Gujarati News

Gujarati News

News of Saturday, 9th January 2021

રાજકોટની હદ સુધી પહોંચી ગયા ત્રણ સાવજો

આજી ડેમ પાસે ગાયનું મારણ કરી મીજબાની કરી વીડી વિસ્તારમાં જતા રહ્યા : આસપાસના ગામો ધમરોળે છે : એક મહિનામાં ૩૬ જેટલા પશુનું મારણ

રાજકોટ તા. ૯ : રાજકોટ જિલ્લામાં સિંહ ત્રિપુટીએ છેલ્લા એક મહિના કરતા પણ વધુ સમયથી અડીંગો જમાવ્યો છે. ત્યારે હવે આ સિંહો રાજકોટની હદ સુધી પહોંચી ગયા છે. ત્રણ જેટલા સિંહોએ ગત મોડી રાતે આજી ડેમ પાસે ગાયનું મારણ કરી મીજબાની માણી હતી અને પરત વીડી વિસ્તારમાં ચાલ્યા હતા.

છેલ્લા એક મહિનામાં સિંહો ગોંડલ તાલુકા વિસ્તાર, ભાયાસર, લોધીકા, શાપર-વેરાવળ સહિતના ગ્રામ્ય વિસ્તારમાં આંટાફેરા કર્યાં છે. હવે રાજકોટની હદ વિસ્તારમાં સિંહો જોવા મળતા હવે લાગી રહ્યું છે કે ટુંક સમયમાં સિંહો રાજકોટ શહેરમાં પણ આવી પહોંચશે.

ગત રાત્રીના રાજકોટ શહેરની હદ સુધી સાવજો પહોંચી ગયા હતા. સિંહોએ આજી ડેમ પાસે ગાયનું મારણ કરી મીજબાની માણી હતી. સિંહોએ કાળુભાઈ બીજલભાઈ મુંધવાની ગાયનું મારણ કર્યું હતું. મારણ કરી મીજબાની માણીને સિંહો વીડી વિસ્તારમાં પરત ફર્યા હતા.

સમગ્ર ઘટનાનો વીડિયો રસ્તા પરથી પસાર થતાં એક રાહદારીએ તેના કેમેરામાં કેદ કરી લીધો હતો. જે હવે સોશિયલ મીડિયામાં વાઈરલ થયો છે. મહત્વનું છે કે સૌપ્રથમ સિંહો હલેન્ડા ગામમાં જોવા મળ્યાં હતાં.

બાદમાં કોટડાસાંગણી, અરડોઈ, ભાયાસર, લોધીકા, ભાટગામ, સુખપુર, ભાટગામ, આરબ ટીંબળી, સરધાર રેન્જ, પડવાલ, રાજપરા, લોઠડા, હલેન્ડા, પાડાસણ અને કથરોટા સહિતના ગામોમાં મુકામ કર્યો હતો.

સિંહોને હવે ગીર તરફ વાળવાં કોંગ્રેસે મુખ્યમંત્રીને પત્ર લખી રજૂઆત કરી છે. શહેર કોંગ્રેસ પ્રમુખ રણજીત મુંધવાએ  શ્રી  રૂપાણીને પત્ર લખીને જણાવ્યું છે કે હાલ તો સિંહના હાથમાં ગાય-વાછરડાં આવી રહ્યાં છે. પરંતુ એ દિવસ દૂર નથી લાગતો કે માણસ પર પણ હુમલો કરે. વનમંત્રીને રૂબરૂ મળીને રજૂઆત પણ કરી છે.

જીપીએસ ચીપ્સને કારણે વન અધિકારીઓ પાસે લોકેશન હોય છે જેથી સતત મોનિટરિંગ કરી લોકેશન ટ્રેસ કરતા હોય એ સારી બાબત છે. પરંતુ જે માલધારી કે ખેડૂતના બળદ કે ગાયનું મારણ થાય એને વળતર આપવામાં આવે છે એ વિકલ્પ નથી. પરંતુ સિંહો કોઈ મનુષ્યનો ભોગ લેશે તો? આ સવાલ સતાવી રહ્યો છે. જેથી સિંહોને હવે ફરી ગીર તરફ વાળવા જોઈએ તેવી રજૂઆત કરી છે.

અગાઉ વનવિભાગના ઉચ્ચ અધિકારીઓ જણાવ્યું હતું કે, સિંહની વસ્તીમાં વધારો થયો છે અને બીજી તરફ વીડી વિસ્તાર અને ખેતરો ઘટી રહ્યા છે. રાજકોટમાં પહેલા સિંહ દેખાતા નહી પણ બૃહદ ગીરથી રાજકોટ આવવા તરફના વિસ્તારોમાં સિંહને અનુકૂળ આવે તેવું વાતાવરણ તેમજ ભૂંડ, નીલગાય તેમજ રખડતા ઢોરને કારણે મારણની ઉપલબ્ધતા વધતા આ તરફ આવી જાય છે. ભવિષ્યમાં આજીડેમ નજીક સિંહ પહોંચી જાય તેવી વ્યકત થયેલ શકયતા ગઇકાલે સાચી પુરવાર થઇ હતી.

સિંહો છેલ્લા ૧ મહિનાથી અલગ અલગ વિસ્તારમાં આંટાફેરા કરી મીજબાની માણી રહ્યાં છે. સિંહોએ અત્યાર સુધીમાં ૩૬ જેટલા પશુઓનું મારણ કર્યું છે. જેને લઈને સ્થાનિકો અને ખેડૂતોમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે. કારણ કે રાત્રિના સમયે ખેડૂતોને વાડી વિસ્તારમાં જવા પર પણ ભય લાગી રહ્યો છે.

(3:40 pm IST)