Gujarati News

Gujarati News

News of Thursday, 9th January 2020

અખિલ ગુજરાત વિદ્યુત કામદાર સંઘ દ્વારા શનિ- રવિ અંબાજીમાં અધિવેશનઃ ૧૫ હજાર કર્મીચારીઓની હાજરી

રાજકીય આગેવાનોની હાજરીઃ કર્મચારીઓના પ્રશ્ને ચર્ચા, વિવિધ ઠરાવો પસાર થશે

રાજકોટઃ અખિલ ગુજરાત વિદ્યુત કામદાર સંઘ ગુજરાતના ઉર્જા ખાતાની સાતેય કંપનીઓમાં માન્યતા ધરાવતું અને ૩૩૦૦૦થી વધુ સભ્ય સંખ્યા ધરાવતું યુનિયન છે જે તમામ વીજ કર્મચારીઓના આર્થિક હિતો અને નોકરીના હકોનું રક્ષણ અને સામુહિક હિતોને લગતા પ્રશ્નોને વાચા આપવા સરકારશ્રી  અને મેનેજમેન્ટ સાથે ખુબ સકારાત્મક અભિગમ દાખવી કામ કરે છે અને સંઘનું અધિવેશન આગામી તા.૧૧, ૧૨ (શનિ- રવિ) દરમ્યાનમાં અંબા ના ધામ  અંબાજી ખાતે યોજાનાર છે. આ અધિવેશમાં ગુજરાતના કેબીનેટમંત્રીશ્રીઓ ઉર્જાખાતાના સૌરભભાઈ પટેલ, પાણી અને પુરવઠા અને ગ્રામગૃહ નિર્માણ મંત્રી કુંવરજીભાઈ બાવળિયા, શ્રમ અને રોજગાર અને યાત્રાધામ વિકાસ મંત્રી દિલીપકુમાર ઠાકોર અને એજીવીકેએસના પ્રમુખ અને ભાજપના પ્રવકતા ભરતભાઈ પંડયા, કાર્યકારી પ્રમુખ વાસણભાઈ આહિર, જીબિયાના પ્રમુખ અને ઉપપ્રમુખ પ્રદેશ ભાજપ ગોરધનભાઈ ઝડફિયા, પૂર્વમંત્રી અને બનાસડેરીના ચેરમેન શંકરભાઈ ચૌધરી ઉપસ્થિત રહેનાર છે.

સંઘના સિનીયર સેક્રેટરી જનરલ બળદેવભાઈ પટેલની રાહબરી હેઠળ યુજીવીસીએલ કંપનીના પાલનપુર સર્કલના સંઘના હોદેદારો સર્વશ્રી જેન્તીભાઈ પટેલ કે જેઓ અધિવેશન અને કન્વીનર તરીકેની જવાબદારી નિભાવી રહ્યા છે. જયારે આર.ડી. ચોહાણ અને હરેશભાઈ પઢીયાર સહ કન્વીનરની જવાબદારી નિભાવી રહ્યા છે.

દર ત્રણ વર્ષે યોજાતા આ અધિવેશનમાં કર્મચારીઓને મળતા લાભો, કામગીરી, હોદેદારોની નિમણુંકો, ઠરાવો પસાર થશે.

આ અધિવેશનમાં રાજકીય આગેવાનો અને સમાજના આગેવાનો પણ માર્ગદર્શન આપતા હોય છે અને વીજ કર્મચારીઓ દ્વારા જે કામગીરી કરવામાં આવે છે. તેને બિરદાવી પ્રોત્સાહિત કરે છે. સંગીત સંધ્યાના કાર્યક્રમ પણ યોજાશે. મા અંબાજીના ધામમાં જીએમડીસી મેદાનમાં યોજાનાર અધિવેશનમાં સાતેય વીજ કંપનીઓના અંદાજે ૧૫૦૦૦ થી વધુ સભ્યો હાજરી આપનાર છે. સંઘની સીનીયર સેક્રેટરી જનરલ બળદેવભાઈ પટેલ અને મધ્યસ્થ કાર્યાલયની સીધી દેખરેખ હેઠળ યુજીવીસીએલ અને જેટકોની ટીમ સતત કાર્યશીલ છે.

તસ્વીરમાં મહેશભાઈ દેશાણી (મો.૯૦૯૯૯ ૪૦૨૦૨), જીતેષભાઈ સંઘવી, જીજ્ઞેશભાઈ દવે અને શંભુભાઈ પોકર નજરે પડે છે.(તસ્વીરઃ અશોક બગથરીયા)

(3:42 pm IST)