Gujarati News

Gujarati News

News of Saturday, 9th February 2019

કોલસાના સોદામાં અઢી કરોડની ઠગાઇના ગુનામાં સંજીવ અગ્રવાલની ધરપકડ

ભકિતનગર પોલીસ મથકમાં ગુનો નોંધાતા ભાવનગરથી કોલકત્તા તરફ ભાગી ગયેલઃ પોલીસ બે વખત કોલકત્તા પણ પહોંચી હતીઃ આગોતરા સાથે રજૂ થતાં જામીન મુકતઃ ત્રણ દિસના રિમાન્ડ

રાજકોટ તા. ૯: ભાવનગરમાં વર્ષ ૨૦૧૪માં ભગવતી કોક પ્રા.લિ. નામના કારખાનામાં કોલસાનો મોટો વેપાર ધરાવતાં સંજીવ કૈલાસપ્રસાદ અગ્રવાલ અને તેના પત્નિ સામે થોડા સમય પહેલા રૂ. ૨,૫૭,૪૫,૦૫૮ના કોલસાની ઠગાઇનો ગુનો નોંધાયો હતો. આ ગુનામાં ભકિતનગર પોલીસ મથકમાં આરોપી સંજીવ અગ્રવાલ આગોતરા જામીન સાથે રજૂ થતાં તેની ધરપકડ કરી જામીન મુકત કરાયા બાદ તેના રિમાન્ડની માંગણી થતાં ત્રણ દિવસના રિમાન્ડ મંજુર થયા છે.

શહેરના જુદા-જુદા લોકો પાસેથી સંજીવ અગ્રવાલે કોલસાના સોદામાં એડવાન્સમાં રૂ. બે કરોડ ૫૭ લાખથી વધુની રકમ મેળવી લીધી હતી. બાદમાં કોલસો પણ આપ્યો નહોતો અને પૈસા પણ પાછા આપ્યા નહોતાં. સંજીવ મુળ કોલકત્તાનો વતની હોઇ ત્યાં જતો રહ્યાની માહિતી પરથી પોલીસની ટીમો બે વખત કોલકત્તા પણ પહોંચી હતી. પણ ત્યાંથી તે મળ્યો નહોતો. પોલીસની ભીંસ વધતા ગુજરાત હાઇકોર્ટમાંથી આગોતરા જામીન મેળવીને હાજર થયેલ છે.

આરોપી વિરૂધ્ધ કડક કાર્યવાહી કરવા પોલીસ કમિશ્નર મનોજ અગ્રવાલ, જેસીપી સિધ્ધાર્થ ખત્રી, ડીસીપી રવિકુમાર સૈની અને એસીપી પ્રદિપસિંહ જી. જાડેજાએ સુચના આપી હોઇ સંજીવની વિશેષ પુછતાછ થઇ રહી છે. સંજીવ સોૈરાષ્ટ્રમાં ખાસ કરીને રાજકોટમાં વેપારીઓને કોલસાની સપ્લય કરતો હતો. પરંતુ છેલ્લે તેણે અઢી કરોડ જેવી રકમો જુદા-જુદા વેપારીઓ પાસે એડવાન્સમાં મેળવી લઇ કોલસો નહિ મોકલી ઠગાઇ કરી હતી. પી.આઇ. વી. કે. ગઢવી, પીએસઆઇ ધાખડા, નિલેષભાઇ મકવાણા, ઘનશ્યામભાઇ મેણીયા સહિતની ટીમ વિશેષ તપાસ કરે છે. (૧૪.૯)

(3:40 pm IST)