Gujarati News

Gujarati News

News of Saturday, 9th February 2019

સરકારે કોઈ 'કોઠૂ' નહીં આપતા રવી-સોમ બે દિ' રાજ્યભરની સસ્તા અનાજની દુકાનોની માસ સી.એલ.

સરકારે એક પણ માંગણી સ્વીકારી નથીઃ ૨ દિ'ની હડતાલથી પુરવઠાનું વિતરણ ઠપ્પ થશેઃ ગાંધીનગર ખાતે યુનિયન આગેવાનો રજૂઆતો કરશેઃ રાજકોટની ૭૦૦ સહિત રાજ્યભરમાં ૫૫૦૦ દુકાનદારોનું એલાને જંગ

રાજકોટ, તા. ૮ :. ગુજરાત રાજ્ય ફેરપ્રાઈઝ શોપ એસોસીએશનની સરકાર સમક્ષ વ્યાજબી ભાવના દુકાનદારોને કમિશન વધારો તથા અન્ય માંગણીઓ અંગે સરકારશ્રીમાં અવાર-નવાર રજૂઆતો કરવા છતાં કોઈ માંગણીઓનુ નિરાકરણ ન આવતા ગુજરાત ફેરપ્રાઈઝ શોપ એસોસીએશનના આદેશ અનુસાર ગુજરાત રાજ્યના તમામ વ્યાજબી ભાવના દુકાનદારો ૨(બે) દિવસ પોતાની દુકાનો બંધ રાખી માસ સી.એલ. ઉપર જવા તમામ જિલ્લાના વ્યાજબી ભાવના દુકાનદારોને આદેશ કરે છે.જેના અનુસંધાને સૌરાષ્ટ્ર-કચ્છના વ્યાજબી ભાવના દુકાનદારોના પ્રમુખ રાજુભાઈ નંદવાણી તથા મહામંત્રી નરેન્દ્રભાઈ ડવએ સૌરાષ્ટ્ર-કચ્છના તમામ વ્યાજબી ભાવના દુકાનદારોને તા. ૧૦ અને તા. ૧૧ના રોજ પોતાની દુકાનો બંધ રાખી રાજ્ય એસોસીએશનને સહકાર આપવાની અપીલ કરી છે. સૌરાષ્ટ્ર-કચ્છમાં આવેલ વ્યાજબી ભાવની દુકાનો ૨(બે) દિવસ બંધ રહેશે. આ અંગેની જાણ રાજ્ય વેપારી એસોસીએશનના પ્રમુખ પ્રહલાદભાઈ મોદીએ સરકારને કરેલ છે, તો સૌરાષ્ટ્ર-કચ્છની આશરે ૫૫૦૦થી વધારે દુકાનો ૨ (બે) દિવસ બંધ રાખી વ્યાજબી માંગણીઓ સરકારશ્રી તાત્કાલીક સ્વીકારે તેવી માંગણી પણ દોહરાવી હતી.

રાજકોટની ૨૦૦થી વધુ સહિત જીલ્લામાં ૭૦૦ દુકાનો બંધ પાળવાની હોય રવી-સોમ બે દિવસ પુરવઠાનું વિતરણ ખોરવાશે. આ અંગે ગાંધીનગર ખાતે રજૂઆત સંદર્ભે રાજકોટથી માવજીભાઈ રાખશીયા, નીમભાઈ ક્રિપલાણી તથા અન્યો જનાર હોવાનું સૂત્રોએ ઉમેર્યુ હતું.(૨-૨૮)

(3:59 pm IST)