Gujarati News

Gujarati News

News of Thursday, 9th February 2023

વ્‍યાજ વટાવના ગુનામાં સંડોવાયેલા આરોપીની આગોતરા જામીન અરજી ફગાવતી કોર્ટ

રાજકોટ તા. ૯ : વ્‍યાજ વટાવના ગુનામાં સંડોવાયેલા આરોપીએ પોલીસ ધરપકડની દહેશતે કરેલી આગોતરા જામીન અરજી અદાલતે ફગાવી દીધી છે.

કેસની હકીકત મુજબ આરોપીએ પિન્‍ટુ કવાભાઇ રાઠોડે ફરિયાદી હેમત હરીભાઇ ટુડીયાને રૂા. ૧૭.૫૦ લાખ ૫ ટકાના વ્‍યાજે આપી ફરિયાદી અને  ફરિયાદીના પરિવારને જાનથી મારી નાખવાની ધમકી આપી ખોટી રીતે પૈસાની ઉધરાણી કરતા તેમજ ફરિયાદીના બનેવીના મકાનની ફાઇલ તેમજ ફરિયાદીના પિતાજીના નામની ખેતીની જમીનની બુક પણ બળજબરીપૂર્વક પડાવી લઇ આરોપી સતત માનસીક ત્રાસ આપી જાનથી મારી નાખવાની ધમકી આપી હેરાન કરતા જે અંગે ફરિયાદીએ આરોપી વિરૂધ્‍ધ થોરાળા પોલીસ સ્‍ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. જે ગુનામાં  આરોપી પિન્‍ટુ રાઠોડે  પોલીસથી બચવા એડી. ડીસ્‍ટ્રીકટ એન્‍ડ સેસન્‍સ જજની કોર્ટમા આગોતરા જામીન અરજી દાખલ કરી હતી. જે જામીન અરજી ચાલવા ઉપર આવતા બંને પક્ષની રજૂઆતો બાદ સરકારી વકીલ અને ફરિયાદ પક્ષના વકીલની દલીલો ગ્રાહ્ય રાખી કોર્ટે આરોપી પિન્‍ટુ રાઠોડના આગોતરા જામીન રદ કરતો હુકમ ફરમાવ્‍યો છે.

આ કેસમાં સરકાર પક્ષ તરફે સરકારી વકીલ  રક્ષિતભાઇ કલોલા અને મુળ ફરિયાદી તરફે મેઘરાજસિંહ એમ. ચુડાસમા રોકાયા હતા.

(4:31 pm IST)