Gujarati News

Gujarati News

News of Thursday, 9th January 2020

કલેકટર, મામલતદાર, મ્યુનિ.કમિ.ને કોર્ટમાં હાજર થવા ફરમાન

કોઠારીયા અઘાટની ખાનગી જમીનના પ્લોટ ધારકોને જગ્યા ખાલી કરવા નોટીસ અપાતા : ૭ દિવસમાં જમીન ખાલી કરવાની તાકીદ કરાતા પ્લોટ ધારકો દ્વારા કોર્ટમાં દાવો

રાજકોટ તા.૯: રાજકોટ તાલુકાના, કોઠારીયા અઘાટની ખાનગી જમીનના જુદા જુદા પ્લોટ ધારકોને રાજકોટ તાલુકા મામલતદારશ્રીએ લેન્ડ રેવન્યું કોડ કલમ-૨૦૨ અન્વયે નોટીસ આપી દિવસ-૭માં જમીનનો કબ્જો ખાલી કરવા સામે જુદા જુદા પ્લોટ ધારકોએ સરકારશ્રી સામે રાજકોટની દિવાની અદાલતમાં કબજા, ભોગવટા સામે વિજ્ઞાપન અને કાયમીમનાઇ હુકમના દાવાના કામે અધિક સીનીયર સીવીલ જજશ્રી પી.કે.રાયે જિલ્લા કલેકટરશ્રી, રાજકોટ તાલુકા મામલતદાર, મ્યુનિસીપલ કમિશનર વિગેરે સામે શોકોઝ નોટીસ કાઢી હાજર થવા કરેલ ફરમાન છે.

રાજકોટ તાલુકાના કોઠારીયા ગામે આવેલ કોઠારીયા અઘાટ નામે ઓળખાતા ઠાકોરશ્રી શીવસિંહજી સાહેબે જે તે વખતે સને-૧૯૪૮માં ગુજરનાર કરમણ ટીબડીયાને વેચાણથી તેમની હૈયાતીમાં આપેલ જમીન ચો.વા.૧૪૦૦૦-૦૦ પૈકી ગુજ. કરમણભાઇના પુત્ર પીતાંબર કરમણભાઇ ટીબડીયા પાસેથી જુદા જુદા વેચાણ કરાક કમ ચુકતે અવેજ નોટરાઇઝર્ડથી ખરીદ કરનાર પ્લોટ ધારકોએ જુદા જુદા જમીનના પ્લોટ દર ચો.વાર ૫૦૦-૦૦ ના પ્લોટ ધારકો ઘનશ્યામભાઇ રાયધનભાઇ ડવ, પ્રવિણ લાભુભાઇ છૈયા, કાળીદાસ વૃજલાલ મકવાણા, શકિતસિંહ વનરાજસિંહ ગોહિલ, પ્રહલાદભાઇ મુકેશભાઇ કુબાવત વિગેરેને જમીનના પ્લોટસ પૈકી પ્લોટ નં.૧,૩,૫,૧૯,૧૭ અને ૭ના કબ્જા, ભગવટા સબંધે રાજકોટ તાલુકા મામલતદારશ્રીએ લેન્ડ રેવન્યુ કોડની કલમ-૨૦૨ હેઠળ નોટીસ પાઠવી દિવસ-૭માં જમીનના પ્લોટનો કબજો છોડવા તાકીદ કરેલ.

આ સામે કોઠારીયા અઘાટની સદરહુ જમીન સરકારશ્રીના સબંધીત તંત્રએ ખોટી રીતે સરકારી ખરાબા રેવન્યુ સર્વે નં.૩૫૨ પૈકીમાં દર્શાવી સરકારશ્રીની માલીકી, કબ્જો ન હોવા છતાં ગેરકાયદેસર અને ગેરબંધારણીય રીતે કોઠારીયા અઘાટ જમીનના પ્લોટ ધારકો પાસેથી મિલ્કતના માલીકી, આધારની ચકાસણી કર્યા વીમા જમીનના કબ્જો નોટીસ પાઠવેલ જે સામે જમીન ધારકોએ રાજકોટની દિવાની અદાલતમાં ગુજરાત સરકારશ્રીના પ્રતિનિધી જિલ્લા કલેકટરશ્રી રાજકોટ, તાલુકા મામલતદાર શ્રી રાજકોટ, તલાટી મંત્રી કોઠારીયા થ્રુ ઇ-ધરા નાયબ મામલતદાર અને રાજકોટ મ્યુનિ.કોર્પોરેશનમાં કોઠારીયા  ગામનો સમાવેશ થતા મ્યુનિ. કમિશનર વિગેરે સામે વિજ્ઞાપન અને કાયમી મનાઇ હુકમનો દાવો લાવી સરકારશ્રી દ્વારા કબજો લેવા સામે અને કબ્જા, ભોગવટાના રક્ષણ સંબંધે દાવો દાખલ કરી ચાલતા કામે આદેશાત્મક મનાઇ હુકમની અરજી કરેલ.

આ અંગે રાજકોટના અધિક સીનીયર સીવીલ જજ શ્રી પી.કે.રાયે અરજન્ટ શો-કોઝ નોટીસ કરી સરકારના સંબંધિત અધિકારીઓને હાજર થવાનો હુકમ કરેલ છે.

આ કામમાં પ્લોટ ધારકોવતી એડવોકેટ લલિત વી લખતરીયા, તથા બીનીતા જે ખાંટ રોકાયા હતા.

(3:46 pm IST)