Gujarati News

Gujarati News

News of Saturday, 9th February 2019

સૌરાષ્ટ્ર યુનિવર્સિટી અને રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશન આયોજિત

સૌરાષ્ટ્ર બુક-ફેર એન્ડ લિટરેચર ફેસ્ટીવલનો શુભારંભઃ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીના હસ્તે ઉદ્દઘાટન

ગુજરાત સરકારના 'વાંચે ગુજરાત' અભિયાન અંતર્ગત તા.૯થી૧૩ ફેબ્રુ. દરમિયાન યોજાઈ રહેલ શબ્દ મહોત્સવમાં પહેલા સંસ્કરણની આજે સવારે ૧૦ વાગ્યાથી શરૂઆત : નિરેન ભટ્ટ, હારિતઋષિ પુરોહિત, કૌશિક મહેતા, સુભાષ ભટ્ટ, કાજલ ઓઝા વૈદ્ય, અંકિત ત્રિવેદી, સાંઈરામ દવે, તન્વી ગાદોયા, હિરેન વાછાણી સહિત અન્ય વકતાઓ ઉપસ્થિત : ૧૫૦થી વધુ બુક - સ્ટોલ્સ અને પુસ્તકોના દરીયા હિલોળા લેશે : સૌરાષ્ટ્રની શબ્દ - સાહિત્ય - કલાપ્રેમી જનતા

રાજકોટ, તા. ૮ : સૌરાષ્ટ્ર યુનિવર્સિટી તેમજ રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા શહેરના રેસકોર્ષ ગ્રાઉન્ડમાં આજથી શરૂ થવા જઈ રહેલા સૌરાષ્ટ્ર બુક ફેર એન્ડ લિટરેચર ફેસ્ટીવલમાં પ્રવેશ મેળવવા ઈચ્છુક તમામની એન્ટ્રી ફ્રી રાખવામાં આવી છે. સવારે ૧૦ થી રાત્રે ૧૦ વાગ્યા સુધી સતત કાર્યરત રહેનારા સૌરાષ્ટ્રના આ પાંચ દિવસીય શબ્દ મહોત્સવમાં અલગ અલગ પ્રકારની વર્કશોપ અને વકતવ્યોનું આયોજન કરવામાં આવ્યું છે.

સવારે ૧૦ વાગ્યે શરૂ થવા જઈ રહેલા લિટરેચર ફેસ્ટીવલ સર્વપ્રથમ સર્જન વર્કશોપનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં ઈન્ટરનેશનલ (લોસ એન્જલસ ફિલ્મ ફેસ્ટીવલ) એવોર્ડ વિજેતા હારિતઋષિ પુરોહિત (ડિરેકટર - રાઈટર, સેવન્થ સેન્સ કોન્સેપ્ટસ) અને નિરેન ભટ્ટ (રોંગસાઈડ રાજુ, બે યાર, તારક મહેતા કા ઉલ્ટા ચશ્માના લેખક)ના વકતવ્યોનું ખાસ આયોજન કરવામાં આવ્યું છે. જેનો સમય સવારે ૧૧ થી બપોર સુધીનો રહશે. શબ્દ સંવાદ કાર્યક્રમ હેઠળ સાહિત્ય વાંચન અને વિચાર પર બપોરે ૪ થી સાંજે ૬ સુધી ચર્ચા કરશે. કૌશિક મહેતા અને સુભાષ ભટ્ટ ભાષાનું ભવિષ્ય (ઓથર્સ કોર્નર)માં બપોરે ૨ થી ૩:૩૦ દરમિયાન બુક રીડીંગ હેબીટ પર તન્વી ગાદોયા અને હિરેન વાછાણી સંવાદ કરશે. સાંજે ૬ વાગ્યે ગુજરાતના મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાપણીના હસ્તે બુક ફેર અને લિટરેચર ફેસ્ટીવલનું ઉદ્દઘાટન કર્યુ હતું. સાંજે ૭ થી ૯ ચાલનારા તરવરાટ સાહિત્ય સંધ્યામાં કાજલ ઓઝા વૈદ્ય, સાંઈરામ દવે અને અંકિત ત્રિવેદી સાહિત્યરસીકો સાથે ગોષ્ઠિ કરશે.

તમામ પુસ્તકપ્રેમી અને સાહિત્ય કલાના ઉપાસકોને સૌરાષ્ટ્ર બુક ફેર અને લિટરેચર ફેસ્ટીવલમાં આવવા માટેનું આમંત્રણ આપવામાં આવેલ છે. બુક ફેરની મોબાઈલ એપ્લીકેશન અને વેબસાઈટ પર પોતાના મનગમતા વકતાઓને સેશનમાં હાજર રહેવાનું ચુકાઈ ન જાય એ માટે ઓનલાઈન રજીસ્ટ્રેશન કરાવી શકાશે.(૩૭.૬)

(11:38 am IST)