Gujarati News

Gujarati News

News of Saturday, 9th January 2021

૧૫ ફેબ્રુઆરી સુધી ઠંડીમાં વધ-ઘટ : સૌરાષ્ટ્રમાં માવઠાની શકયતા નથી

રાજકોટમાં આજે ૧૦.૨ ડિગ્રી : દક્ષિણ ગુજરાતમાં એકાદ સ્થળે છાંટાછુટીની સંભાવના : આવતીકાલ સુધી પારો ૯ થી ૧૧ ડિગ્રી વચ્ચે રહેશે બાદ સોમવારથી ફરી લઘુતમ તાપમાન ૧૦ ડિગ્રીની નીચે પટકાશે : હવામાન ખાતુ

રાજકોટ, તા. ૯ : સમગ્ર ગુજરાત ઠંડીથી થરથર કાંપી રહ્યુ છે. ઉત્તર ભારતના પહાડી વિસ્તારોમાં અવિરત પડી રહેલ હિમવર્ષાના પગલે હાલમાં તો ઠંડીમાં રાહત મળવાની શકયતા નથી.

હવામાન વિભાગના સૂત્રોએ જણાવ્યુ છે કે હાલ લઘુતમ તાપમાન ૯ થી ૧૧ ડિગ્રી આજુબાજુ જોવા મળી રહ્યુ છે. જે આવતીકાલે પણ યથાવત રહેશે. સોમવારથી ત્રણ દિવસ ઠંડીમાં વધારો જોવા મળશે. એટલે કે તાપમાનનો પારો ૧૦ ડિગ્રીની નીચે પહોંચી જશે.

ઉત્તર ભારતમાં થઈ રહેલ હિમપાતના પગલે પહાડી પ્રદેશોમાં પણ ઠંડીમાં ઘટાડો થશે. હાલ જે લઘુતમ તાપમાન નોંધાઈ રહ્યુ છે તેમાં ત્રણેક ડિગ્રીનો વધુ ઘટાડો જોવા મળશે.

જયારે ઉત્તર પૂર્વના પવન સૌરાષ્ટ્ર - ગુજરાત ઉપર ફૂંકાઈ રહ્યા હોય ઠંડીની અસર વધુ જોવા મળી રહી છે. સોમ થી બુધ ઠંડીનો પારો ૧૦ ડિગ્રીની નીચે પહોંચી જશે. આ વખતે આખો જાન્યુઆરી મહિનો અને આવતા ફેબ્રુઆરીની ૧૫ તારીખ સુધી ઠંડીમાં વધ-ઘટ જોવા મળશે.

દરમિયાન રાજકોટ શહેરમાં પણ છેલ્લા બે સપ્તાહથી નગરજનો ઠંડીમાં જકડાઈ ગયા છે. ઠંડીનો પારો ૧૦ ડિગ્રી આસપાસ ફરી રહ્યો છે. આજે પણ લઘુતમ તાપમાન ૧૦.૨ ડિગ્રી નોંધાયુ છે. આગામી દિવસોમાં પણ ઠંડીનું જોર જળવાઈ રહેશે.

(1:09 pm IST)