Gujarati News

Gujarati News

News of Wednesday, 8th February 2023

“નલ સે જલ યોજના" થકી રાજકોટ જિલ્લાના ૫૯૯ ગામમાં ૩૭,૦૩૭ નવા નળ કનેકશન સહિત કુલ ૩,૧૦,૯૧૧ ઘરોમાં પહોંચ્યું પીવાનું શુદ્ધ પાણી

જિલ્લામાં વાસ્મો થકી ૬,૧૮૦ કિમી પાઈપલાઈન, ૪૨૩ સમ્પ અને ૬૫ ઉંચી ટાંકીઓનું નિર્માણ

રાજકોટ :રાજકોટ જિલ્લામાં ‘‘નલ સે જલ યોજના’’ અન્વયે ૫૯૯ ગામમાં ૩૭,૦૩૭ નવા નળ કનેકશન સહિત કુલ ૩,૧૦,૯૧૧ ઘરોમાં પીવાનું શુદ્ધ પાણી પહોંચાડવામાં આવ્યું છે.  વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ શરૂ કરાવેલા જલ જીવન મિશનનો ઉદેશ્ય દરેક ગ્રામીણ ઘરને નિયમિત, શુદ્ધ અને પૂરતા પ્રમાણમાં નિયત ગુણવત્તાનો પીવાના પાણીનો પુરવઠો લાંબા ગાળા સુધી ઉપલબ્ધ કરાવીને નાગરિકોના જીવનધોરણમાં સુધારો લાવવાનો છે, જેના અનુસંધાને મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના સબળ નેતૃત્વ અને પાણી પુરવઠા મંત્રી કુંવરજીભાઈ બાવળીયાના સક્ષમ માર્ગદર્શન હેઠળ “નલ સે જલ યોજના” અંતર્ગત વર્ષ ૨૦૨૪ સુધીમાં દરેક ઘરને નળ મારફતે પાણી પુરૂ પાડવાનો લક્ષ્યાંક નક્કી કરવામાં આવ્યો છે. “નલ સે જલ યોજના" થકી રાજકોટનાં ગામડાઓ સમૃદ્ધ થયા છે. રાજકોટ જિલ્લામાં હર ઘર જલની ૧૦૦% કામગીરી માર્ચ – ૨૦૨૨માં જ પુર્ણ થઇ ગઇ હતી.

        રાજકોટ જીલ્લામાં વિભિન્ન વાસ્મો યોજનાઓ અંર્તગત કુલ રૂ.૧૩,૫૯૫ લાખની આશરે ૬,૧૮૦ કિમી પાઈપલાઈન, ૪૨૩ સમ્પ અને ૬૫ ઉંચી ટાંકીઓનું નિર્માણ કરવામાં આવેલ છે. રાજકોટ જિલ્લાના કુલ ૫૯૯ ગામમાં ગ્રામ્ય સ્તરે કુલ ૩,૧૦,૯૧૧ ઘરોમાં ૩,૧૦,૯૧૧ નળ કનેકશન દ્વારા પાણી વિતરણ કરવામાં આવી રહ્યું છે, જે પૈકી હર ઘર જલ હેઠળ ૩૭,૦૩૭ ઘરોને નવા નળ કનેકશન દ્વારા પાણી મળી રહ્યું છે. રાજકોટ જીલ્લામાં હર ઘર જલ યોજના’’ પૂર્ણ થયા બાદ સરકારશ્રી દ્વારા ઓગ્મેન્ટેશન કાર્યક્રમ હેઠળ વાસ્મો અંર્તગત કુલ રૂા.૪૨૫.૯૮ લાખની ૧૫ યોજનાઓ પ્રગતિ હેઠળ છે. જેથી જુની યોજનાઓનું પણ નવીનીકરણ થશે.

 અત્રે ઉલ્લેખનીય છે કે, જલ જીવન મિશન અંતર્ગત લાંબા ગાળાના પીવાના પાણીના સ્રોતો માટે પણ કામગીરી કરવામાં આવી રહી છે. આ ઉપરાંત ગ્રે-વોટર મેનેજમેન્ટ, જળ સંરક્ષણ, રેઈન વોટર હાર્વેસ્ટિંગ દ્વારા રીચાર્જ અને પાણીના પુન: ઉપયોગ થકી પાણીની ભવિષ્યની જરૂરિયાતને પહોંચી વળવા ટકાઉ ન કરવામાં આવ્યું છે. જલ જીવન મિશન પીવાના પાણી માટેના લોકભાગીદારીના અભિગમ પર આધારિત છે અને લોકોને મિશન અંતર્ગત સહભાગીઓને યોજના વિશે વિસ્તૃત માહિતી, શિક્ષણ અને પ્રચાર પ્રસાર જેવી પ્રવૃત્તિઓ કરવામાં આવી રહી છે.

(12:28 am IST)