકમ સામે ડબલ ચુકવણું કરી દીધુ હોવા છતાં પોતાની પાસે વધુ વ્યાજ માંગી કોરા ચેકો તથા પ્રોમીસરી નોટ લખાવી લઇ મારી નાંખવાની ધમકી આપતાં હોઇ પોતે આ મામલે લોક દરબારમાં રજૂઆત કર્યા બાદ ૪/૨ના રોજ આજીડેમ પોલીસે પોતાની ફરિયાદ પરથી આ છએય સામે ગુનો દાખલ કર્યો હતો.

નિલેષે આગળ જણાવ્યું હતું કે મેં જ્યારે પૈસા વ્યાજે લીધા ત્યારે મારા મામાનું ૬૦ લાખનું મકાન જામીન તરીકે રાખ્યું હતું. મારી ફરિયાદ બાદ પોલીસે તપાસ હાથ ધરી હતી પણ કોઇ હાથમાં આવ્યા નહોતાં અને નિરવ સહિતના આગોતરા જામીન માટે અરજી કરી ચુકયા છે. બીજી તરફ મારા મામાના મકાન પર મેં નાણા લીધા હોઇ આ મકાન આઠ દિવસમાં ખાલી કરી દેવા માટે મને નોટીસ મોકલવામાં આવતાં અને ફરીથી ધમકી અપાતાં હું પોલીસ કમિશ્નરશ્રીને મળવા ગયો હતો. ગઇકાલે સાથે જ ઝેરી દવા લઇને ગયો હતો અને કંટાળીને સીપી કચેરીના પાર્કિંગમાં જ પી ગયા બાદ ગેઇટ પાસે આવી ઉલ્ટીઓ કરવા માંડ્યો હતો અને મારા મિત્ર ઘનશ્યામભાઇ વાળંદને ફોન કરતાં તે આવી જતાં ૧૦૮ બોલાવી મને હોસ્પિટલે ખસેડ્યો હતો.

નિલેષની એન્ટ્રી પ્ર.નગર પોલીસ મથકમાં નોંધાવવામાં આવતાં પી.એસ.આઇ. બી. જે. ડાંગર અને આનંદભાઇએ નિવેદન નોંધવા તજવીજ કરી હતી. (૧૪.૬)

(10:32 am IST)
  • દુનિયાના મહાન વૈજ્ઞાનિક આઈનસ્ટાઈને 42 વર્ષની ઉંમરે તેનાથી 20 વર્ષ નાની ઉંમરની યુવતીને પ્રેમ પત્ર લખ્યો હતો. જો કે આ પ્રેમ પત્ર વિશે ભાગ્યે જ કોઈ જાણતું હશે. આલબર્ટ આઈનસ્ટાઈનના 97 વર્ષ પહેલા લખાયેલા આ પત્રની ઈઝરાયેલની રાજધાની જેરુસેલમમાં 4 લાખ રૂપિયામાં હરાજી થઈ. જો કે એલીસાબેટ્ટા પીસીની નામની એ યુવતીએ આઈનસ્ટાઈનના પ્રેમનો સ્વીકાર કર્યો નહોતો. access_time 12:41 am IST

  • જીતેન્દ્ર પરના જાતિય શોષણના કેસમાં નવો વળાંક : તેની કઝિને ફેરવી તોળ્યું, હવે કહ્યું ‘માત્ર છેડતી કરી હતી, સંબંધ નહોતો બાંધ્યો’ access_time 9:24 am IST

  • જગવિખ્યાત સુફી ગાયક બેલડી વડાલી બ્રધર્સમાં નાના ભાઈ ઉસ્તાદ પ્યારેલાલ વડાલીનું 75 વર્ષની ઉમંરે હાર્ટ એટેકમાં મૃત્યુ થયુ છે. પ્યારેલાલ છેલ્લા કેટલાક સમયથી બીમાર હતા અને ગઈ કાલે તેમને હાર્ટ એટેક આવ્યો હતો. ગઈ કાલે તેમને અમૃતસરની ફોર્ટિસ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતાં. ત્યાં આજે સવારે તેમણે અંતિમ શ્વાસ લીધા હતા. પ્યારેલાલ વડાલીના નિધન વિશે તેમના ભત્રીજા લખવિંદર વડાલીએ જાણ કરી હતી. access_time 1:04 pm IST