Gujarati News

Gujarati News

News of Thursday, 9th February 2023

૧ લાખમાં કાર ગિરવે રાખનારા મઢી શિવપરાના સુમિત સહિત ત્રણે પાછી આપવા ૩ લાખ માંગ્‍યા!

ઓમનગરના સિક્‍યુરીટી એજન્‍સી સંચાલક સાગર નાટડાએ ભાઇ કુલદિપના મિત્ર અમર મારફત કાર મુકાવી હતીઃ મઢીના સુમિત હજારી, બજરંગવાડીના સાજીદ સેતા અને સમીર જામ વિરૂધ્‍ધ તાલુકા પોલીસમાં ફરિયાદ

રાજકોટ તા. ૯: ઓમનગર પાસે રહેતાં અને સિક્‍યુરીટી એજન્‍સી ચલાવતાં યુવાનને પોતાના ભાઇ માટે નાણાની જરૂર હોઇ મિત્ર મારફત પોતાની સ્‍વીફટ કાર ગિરવે મુકી ૧ લાખ રૂપિયા દસ દિવસ માટે લીધા બાદ રકમની વ્‍યસ્‍થા થઇ જતાં કાર છોડાવવા જતાં આ કાર ગિરવે રાખનારા હનુમાન મઢી શિવપરાના શખ્‍સે તેના બે સાગ્રીત સાથે મળી કાર વેંચાઇ ગઇ છે, હવે પાછી જોઇતી હોય તો ૩ લાખ આપવા પડશે તેમ કહી ઠગાઇ કરતાં ફરિયાદ નોંધાઇ છે.

આ બનાવમાં તાલુકા પોલીસે ઓમનગર સર્કલ પાસે પટેલનગર વેલદીપ સોસાયટી-૧માં રહેતાં અને સિક્‍યુરીટી એજન્‍સી ચલાવતાં સાગર બીજલભાઇ નાટડા (ઉ.૨૪)ની ફરિયાદને આધારે હનુમાન મઢી પાસે શિવપરા-૨માં રહેતાં સુમિત હજારી, બજરંગવાડીના સાજીદ બાબુભાઇ સેતા અને સમીર રહિમભાઇ જામ તથા તપાસમાં ખુલે તેની સામે છેતરપીંડીનો ગુનો નોંધ્‍યો છે.

સાગર નાટડાએ જણાવ્‍યું છે કે મારી પાસે જીજે૦૩એલઆર-૭૦૧૬ નંબરની સ્‍વીફટ કાર છે. ૧૮/૧૧/૨૨ના રોજ મારા ભાઇ કુલદિપને પૈસાની જરૂર હોઇ જેથી મેં મારી સ્‍વીફટ કાર તેના મિત્ર અમર થરેશા (રહે. બેડીપરા)ને કોઇ જગ્‍યાએ ગિરવે મુકાવી ૧ લાખની વ્‍યવસ્‍થા કરી આપવા કહેતાં અમરે પોતાના જાણીતા પાસે ગાડી મુકી પૈસા અપાવશે તેમ કહ્યા બાદ એ દિવસે સાંજે સાતેક વાગ્‍યે મારા ઘરેથી ગાડી લઇ ગયો હતો અને રાતે નવેક વાગ્‍યે મારા ભાઇ કુલદીપને આનંદ બંગલા ચોકમાં બોલાવી ૧ લાખ આપી દીધા હતાં. તેમજ દસ દિવસમાં આ રકમ પાછી આપવી પડશે અને રકમમાં ૧૦ હજાર ઉમેરીને પાછા આપવાના રહેશે તેમ અમરે કહ્યું હતું.

મારા ભાઇએ ગાડી કોની પાસે ગિરવી રાખી છે? તેમ પુછતાં અમરે હનુમાન મઢી શિવપરાના સુમિત હજારી પાસે મુક્‍યાનું કહ્યું હતું. તેમજ સુમિતે આ ગાડી બજરંગવાડીના સાજીદ સેતાને આપી તેની પાસેથી નાણા લીધાની વાત અમરે કરી હતી. એ પછી દસ દિવસ બાદ અમારી પાસે પૈસાની વ્‍યવસ્‍થા થઇ જતાં ૧.૧૦ લાખ પરત આપવાની અને ગાડી લઇ આવવાની વાત અમરને કરતાં અમરે સુમિતને ફોન કર્યો હતો પણ ફોન બ઼ધ હતો. સાજીદનો કોન્‍ટેક્‍ટ કરતાં સાજીદે ગલ્લા તલ્લા કર્યા હતાં અને ગાડી વેંચી દીધી છે તેવા ખોટા જવાબો આપ્‍યા હતાં. ત્‍યારબાદ મિત્ર અમરને સમીર જામનો ફોન આવ્‍યો હતો અને કહ્યુ઼ હતું કે સ્‍વીફટ કાર મેં સુમિત અને સાજીદ પાસેથી ખરીદી છે મને ગાડીની અસલ આર.સી. બૂક અને માલિક પાસેથી વેંચાણનું લખાણ કરાવી આપો. જેથી અમરે સમીરને કહેલ કે હું તમને ઓળખતો નથી. મેં ગાડી સુમિત મારફત સાજીદને આપી હતી. ત્‍યારબાદ ૩૦/૧૨ના રોજ સમીરનો ફોન આવેલો અને કહેલું કે તમારી સ્‍વીફટ કાર મારી પાસે છે, મને ત્રણ લાખ આપો અને ગાડી લઇ જાવ તેમ કહ્યું હતું.

આમ અમારી સ્‍વીફટ ગાડી અમે અમર મારફત તેના મિત્ર સુમિતને આપી હતી અને સુમિત સાજીદને આપી હતી. એ પછી આ બંનેએ સમીર સાથે મળી ગાડી વેંચી દીધી છે તેવી ખોટી વાત કરી ગાડી પાછી ન આપી ઠગાઇ કરતાં અમે ફરિયાદ નોંધાવી છે. તેમ સાગરે વધુમાં જણાવતાં તાલુકા હેડકોન્‍સ. વી.એમ. ચુડાસમાએ વધુ તપાસ હાથ ધરી છે.

(1:36 pm IST)