Gujarati News

Gujarati News

News of Friday, 9th February 2018

કાલાવડ રોડ ગાયત્રીધામ પાસે બગીચો બનશે તો આત્મ વિલોપનઃ ટ્રસ્ટની ચિમકી

એક બગીચો હોવા છતાં બાજૂમાં બીજા ગાર્ડનની શુ જરૂર?: મંદિરનાં પ્રવેશદ્વાર પાસેજ બગીચાથી ધાર્મક વાતાવરણ ડહોળાશેઃ ૧ મહિનામાં નિર્ણય રદ ન થાય તો જોયા જેવીઃ મંદિરનાં સેવક ધર્મેશ જાની દ્વારા ઉગ્ર રજૂઆત

 

જે સ્થળે નવો બગીચો બનાવવાનું આયોજન છે તે મંદિર પરિસરમાં આવેલી જગ્યા ત્થા ગાયત્રીધામ મંદિર ઉપરની તસ્વીરમાં દર્શાય છે. નીચેની તસ્વીરમાં આ મંદિર પાસે જ આવેલ બગીચામાં કોર્પોરેશનની ફુડ ઝોન પણ પડતર હાલતમાં દર્શાય છે. છેલ્લી તસ્વીરમાં આત્મ વિલોપનની ચિમકી આપનાર ધર્મેશ જાની દર્શાય છે. (તસ્વીર : અશોક બગથરીયા)

રાજકોટ તા. ૯ :.. શહેરનાં કાલાવડ રોડ પર આવેલ વેદમાતા ગાયત્રીધામ મંદિર પાસે જ મ્યુ. કોર્પોરેશન દ્વારા નવો બગીચો બનાવવા હીલચાલ શરૂ કરી છે. સેવક ધર્મેશ નટવરલાલ જાની સહિતનાં ટ્રસ્ટનાં આગેવાનો અને સેવકોએ ઉગ્ર વિરોધ દર્શાવી અને જો ૧ મહીનામાં આ નિર્ણય રદ નહિ થાય તો આ મુદે ઉગ્ર આંદોલન અને આત્મ વિલોપન કરતાં પણ અચકાશુ નહી તેવી ચિમકી ઉચ્ચારી છે.

આ અંગે ધર્મેશભાઇ જાનીની યાદીમાં જણાવાયુ છે કે ગાયત્રીધામનાં કબ્જામાં છેલ્લા ૩પ વર્ષથી રહેલી મંદિરનાં મુખ્ય પ્રવેશ દ્વાર પાસેની જમીનમાં અગાઉ કોર્પોરેશને બગીચો ત્થા ફુડ ઝોન બનાવ્યો છે. આમ છતાં તેની બાજૂમાં જ નવો બગીચો બનાવવાનું આયોજન છે જે બિનજરૂરી છે.

એટલુ જ નહી જો આ બગીચો બનશે તો ત્યાં લુખ્ખા-આવારા લોકો પડયા - પાથર્યા રહેશે જેથી મંદિરની શાંતી અને ધાર્મિક વાતાવરણ ડહોળાશે અને મંદિરની ગરીમાને લાંછન લાગશે. કેમ કે હાલમાં જે બગીચો છે ત્યાં દારૂની મહેફીલ સહિતનાં ગોરખ ધંધા થાય છે તે સૌ જાણે છે.

આથી હવે આ મંદિર સામે બિન જરૂરી નવો બગીચો બનાવવાનો મંદિરનાં શ્રધ્ધાળુઓ - સેવકો અને ટ્રસ્ટીઓ સખ્ત વિરોધ કરે છે. અને આ બાબતે વડાપ્રધાન, મુખ્યમંત્રી, કલેકટર,  મ્યુ. કમિશ્નરને વિસ્તૃત અરજી કરી ઉગ્ર રજૂઆત પણ કરાઇ છે.

માટે ૧ મહિનાનાં અલ્ટીમેટમમાં આ બગીચાનાં નિર્ણય અંગે ફેર વિચારણા કરી નિર્ણય રદ નહી કરે તો ઉગ્ર આંદોલન અને આત્મ વિલોપન કરાશે તેવી ચિમકી યાદીનાં અંતે ઉચ્ચારાઇ છે. (પ-ર૭)

(4:13 pm IST)