Gujarati News

Gujarati News

News of Thursday, 9th January 2020

જંકશન પ્લોટનો કડીયા યુવાન છેતરાયોઃ નાગપુરની કન્યા લગ્નના બીજા જ દિવસે ૩ા લાખની મત્તા ઉસેડી નાસી ગઇ

૧૫ ડિસેમ્બરે રંગેચંગે લગ્ન થયા, ૧૬મી ડિસેમ્બરે મોડી રાતે કન્યા ગાયબ થઇ ગઇ! : કન્યા જોવાના ૧ા લાખ ચુકવાયા'તા એ અલગઃ પરિચીત મારફત કન્યા જોવા નાગપુર ગયા ત્યાં અનુ નામની મહિલા અને તેના મળતીયાઓએ કાવત્રુ ઘડી ઠગાઇ કર્યાની પોલીસના નાગરિક સુવિધા કેન્દ્રમાં લેખિત ફરિયાદ

છેતરાયેલો યુવાન સુમિત અને કન્યા રાણી ઉર્ફ પાયલ

રાજકોટ તા. ૯: લગ્નવાંચ્છુ યુવાનો અનેક વખત પરપ્રાંતિય કન્યા અને તેના મળતીયાઓ દ્વારા છેતરાયાના કિસ્સા બની ચુકયા છે. વધુ એક આવો યુવાન છેતરાયો છે. જંકશન પ્લોટ મેઇન રોડ શેરી નં. ૧૫/૨/બમાં રહેતાં સુમિત ઉમેશભાઇ વાઢેર (ઉ.વ.૨૪) નામના કડીયા યુવાન સાથે મહારાષ્ટ્રના નાગપુરના નાંદેડના હદગાવ હડસનીની રાણી ઉર્ફ પાયલ ગાયકવાડ, નાગુપર હુડકેશ્વર ચોક મહાબલીનગરના ઉમેશ ઉર્ફ પપ્પુ ચુરે, સચીન ઉર્ફ મહેશ મરઘડે અને નાગપુરની નેહા બહાદુરે તથા અનુબેને મળી કાવત્રુ કરી લગ્નના નામે ઠગાઇ કર્યાની લેખિત ફરિયાદ પોલીસ કમિશનર કચેરી નાગરિક સુવિધા કેન્દ્રમાં થઇ છે. કન્યા જોવાના રૂ. ૧ા લાખ ત્યાં ચુકવાયા હતાં. એ પછી લગ્નની બીજી જ રાતે કન્યા ઘરમાંથી રોકડ-દાગીના મળી ૩ા લાખની માલમત્તા ઉસેડી નોૈ દો ગ્યારહ થઇ ગઇ હતી.

સુમિત વાઢેરે લેખિત ફરિયાદમાં જણાવ્યું છે કે હું પરિવાર સાથે રહુ છું. મારો લગ્ન કરવાના હોઇ પરિચીત એવા પ્રકાશભાઇ જૈન મારફત કન્યા જોવા ૩/૧૨/૧૯ના રોજ રાજકોટથી નાગપુર ટ્રેન મારફત ગયા હતાં. સાથે મારા પિતા ઉમેશભાઇ અને માતા દક્ષાબેન તેમજ પ્રકાશભાઇ, પ્રવિણભાઇ ટાંક, દિપાલીબેન વાઢેર પણ હતા. નાગપુરમાં પ્રકાશભાઇએ જે છોકરી બતાવી એ પસંદ ન આવતાં ત્યાંથી ચાલીને નીકળી રસ્તા પર વાત કરતાં હતાં ત્યારે એક મહિલા મળી હતી જેણે પોતાનું નામ અનુબેન જણાવી અમને અટકાવી લગ્ન માટે કન્યા જોવી હોય તો પોતે બતાવશે તેવી વાત કરી હતી.

એ પછી અનુબેને અમોને બે-ત્રણ છોકરી બતાવી હતી. જેમાંથી રાણી ઉર્ફ પાયલનો સંપર્ક પપ્પુ ઉર્ફ ઉમેશ ચુરે મારફત કરાવાયો હતો. એ છોકરી અમને ગમી હતી. ત્યારે પપ્પુનો મિત્ર સચિન મરઘડે હાજર હતો. તેણે રાણી તેમની સાળી થાય છે તેવી વાત કરી હતી. એ પછી રાણીનું ઘર જોવાની વાત થઇ હતી અને અમે બધા નક્કી થયા મુજબ રાણીના માસીના ઘરે ગયા હતાં. તેણીના માસીનું નામ નેહા બહાદુરે જણાવાયું હતું. 

તા.૧૦/૧૨ના રોજ અમોએ રૂપિયો નાળિયેર આપી રાણી સાથે સગાઇનું નક્કી કરેલું અને ૧૧મીએ નાગપુર કોર્ટમાં વકિલ મારફત નોટરી કરાવી નાગપુર હોટેલમાં જમવા ગયા હતાં. ત્યારે અનુબેનને કન્યા બતાવી લગ્ન કરાવી આપવા બદલ રૂ. ૧,૨૫,૦૦૦ રોકડા આપ્યા હતાં. એ પછી અમે રાજકોટ આવ્યા હતાં અને ૧૨મીએ હિન્દુ શાસ્ત્રોકત વિધીથી લગ્ન કરાયા હતાં. રાણીના કોઇ પરિવારજનો કે પરિચીતોને કહેવા છતાં આવ્યા નહોતાં.

લગ્ન બાદ અમે ૧૫ ડિસેમ્બરે રાજકોટની શ્રીહરિ પેલેસ હોટેલમાં રોકાયા હતાં. ૧૬મીએ ઘરે આવ્યા હતાં. એ રાત્રે જ ૧૨ થી ૧ની વચ્ચે રાણી અમારા ઘરમાંથી બે સોનાના ચેઇન, બે સોનાની વીંટી, મોબાઇલ ફોન, મંગળસુત્ર, ચાંદીના સાંકળા, દસ હજારના કપડા, રોકડા રૂ. ૯૦ હજાર મળી રૂ. ૩,૨૫,૦૦૦ની મત્તા સાથે ગાયબ થઇ ગઇ હતી. અમે તપાસ કરતાં તેણે આપેલા આઇડી પ્રૂફ પણ બોગસ-બનાવટી નીકળ્યા હતાં. એ રાતે જ બે વાગ્યે અમે પોલીસ સ્ટેશને જઇ જાણ કરી હતી. તેમજ રાણી મિસીંગ થયાની નોંધ બીજા દિવસે કરાવી હતી. ત્યારબાદ અમે નાગપુર તપાસ કરવા ગયા હતાં. ત્યાં અમારી મુલાકાત જે સ્થળે થઇ હતી તે સ્થળે તાળા જોવા મળ્યા હતાં.

નાગપુર જસોધરા પોલીસ મથકમાં ફરિયાદ કરવા જતાં તેણે રાજકોટ ફરિયાદ કરવાનું કહ્યું હતું. આમ રાણી અને તેની ટોળકીએ કાવત્રુ રચી અમારી સાથે છેતરપીંડી કરી હોઇ તમામ સામે ગુનો નોંધી કાર્યવાહી કરવા અમારી માંગણી છે. તેમ લેખિત ફરિયાદના અંતમાં સુમિત વાઢેરે જણાવ્યું છે.

(1:29 pm IST)
  • હિમવર્ષામાં વિરોધથી ગરમી : હિમાચલ પ્રદેશના શિમલામાં ચાલુ બરફ વર્ષામાં પણ વેપારી સંગઠનો ભારતબંધ પ્રદર્શનમાં જોડાયા હતા. access_time 1:15 pm IST

  • હિરાસર એરપોર્ટઃ ખાનગી જમીન માલિકોને જમીન સંપાદનની બાકીની ૨૦ ટકા રકમ અપાઈ : કલેકટર કચેરી ખાતે હિરાસર એરપોર્ટ સંદર્ભે ત્રણ ગામ હિરાસર, ગારીડા, ડોસલી ઘુનાના ૧૩ ખાનગી જમીન ખાતેદારોને બાકીની ૨૦ ટકા રકમના ચેક આપી દેવાયાઃ સરકારના ખાસ જમીન સંપાદન અધિકારી જીઆઈડીસીના શ્રી પ્રજાપતિએ ગાંધીનગરથી આવી ચેક ચૂકવ્યાઃ અગાઉ ૮૦ ટકા રકમ અપાયેલ access_time 3:25 pm IST

  • મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ તાકીદની બેઠક બોલાવી છે. આવતીકાલે સીએમ નિવાસ સ્થાને બેઠક મળશે. એસસી, એસટી અને ઓબીસી ઉપરાંત જીએડીના અધિકારીઓ, કાયદાવિદોની બેઠક બોલાવી છે. માલધારીઓ અને એલઆરડીની મહિલાઓનો પ્રશ્ન બાબતે બેઠકમાં ચર્ચા કરવામાં આવશે. access_time 9:27 pm IST