Gujarati News

Gujarati News

News of Thursday, 9th January 2020

દારૂનો ધંધો છોડો..મહેનતની રોટી મેળવી સંતાનોને સ્વમાનથી ઉછેરોઃ અગ્રવાલ

રાજકોટ પોલીસે બે સ્વૈચ્છીક સંસ્થાઓના સાથથી યુનિવર્સિટી પોલીસ સ્ટેશન હેઠળના વિસ્તારોમાં દારૂના ધંધા સાથે સંકળાયેલી ૧૦ મહિલા સહિત ર૪ ધંધાર્થીઓને વૈકલ્પીક કમાણીનું સાધન પુરૂ પાડયું : ૧૦ ધંધાર્થીઓને ખાનગી સિકયુરીટીમાં નોકરી, ત્રણ મહિલાઓને સીલાઇ મશીન, એક મહિલાને કેટરીંગમાં નોકરી, ૧૦ મહિલા-પુરૂષોને શાકભાજીની રેકડી આપીઃ વૈકલ્પીક રોજગાર છતા ગુન્હાહીત ધંધા અપનાવશો તો કડક રાહે પગલાની ચિમકીઃ પરિવારો અને બાળકોને સ્વમાનથી ઉછેરવાની ગુન્હેગારોની બાંહેધરી

 આ કાર્યક્રમમાં  એડીશ્નલ પોલીસ કમિશ્નર શ્રી ખુરશીદ અહેમદ, ડીસીપી મનોહરસિંહજી જાડેજા, ડીસીપી રવિ મોહન સૈની, રોટરી કલબના પ્રણેતાઓ અને બોલબાલા ટ્રસ્ટના ટ્રસ્ટીઓ ઉપસ્થિત રહયા હતા. સમાજને રાહ ચીંધનારા આ કાર્યક્રમની તસ્વીરો નજરે પડે છે. (ફોટોઃ સંદીપ બગથરીયા)

રાજકોટ, તા., ૯: યુનિવર્સિટી રોડ પોલીસ સ્ટેશન હેઠળના વિસ્તારોમાં ગેરકાયદે દારૂ વેચાણના ધંધા સાથે અગાઉ ચોપડે ચડી ચુકેલી ૧૦ મહિલા ગુન્હેગાર સહિત ર૪ લોકોને વૈકલ્પીક રોજી-રોટીનું સાધન પુરૂ પાડી પોતાને અને પોતાના બાળકોને સ્વમાનથી સમાજમાં ઉછેરવાની એક અનોખી તક રાજકોટ પોલીસે પુરી પાડી હતી. બે સ્વૈચ્છીક સંસ્થાઓના સહયોગથી સમાજ સુધારણા રૂપ આ આયોજન અનોખું બની રહયું હતું.  પોલીસ કમિશ્નર મનોજ અગ્રવાલે અકિલાને જણાવ્યું હતું કે, સમાજમાંથી ગુન્હાહીત પ્રવૃતિની બદી દુર કરવાનો આ એક સામુહીક પ્રયાસ છે.

પોલીસ જયારે જયારે રોજી કમાવવા માટે ગેરકાયદે ધંધા કરતા લોકોને ઝડપે છે ત્યારે પોતાની રીતે શીખ આપી મહેનતથી રોજી-રોટી મેળવવા સલાહ-સુચન આપતી હોય છે. પરંતુ ઓછી મહેનતે વધુ નાણા કમાવી આપતી આ પ્રવૃતિ 'શેઠની શિખામણ ઝાંપા સુધી' જેવી બની રહેતી હોય છે.

આ વખતે અમે બોલબાલા અને રોટરી કલબ ઓફ રાજકોટના સંયુકત ઉપક્રમે દારૂ વેચાણના ધંધા સાથે સંકળાયેલી ૧૦ બહેનો સહીત ર૪ લોકોને વૈકલ્પીક રોજી મેળવવા ૩ સીલાઇ મશીનો, ૧૦ શાકભાજીની લારી અને ૧૦ પુરૂષ ધંધાર્થીઓને ખાનગી સિકયુરટીમાં નોકરી અને એક મહિલાને કેટરીંગમાં નોકરી અપાવી દારૂના ધંધા છોડવાની બાંહેધરી મેળવી હતી. આ ર૪ લોકોએ પણ પોતાનું અને બાળકોનું ભવિષ્ય સુધારી સ્વમાનભેર પરીવારનો ઉછેર કરવાના  આ કાર્યમાં મન દઇને લાગી પડવાનો કોલ આપ્યો હતો. પોલીસ કમિશ્નર અગ્રવાલે તમામ લાભાર્થીઓને જો ફરી કોઇ વખત ગુન્હાહીત પ્રવૃતી કરતા ઝડપાશે તો કડક રાહે કાર્યવાહીની ચિમકી આપી યોગ્ય દિશામાં જીવનને ઢાળવાની સલાહ આપી હતી. આ કાર્યક્રમ પોલીસ હેડ કવાર્ટર તાલીમ ભવન ખાતે યોજાયો હતો.  વિશેષ જહેમત એસીપી પી.કે.દિયોરા અને યુનિવર્સિટીના પીઆઇ આર.એસ.ઠાકરે ડીસીપી ઝોન-ર શ્રી મનોહરસિંહજી જાડેજાના માર્ગદર્શન હેઠળ ઉઠાવી હતી. આ કાર્યક્રમમાં  એડીશ્નલ પોલીસ કમિશ્નર શ્રી ખુરશીદ અહેમદ, ડીસીપી મનોહરસિંહજી જાડેજા, ડીસીપી રવિ મોહન સૈની, રોટરી કલબના પ્રણેતાઓ અને બોલબાલા ટ્રસ્ટના ટ્રસ્ટીઓ ઉપસ્થિત રહયા હતા..

(3:36 pm IST)