Gujarati News

Gujarati News

News of Saturday, 9th January 2021

લોકડાઉન બાદ કરિયાણાની ભાડે દુકાનમાં ધંધો બરાબર ન ચાલતા પારસ શાહે કુટણખાનુ ચાલુ કર્યુ

એ-ડિવીઝન પોલીસનો માલવીયાનગર ચોક પાસે હોટલમાં દરોડોઃ ગ્રાહક પાસે ૧૦ હજાર નક્કી કરી સ્ત્રી મિત્રને મોકલી હતીઃ ત્રણ માસથી દેહવિક્રયની પ્રવૃતિ ચલાવતો હતો

રાજકોટ, તા. ૯ :. માલવીયા ચોકમાં આવેલી તિલક હોટલમાં એ-ડીવીઝન પોલીસે દરોડો પાડી રંગીન મિજાજીને લલના પુરી પાડનાર શખ્સને પોલીસે ઝડપી લીધો છે.તેની પૂછતાછ કરતા તેને શાપરમાં કરીયાણાની દુકાન હોઈ પણ લોકડાઉન બાદ ધંધો ન ચાલતા તેણે આ દેહવિક્રયની પ્રવૃતિ શરૂ કરી હતી. તેમજ તેણે જે યુવતીને હોટલમાં મોકલી હતી. તે તેની મિત્ર હોવાનું માલુમ પડ્યું છે. આ શખ્સ ત્રણ માસથી આ પ્રવૃતિ આચરતો હોવાનું ખુલ્યુ છે.

મળતી વિગતો મુજબ,માલવીયા ચોકમાં આવેલા પ્રમુખ સ્વામી આર્કેડમાં નવમાં આવેલી હોટલ તિલકમાં ગોરખધંધા ચાલતા હોવાની હકીકત મળતા એ.ડિવિઝન પોલીસ મથકના પી.આઈ સી.જી.જોશીની રાહબરીમાં પી.એસ.આઈ એસ.એચ.નિમાવત તથા સ્ટાફના મેરૂભા, હારુન ચાનીયા અને મૌલિક સાવલિયા સહિતનાએ ડમી ગ્રાહક મારફતે સંપર્ક કરાવાતા આરોપીએ હોટલમાં રૂમ બુક કરાવાનું કહ્યું હતું. આથી પોલીસે ડમી ગ્રાહક મારફતે માલવીયાચોકમાં આવેલી હોટલ તિલકમાં રૂમ બુક કરાવ્યો હતો. બાદમાં આરોપીનો સંપર્ક કરાતા તે રૂપલલના સાથે ત્યાં પહોંચ્યો હતો. બુક કરાવેલા રૂમમાં કે જ્યાં ડમી ગ્રાહક હાજર હતો ત્યાં રૂપલલના જતાની સાથે જ પોલીસે દરોડો પાડી આરોપી પારસ  ચુનિલાલ શાહ (ઉ,વ,૩૫, રહે, ગાંધીનગર શેરી નં.૩ હાલ સત્યનારાયણ પાર્ક નાણાવટી ચોક પાસે)ને પકડી લીધો હતો. આ અંગે પોલીસે ધી ઈમોરલ ટ્રાફિક પ્રિવેન્સી એકટની કલમ હેઠળ ગુનો દાખલ કર્યો હતો.

પોલીસે આરોપીની પુછપરછ કરતા પોલીસે જણાવ્યું કે, આરોપીએ રૂપલલના સાથે શરિર સંબંધ બાંધવા ૧૦ હજારમાં વાત નક્કી કરી હતી. જેમાંથી પાંચ હજાર તે પોતાની પાસે જ્યારે અડધી રકમ રૂપલલનાને આપવાનો હતો. આ શખ્સને શાપરમાં કરીયાણાની દુકાન આવેલી છે.પણ લોકડાઉન બાદ ધંધો ન ચાલતા તેણે આ ધંધામાં ઝંપલાવ્યું હતું. જે યુવતી અહીં મોકલી હતી તે તેની મિત્ર જ હોવાનું માલુમ પડ્યું છે.આરોપી ત્રણેક માસથી આ કારસ્તાન આચરતો હોવાનું જાણવા મળ્યુ છે. પોલીસે રૂ. ૧૦ હજાર રોકડા, ૪ મોબાઈલ અને એક કોન્ડોમ સહિતની મત્તા કબ્જે કરી તપાસ આદરી છે.

(3:37 pm IST)