Gujarati News

Gujarati News

News of Thursday, 9th February 2023

એક અબજોપતિ મહિલા એક સમયે બંગલા અને ગાડીઓની માલિક હતી, આજે છે રસ્‍તા પર

કડકડાટ અંગ્રેજીમાં બોલતી વૃધ્‍ધા આશા દેવી સારસ્‍વતની સ્‍ટોરી કોઇ ફિલ્‍મી સ્‍ટોરીથી કમ : નથી : અલ્‍હાબાદ યુનિવર્સિટીમાંથી અર્થશાષા સાથે બી.કોમ.માં બીજા વર્ગ સાથે સ્‍નાતક કરેલું છે : આશાજી એક સમયે અઘોરી સાધુ બની રહેવા લાગ્‍યા અને આત્‍મહત્‍યા કરવાનું વિચાર્યુ પણ... : એક સમયે તે દિલ્‍હીની સૌથી અમીર મહિલા હતી ! પરિવાર ચાંદીનો જથ્‍થાબંધ બિઝનેસ ચલાવતો હતો : જયારે તેનો પતિ ભારતમાં સૌથી મોટો દાણચોર હતો! :આશા દેવીના લગ્નનું રિસેપ્‍શન ચેમ્‍સફોર્ડ ક્‍લબમાં યોજાયું હતું જયાં :મોરારજી દેસાઈ આવ્‍યાં હતા! :એક સમયે દિલ્‍હીમાં સાડા નવ કરોડનો આલિશાન મહેલ જેવો બંગલો હતો. એક વખત તેઓ સ્‍ટીલના વાસણોમાં ભોજન કરી લે પછી તેને ફેંકી દેતા હતા અને ચાંદીના વાસણોમાંજ ભોજન લેતા

જયારે તમે રસ્‍તાના કિનારે રહેતા વ્‍યક્‍તિ પાસેથી પસાર થશો અને તેને અસ્‍ખલિત અંગ્રેજી બોલતા જોશો ત્‍યારે તમે કેવી પ્રતિક્રિયા કરશો? દિલ્‍હીના ચાંદની ચોક વિસ્‍તારમાં ઇન્‍ડિયા ટુડેની પત્રકારને જોવા મળેલી એક વૃદ્ધ મહિલાએ તેમને શાબ્‍દિક રીતે સ્‍તબ્‍ધ કરી દીધા. કડકડાટ અંગ્રેજીમાં બોલતી એ વૃધ્‍ધ ગરીબ મહિલા એક જમાનામાં અબજો રૂપિયાની માલકીન હતી.! નવાઇ લાગીને..! આ વાત સાચી છે. તાજેતરમાં ઇન્‍ડિયા ટુડેના ખુબજ વાયરલ થયેલા વિડીયોમાં આ દર્શાવાયું છે. જેમાં ફૂટપાથ પર રહી ગરીબાઇમાં જીવન વિતાવતી આ વૃધ્‍ધ મહિલાએ તેનું નામ આશા દેવી સારસ્‍વત (અનામિકા) કહ્યું હતું અને તેના જીવનમાં કુદરતે જે થપાટ આપી છે તે હસતા મોઢે સહન કરતા આપવીતી વર્ણવી હતી.

આશાની સ્‍ટોરી કોઈ ફિલ્‍મી સ્‍ટોરીથી ઓછી નથી. અનામિકા ઉર્ફે આશા દેવી સારસ્‍વતની વાર્તા એક ફિલ્‍મી વાર્તા જેવી છે જે રાણી થી રંક બની જાય છે. તમે આટલું સરસ અંગ્રેજી કઇ રીતે બોલી જાણો છો? આશા દેવી જણાવે છે કે તેણે અલ્‍હાબાદ યુનિવર્સિટીમાંથી અર્થશાસ્ત્ર સાથે બી.કોમ માં બીજા વર્ગ સાથે સ્‍નાતક કરેલું છે. આશા દેવીનું કહેવું હતું કે, પહેલા લોકો મને ઇન્‍દિરા ગાંધી કહેતા. હું દેખાવમાં તેના જેવીજ લાગતી. ગાડીવાળા મને પાછળ વળી વળીને જોતા.!

આ ગરીબ વૃધ્‍ધા અનામીકા એ પોતાનું મૂળ નામ આશા દેવી સારસ્‍વત હોવાનું જણાવી કહ્યું હતું કે, ભણતા ભણતા જ તેની સગાઇ થઇ ગયેલી. એક સમયે તે દિલ્‍હીની સૌથી અમીર મહિલા હતી.! તેની પાસે પુષ્‍કળ સંપતિ હતી. તે સમયે દિલ્‍હીની સૌથી ધનિક મહિલા હોવાથી તેની પાસે નાણાંની કોઇ કમી નહોતી કારણ તેનો પરિવાર ચાંદીનો જથ્‍થાબંધ બિઝનેસ ચલાવતો હતો. પરિણામે તેની સંપતિ દિવસે ન વધે એટલી રાત્રે વધતી. આશા દેવી કહે છે કે એ જમાનામાં અમારી પાસે લાખેણી નવ ગાડીઓ અને ત્રણ ડ્રાઈવર રહેતા હતા. આટલી સંપતિ થવાનું કારણ મારા પતિ ભારતમાં સૌથી મોટા દાણચોર હતા. એ વખતે મારી સાસુની ધરપકડ થતા સાસુએ મને ઘરમાંથી કાઢી મૂકી હતી. અત્‍યારે પતિ ક્‍યાં છે તેની ખબર નથી લગભગ તે હવે આ દુનિયામાં નથી. તેને ત્રણ બાળકો પણ છે જે ન્‍યુયોર્કમાં છે. તેની માતા તેના માટે મૃત્‍યુ પામી છે તેવું તેઓ કહે છે.

આશા દેવીના જણાવ્‍યા અનુસાર, એક વખત તેમનો દિલ્‍હીમાં સિવિલ લાઈન્‍સ વિસ્‍તારમાં સાડા નવ કરોડનો આલિશાન મહેલ જેવો બંગલો હતો. એટલી બધી ઠાવકાઇ હતી કે એક વખત તેઓ સ્‍ટીલના વાસણોમાં ભોજન કરી લે પછી તેને ફેંકી દેતા હતા અને ચાંદીના વાસણોમાં ભોજન પિરસાતું તથા ચાંદીના વાસણોમાંજ ભોજન લેતા હતા. જયારે આજે ફુટપાથ પર રહી કાગળ કે પસ્‍તિમાં જે મળે તે ખાઇ જીવન પસાર કરે છે.

સ્‍વાભાવિક છે કે, જયારે અઢળક ધન હોય ત્‍યારે તેને ક્‍યાં વાપરવું તે પણ એક સવાલ હોય છે. આવુંજ કંઇક આશા દેવી સારસ્‍વત સાથે થતું. તે કહે છે, ક્‍યારેક એક ફાઇવ સ્‍ટાર હોટલોમાં અમારો લંચ હોય તો બીજી ફાઇવ સ્‍ટાર હોટલમાં ડિનરનું આયોજન કરવામાં આવતું હતું. ક્‍યારેક હું દિલ્‍હીની અશોકા હોટેલમાં જમ્‍યા પછી પ્રખ્‍યાત ઓબેરોય હોટેલમાં મસાલા ચા પીતી હતી તો વુડલેન્‍ડમાં ઢોસા ખાતી હતી.! ગળામાં સાચા હિરાનો હાર પહેરતી હતી. એક સમય એવો આવ્‍યો કે, પરિસ્‍થિતિ એ કરવટ બદલી. તમામ ધન સંપતિ બધું જ જતું રહ્યું. એ સમયે આશા દેવી અઘોરી સાધુ બની ગઇ હતી. આશા દેવી કહે છે, હું અઘોરી સાધુ બની અને ઋષિકેશમાં ગંગા કિનારે રહેવા લાગી હતી. મનમાં ખુબ નિરાશા હતી એટલે આશા દેવીએ આત્‍મહત્‍યા કરવાનું વિચાર્યું હતું. પરંતુ કોઇ કારણોસર તે દિલ્‍હી પરત આવી હતી.

આશા દેવી કહે છે, મેં ૨૪ વર્ષમાં મેં ઘાટ-ઘાટનું પાણી પીધું છે. દિલ્‍હી આવ્‍યા બાદ મીનાકુમારી જેમ નાચતી તેમ નાચીને કમાણી કરવા હું વેશ્‍યા બનવા જીબી રોડ સુધી ગઇ. મેં વિચાર્યું કે હું વેશ્‍યા બનીશ પણ મને ખબર નહોતી કે મારે આ કામ કરવું પડશે. આજે કુદરતની અદભૂત કરામત થી તે અબજોની સંપતિ ગુમાવી દિલ્‍હીની ચાંદની ચોક વિસ્‍તારમાં એક ફૂટપાથ પર પોતાનું જીવન અત્‍યંત ગરીબાઇમાં પસાર કરી રહી છે. તેમ છતાં આજે પણ તે ખુમારીથી જીવે છે. જો કોઇ તેને રૂપિયા આપે તો સ્‍વિકારતી નથી.! કોઇ મફત ચા આપે તો પણ પિતા નથી. તે કહે છે, પૈસાનું હું શું કરીશ? કેલેન્‍ડર, છાપા વેંચે છે. તે કહે છે, મહેનત કરીને ખાવ, ભિખારી બધા જ છે.

ભારતના પૂર્વ વડાપ્રધાન શ્રી મોરારજીભાઇ દેસાઈ વિશે આ વૃધ્‍ધા આશા દેવીના કહેવા પ્રમાણે, મોરારજી દેસાઈને લઈને એક ફિલ્‍મ બની છે વિદ્યાભાઇ શાહ સાથે. જેમાં તેણે અભિનય પણ કર્યો છે.! આશા દેવી કહે છે, ‘મારા લગ્ન દિલ્‍હીમાં થયાં હતાં અને રિસેપ્‍શન ચેમ્‍સફોર્ડ ક્‍લબમાં યોજાયું હતું જયાં મોરારજી દેસાઈ આવ્‍યાં હતાં.'

દિલ્‍હીની ચાંદની ચોકની ફૂટપાથ પર આજે તે વૃધ્‍ધા ગરીબીમાં ફાટેલા તૂટેલા કપડામાં, એકદમ સફેદ વિખરાયેલા વાળ, ઊંડી ઉતરી ગયેલી આંખો, દાંત વિનાનું મોઢું, અંદર બેસેલા ગાલ, એકદમ દૂબળુ શરીર અને આંખોમા તેના જીવનમાંથી પસાર થઇ ગયેલી તે વેળાને યાદ કરતી જોવા મળે છે. આ વૃધ્‍ધ મહિલા અનામિકાએ જે દાવો કર્યો હતો તે બધું જ ચકાસી શકતા નથી પણ તેણીની સફર અને જીવન પ્રત્‍યેનો દૃષ્ટિકોણ ખરેખર પ્રેરિત કરે તેવા છે. કોઇએ સાચુજ કહ્યું છે કે, કુદરત ની ગત ન્‍યારી.

આશા દેવી સારસ્‍વત નો વાયરલ વીડિયો જોવા https://www.youtube.com/watch?v= GqWHe0NJJjM&ab_channel =IndiaToday

(સૌજન્‍ય ઇન્‍ડિયા ટુડે)

પ્રશાંત બક્ષી
મો. ૭૯૯૦૫ ૫૮૪૬૯

 

મેં મોદીજીને કહેલું તમે એક દિવસ દેશના પ્રધાનમંત્રી બનશો... : આશા દેવી સારસ્‍વત

દિલ્‍હીના ચાંદની ચોક વિસ્‍તારમાં એકદમ ગરીબાઇમાં રહેલી એક સમયની શ્રીમંત મહિલા આશા દેવી સારસ્‍વતનો એવો દાવો છે કે, તે નરેન્‍દ્રભાઇ મોદીજીને મળી છે અને તે પણ તેને ઓળખે છે.!

આશા દેવીના કહેવા પ્રમાણે, તેનો અને પીએમ મોદીજીના માતાનો ચહેરો મળતો આવે છે. મોદીજી તેને જોઈને અટકી જતા હતા. લોકો આ બાબતે અનેકવાર તેની મજાક પણ ઉડાવે છે. આશા દેવી કહે છે, હું તેમને મળી છુ અને એકવાર મેં તેમને કહેલું પણ હતું કે તમે એક દિવસ ભારતના વડા પ્રધાન બનશો.

 

(11:36 am IST)