Gujarati News

Gujarati News

News of Tuesday, 9th February 2021

૪ાા વર્ષનો મોહિત રમતાં-રમતાં પાણીની કુંડીમાં પડી જતાં મોત

લક્ષ્મીના ઢોળે રહેતો પરિવાર હાલ હરિપરના પાટીયે ઇંટોના ભઠ્ઠે રહે છેઃ માતા શોધવા નીકળી ત્યારે કુંડીમાંથી બેભાન મળ્યોઃ હોસ્પિટલમાં દમ તોડયોઃ પરિવારમાં કલ્પાંત

રાજકોટ તા. ૯: મોટા મવા પાસે લક્ષ્મીના ઢોળા પર રહેતાં અને હાલ હરિપરના પાટીયે મોટેલ ધ વિલેજ પાછળના ભાગે ઇંટોના ભઠ્ઠે રહી મજૂરી કરતાં પરિવારનો ૪ાા વર્ષનો પુત્ર રમતો રમતો પાણીની કુંડીમાં પડી જતાં ડૂબી જતાં મોત નિપજ્યું છે.

લક્ષ્મીના ઢોળે રહેતાં રમેશભાઇ ગોરધનભાઇ માલકીયા અને પત્નિ હેતલબેન સહિતના પરિવારજનો હાલમાં એમટીવી પાછળ હરિપરના પાટીયે ઇંટોના ભઠ્ઠે રહી ઇંટો બનાવવાનું કામ કરે છે. ગઇકાલે બપોર બાદ તેમનો પુત્ર મોહિત (ઉ.વ.૪ાા) રમતો રમતો ભઠ્ઠા પાસે બનાવાયેલી પાણીની કુંડીમાં પડી ગયો હતો. માતા હેતલબેન તેને શોધવા નીકળ્યા ત્યારે તે કુંડીમાંથી બેભાન મળતાં અરેરાટી વ્યાપી ગઇ હતી.

સારવાર માટે મોહિતને રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડાયો હતો. પરંતુ અહિ તેણે દમ તોડી દેતાં પરિવારમાં કલ્પાંત સર્જાયો હતો. મોહિત એક બહેનથી નાનો હતો. લાકડવાયાના મોતથી પરિવારમાં માતમ છવાઇ ગયો હતો. તાલુકા પોલીસ મથકના સ્ટાફે જરૂરી કાર્યવાહી કરી હતી.

(11:53 am IST)