Gujarati News

Gujarati News

News of Thursday, 9th February 2023

ઓસ્‍ટ્રેલિયા-કેનેડામાં વર્ક પરમિટ, ખર્ચ પગારમાંથી કપાશેઃ ગોંડલના સંદિપ સાથે સાયબર ફ્રોડઃ ૨.૯૦ લાખ ગુમાવ્‍યા

જાહેર ખબર વાંચી ફોન કર્યો ત્‍યારે સામે છેડેથી વાત કરનારે પોતે મુંબઇ આસ્‍થા ઇન્‍ફોસીસમાંથી અજય પટેલ બોલે છે કહી-મહિને બે લાખ પગાર મળશે તેવી લાલચ આપી છેલ્લે કંપનીનો ઓફર લેટર ડાઉનલોડ કરાવવાના બહાને એપ્‍લીકેશન મોકલી આખો ફોન હેક કરી નાણા તફડાવી લીધા

રાજકોટ તા. ૮: ઓસ્‍ટ્રેલિયા-કેનેડામાં વર્ક પરમીટ કરાવી આપશું...ખર્ચ તમારી સેલેરીમાંથી કપાશે, આ પ્રકારની જાહેર ખબર વાંચ્‍યા બાદ ગોંડલના યુવાને ફોન કરતાં મુંબઇની આસ્‍થા ઓવરસીઝમાંથી અજય પટેલના નામે વાત કરનાર શખ્‍સે ગોંડલના યુવાનને સાયબર ફ્રોડમાં ફસાવી  કંપનીનો ઓફર લેટર ડાઉન લોડ કરાવવાના બહાને એચઆર લેટર નામની એપીકે ફાઇલ મોકલી તે ડાઉનલોડ કરાવી યુવાનના મોબાઇલની ઓપરેટીંગ સિસ્‍ટમ હેક કરી લઇ તેના ખાતામાંથી ૨,૯૦,૦૦૦ ઉપાડી લેતાં ફરિયાદ થઇ છે.

આ બનાવમાં ગોંડલ સીટી પોલીસે ગોંડલ નેશનલ હાઇવે નવા માર્કેટીંગ યાર્ડની પાછળ મુરલીધર રેસિડેન્‍સી એ-૧૬માં રહેતાં અને શાપર વેરાવળ ખાતે એમ. એસ. જોગી ફોર્જમાં ક્‍વોલિટી ઇન્‍ચાર્જ તરીકે નોકરી કરતાં સંદિપ રસિકભાઇ ડોબરીયા (ઉ.૨૯)ની ફરિયાદ પરથી બે અલગ અલગ મોબાઇલ નંબર૯૩૨૭૫ ૫૭૪૪૩, ૮૭૮૦૪ ૩૦૨૨૦ અને બેંક ઓફ બરોડાના એકાઉન્‍ટ ધારક તથા તપાસમાં ખુલે તેના વિરૂધ્‍ધ આઇપીસી ૪૦૬, ૪૨૦, ૧૧૪, આઇટી એક્‍ટ હેઠળ રૂા. ૨,૯૦,૦૦૦ની ઠગાઇ કરવાનો ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

સંદિપ ડોબરીયાએ જણાવ્‍યું છે કે તા. ૧/૧ના રોજ હું શાપર નોકરી પર હતો ત્‍યારે અખબારમાં એક જાહેરાત વાંચી હતી. જેમાં ઓસ્‍ટ્રેલિયા-કેનેડામાં વર્ક પરમીટ કરાવી આપશું, ખર્ચો સેલેરીમાંથી કપાશે તે પ્રકારની જાહેર ખબર વાંચી હતી. તેમાં કોન્‍ટેક્‍ટ નંબર હોઇ જે મેં નોંધી લીધા હતાં. ત્‍યારબાદ રાતે ઘરે આવી તેમાં ફોન કરતાં સામેની વ્‍યક્‍તિએ ગુજરાતીમાં વાત કરી હતી અને પોતાનું નામ અજય પટેલ જણાવ્‍યું હતું. તેમજ તેની આસ્‍થા ઓવરસીઝ નામની ઓફિસ મુંબઇ અંધેરીમાં છે તેમ કહ્યું હતું. આ ઉપરાંત તેણે કહેલું કે અમે વિદેશના વેર હાઉસ, શોપીંગ મોલ સાથે ટાઇઅપ ધરાવીએ છીએ, તેમાં તમને નોકરી મળી જાય અને પગાર ૩૪૦૦ ડોલર જેટલો હોય છે જે ભારતીય ચલણ મુજબ ૨ લાખ થાય છે.

તમારો પગાર ચાલુ થાય એટલે પહેલા પાંચ મહિના તેમાંથી ૧ લાખ વિઝા-કન્‍સલ્‍ટીગના કપાશે. એ પછી તમને સંપુર્ણ પગાર મળશે. તમને કંપની તરફથી રહેવાનું ક્‍વાર્ટર પણ અપાશે. આવી વાતો તેણે કરતાં હું સંમત થયો હતો. જેથી તેણે મારી પાસે પાસપોર્ટ અને એજ્‍યુકેશનની વિગતો માંગતા મેં વ્‍હોટ્‍સએપથી તેને મોકલ્‍યા હતાં. ત્‍યારબાદ ૯/૧ના રોજ મેં તેને મેસેજ કરતાં થોડીવાર બાદ ફોન કરશે તેવો વળતો મેસેજ આવ્‍યો હતો. ત્‍યારબાદ મને ફોન આવ્‍યો હતો અને કહ્યું હતું કે તમારું સિલેક્‍શન થઇ ગયું છે, મેઇલ આઇડી મોકલજો તેમાં કેનેડાની કંપની તરફથી ઓફર લેટર આવશે. એ પહેલા તમે આઇડીએફસી ફર્સ્‍ટ બેંકમાં તમારુ ખાતુ ખોલાવી રાખજો, તેમાં વિઝા પ્રોસેસીંગ માટે બેંક બેલેન્‍સ બતાવવાની થશે. તમે ૧૦ લાખ બેલેનસ રાખજો. જેથી મેં કહેલું કે આટલી મોટી રકમ હું બતાવી ન શકું. તેથી તેણે કંપનીને રિક્‍વેસ્‍ટ કરીશું. એ પછી ૧૧મીએ મેં બેંક એકાઉન્‍ટ ખોલાવી પાસબૂકનો ફોટો પાડી વ્‍હોટ્‍સએપ કર્યો હતો. એ પછી રાતે મને ફોન આવેલો અને ઓછામાં ઓછી ૮ લાખ બેલેન્‍સ રાખવી પડશે. જેમાંથી કંપની ૫ લાખ આપશે અને બાકીના ૩ લાખની તમારે વ્‍યવસ્‍થા કરવી પડશે તેમ કહ્યું હતું.

સંદિપે આગળ કહ્યું હતું કે મારે ખાતામાં રકમ બારેક દિવસ રાખવાની હતી. વિઝા પ્રોસેસ પુરી થયા પછી મેસેજ આવે એ પછી રૂપિયા ઉપડાી શકાશે તેમ કહેવાયું હતું. તેમજ કંપનીના રૂપિયા તેને આરટીજીએસથી પરત મોકલવાના રહેશે. આ પછી બીજા દિવસે મને વ્‍હોટ્‍સએપમાં બેંક ઓફ બરોડા કાંદીવલીના એકાઉન્‍ટ નંબર આઇએફસી કોડ સાથે આવ્‍યા હતાં. તેમાં રૂા. ૧ નાખવાનું કહેવાતાં મેં એક રૂપિયો નાંખી ટ્રાન્‍જેક્‍શન કરી તેનો ફોટો પાડી વ્‍હોટસએપ મારફત મોકલ્‍યો હતો.

ત્‍યારરપછી ૧૨/૧ના રોજ ફોન આવ્‍યો હતો. ફોન કરનારે આસ્‍થા ઓવરસીઝમાંથી બોલુ છું તેમ કહી માર નામ, સરનામુ, પત્‍નિના મોબાઇલ નંબર, મારા માતા-પિતાના મોબાઇલ નંબર સહિતની વિગતો માંગી હતી. તેમજ મેં નવુ ખાતુ ખોલાવ્‍યું છે તેમાં ૩ લાખ જમા કરાવવાનું કહેતાં ૧૮મીએ મેં સગા પાસેથી પૈસા લઇ ૩ લાખ જમા કરાવ્‍યા હતાં. એ પછી મને અજય સાથે ફોનમાં વાત કરવાનું કહેવાતાં  મેં અજયના નંબર પર ફોન કરતાં તેણે કહેલું કે દુબઇથી એક ફોન આવવાનો છે, થોડીવાર પછી તમને ફોન કરીશ. ત્‍યારબાદ વ્‍હોટ્‍સએપ કોલ આવ્‍યો હતો અને કહ્યુ઼ હતું કે તમારો ઓફર લેટર હજુ આવ્‍યો નથી, કંપનીની એપ્‍લીકેશન ડાઉનલોડ કરી તેમાંથી જનરેટ કરવાનો રહેશે. એ પછી મને એચ.આર. લેટર નામની એપીકે ફાઇલ આવી હતી. તે ચાલુ કોલે ડાઉનલોડ કરવાનું કહેવાતાં મેં તેમ કરતાં અને ફાઇલ ઓપન કરી વિગત ભરવાનું કહેતાં મે વિગત ભરી ફાઇલ સેવના બટન પર ક્‍લીક કરી હતી. એ પછી માત્ર લોડીંગની પ્રક્રિયા થઇ હતી પણ આગળ કંઇ આવ્‍યુ નહોતું. જેથી તેણે ટેક્‍નીકલ ઇશ્‍યુ છે, અમે સોલ્‍વ કરીએ છીએ તમારો ફોન ચાલુ જ રાખજો તેમ કહ્યું હતું.

ત્‍યારબાદ મારા ફોન સ્‍ક્રીન પર ૧ લાખ તથા ૧,૯૦,૦૦૦ ટ્રાન્‍જેક્‍શન થયાના બે મેસેજ આવ્‍યા હતાં. આની જાણ મેં તેને કરતાં તેણે ટેકનીકલ ઇશ્‍યુ છે, હમણા તમારા ખાતામાં આવી જશે તેમ કી ફોન કટ કરી નાંખ્‍યો હતો. જેથી મને શંકા જતાં તુરંત આઇડીએફસી ફર્સ્‍ટ બેંક ખાતે ગયો હતો અને ત્‍યાં જાણ કરતા બેંકમાંથી મને જણાવાયેલુ કે તમે વ્‍હોટ્‍સએપમાં જે એપ્‍લીકેશન ડાઉનલોડ કરી તેના કારણે તમારા ફોનનું ઓપરેટીંગ સામેવાળાના હાથમાં આવી ગયું છે. આથી એ લોકોએ પૈસા ટ્રાન્‍સફર કરી લીધા છે, તમે તરત એપ્‍લીકેશન ડીલીટ કરો. જેથી મેં એચ.આર. લેટર નામની એપીકે ફાઇલ અનઇન્‍સ્‍ટોલ કરી નાખી હતી.

ત્‍યારબાદ મેં અલગ અલગ બે નંબર પર ફોન કર્યા હતાં પણ તેમાં કોન્‍ટેક્‍ટ ન થતાં ઠગાઇ થયાની ખબર પડી હતી. સાયબર સેલમાં ગાંધીનગર ખાતે અગાઉ અરજી કરી હોઇ એ કારણે ફરિયાદ હવે કરી હતી. તેમ સંદિપ ડોબરીયાએ કહેતાં પીએસઆઇ જે. એમ. ઝાલાએ વધુ તપાસ હાથ ધરી છે.

(11:35 am IST)