Gujarati News

Gujarati News

News of Thursday, 9th January 2020

વિરાણીનું મેદાન નહિં બચે તો વિદ્યાર્થી સંગઠનો પર કલંક લાગશે!

માત્ર તોડફોડ અને મારામારી કરવી એ જ વિદ્યાર્થી સંગઠનોનું કામ નથી : સ્કુલોમાં વિદ્યાર્થીઓને એડમિશન અપાવવા સિવાય પણ બીજા કરવા જેવા ઘણા કામ છે : રાજકોટમાં પ્લે - ગ્રાઉન્ડ ધરાવતી જુજ સ્કુલો બચી છે ત્યારે : CAA અને JNU મુદ્દે ધમાલ કરવા નીકળી પડતા છાત્ર સંગઠનો આ મુદ્દે કેમ ઉંઘમાં?

રાજકોટ : શામજી વેલજી વિરાણી વિવિધલક્ષી વિદ્યાલયનાં વિદ્યાર્થીઓ માટેની રમત ગમતની જમીન વેંચવાની સંસ્થાનાં ટ્રસ્ટીઓ દ્વારા તજવીજ હાથ ધરાતાં વિરાણી હાઇસ્કુલનાં ભૂતપૂર્વ વિદ્યાર્થી અને વર્તમાન વિદ્યાર્થીઓ દ્વારા વોટ્સએપ સંગઠન રચી વિરાણીની જમીન બચાવો અભિયાન હાથ ધરવામાં આવ્યું છે તેમજ કલેકટરને પણ આ અંગે આવેદનપત્ર આપવામાં આવ્યું છે. નવાઈની વાત એ છે કે, શહેરનાં હાર્દ સમા વિસ્તારમાં આવેલી વર્ષો જૂની શૈક્ષણિક સંસ્થાનું મેદાન જયારે વેંચવા કાઢવામાં આવ્યું છે ત્યારે શાળાનાં ભૂતપૂર્વ-વર્તમાન વિદ્યાર્થીઓ પોતાની શાળાનું મેદાન બચાવવા તમામ પ્રકારની લડત ચલાવવાનું નક્કી કર્યું છે પરંતુ આ અંગે હજુ પણ વિદ્યાર્થી હિત માટે લડત ચલાવતા સંગઠનો એનએસયુઆઈ અને એબીવીપી મૌન છે. એનએસયુઆઈ અને એબીવીપી જેવા વિવિધ વિદ્યાર્થી સંગઠનો વિદ્યાર્થી હિતમાં સોશિયલ મીડિયાથી લઈ સડકો પર ઉગ્ર ચળવળ ચલાવે છે, CAA અને દિલ્હીની જેએનયુ યુનિ. મુદ્દે છેક અમદાવાદમાં ઘાતક વિરોધ પ્રદર્શન નોંધાવે છે પરંતુ રાષ્ટ્રીય મુદ્દાઓ સિવાય તેમને સ્થાનિક વિદ્યાર્થી હિતમાં કેમ જરા પણ રસ નથી?

સૌરાષ્ટ્ર-રાજકોટનાં છાત્ર સંગઠનો પ્રત્યક્ષ રીતે રાજકીય પક્ષ પ્રેરિત થઈ ગયા હોય તેવું લાગી રહ્યું છે. જો એવું ન હોય તો અહીનાં છાત્ર સંગઠનોને જેએનયુ સાથે નાહવા-નિચોવાનો સંબંધ ન હોય તેમ છતાં તે વિષે વિરોધ પ્રદર્શન નોંધાવે છે અને વિરાણી હાઈસ્કૂલનું મેદાન વેંચાઈ છે ત્યારે તેઓ ધૃતરાષ્ટ્ર-ગાંધારી બની જાય છે આવું તો કેવું? વિદ્યાર્થી પરિષદ હોય કે એનએસયુઆઈ કે પછી એબીવીપી છાત્રોના હિત તથા તેમના વિકાસ માટે કાર્ય કરતા હોવાનું કહેતા વિદ્યાર્થી સંગઠનો એક પણ છાત્ર હિતમાં લડતા હોવાનું ધ્યાનમાં આવતું નથી, તેઓ તો માત્ર રાજકીય પક્ષનાં હથિયાર જ બની રહ્યાં છે. છેલ્લાં ઘણા સમયથી વિદ્યાર્થી સંગઠનો એવા મુદ્દા પર જ પોતાનું ધ્યાન કેન્દ્રિત કરી રહ્યાં છે જયાંથી તેઓને પદ, પ્રસિદ્ઘિ અને પૈસા મળે. જો એકલા રાજકોટની જ વાત કરવામાં આવે તો દરરોજ કેટકેટલાય વિદ્યાર્થીઓને અન્યાય થતો હશે પરંતુ રાજકોટમાં એકપણ વિદ્યાર્થીને થતા અન્યાય માટે કોઈપણ વિદ્યાર્થી સંગઠન રોડ પર ઉતર્યું હોય કે ઉડીને આંખે વળગે એવો વિરોધ પ્રદર્શન કર્યો હોય એવું ધ્યાનમાં આવ્યું નથી. છાત્ર હિત માટે લડત ચલાવતા હોવાના ખાલીખોટા મસમોટા બ્યુગલ ફૂંકતા વિદ્યાર્થી સંગઠનોએ વિરાણી હાઈસ્કૂલ મેદાન મામલે સમજવું જોઈએ કે અહીં કોઈ વ્યકિતગત કે એકલદોકલ હિત નહીં. અહીં હિત હજારો વિદ્યાર્થીઓ સાથે જોડાયેલું છે.

રાજકોટમાં હવે એવી જૂજ શાળાઓ બચી છે, જેમની પાસે રમત-ગમત સહિતની ઈતર પ્રવૃત્ત્િ।ઓ માટેનું મેદાન હોય. ટાગોર માર્ગ પર આવેલી વિરાણી હાઈસ્કૂલ ટ્રસ્ટ સંચાલિત આવી જ એક શાળા છે અને હાલનાં મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી પણ ત્યાં ભણી ચૂકયા છે. આ શાળાનાં મહાકાય મેદાનમાં ફકત વિદ્યાર્થીઓ રમતા જ હોય એવું નથી. અન્ય અનેક પ્રવૃત્ત્િ।ઓ પણ થાય છે. એ સિવાય વિરાણી હાઈસ્કૂલનું મેદાન શહેરનાં હાર્દ વિસ્તારમાં અન્ય કાર્યક્રમો માટે વિશાળ જગ્યાની ખોટ પૂરી પાડે છે. હવે જયારે આ મેદાન કદાચ વેંચાઈ જશે ત્યારે શહેરનાં હાર્દ સમા વિસ્તારમાં મોટા મેદાનમાં કાર્યક્રમ યોજવાની કોઈ જગ્યા જ નહીં રહે. એ તો ઠીક પણ હવે આંગળીનાં વેઢે ગણી શકાય એટલી મેદાનવાળી શાળાઓમાંથી એક શાળા ઓછી થશે. એવા સમયે વિરાણી હાઈસ્કૂલનું મેદાન બચાવવા ભૂતપૂર્વ-વર્તમાન વિદ્યાર્થીઓ સામાજીક, શૈક્ષણિક એ જરૂર પડયે કાનુની લડત આપવા માટે લડત ચલાવી છે તેને બિરદાવી પડે અને તેમાંથી એનએસયુઆઈ એબીવીપી જેવા છાત્ર સંગઠનો કઈક શીખ મેળવે એ જરૂરી છે. સ્કૂલોમાં વિદ્યાર્થીઓને ફકત એડમિશન અપાવવુ એ જ છાત્રહિત નથી. વિદ્યાર્થીઓ પર જયારે નાનાં-મોટાં સંકટ આવે ત્યારે તેમની પડખે ઉભા રહેવું અને લડત આપવી એ જ છાત્ર સંગઠનોનું કામ છે. અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ અને નેશનલ સ્ટુડન્ટસ યુનિયન ઓફ ઇન્ડિયા રાબેતા મુજબ ફરી માટીપગા સાબિત થયા છે, એ વાતમાં કોઈ શંકા નથી.

(3:39 pm IST)