Gujarati News

Gujarati News

News of Thursday, 9th January 2020

૧ કિલો સોના સામે ૧૯૦૦ ગ્રામ પાછુ આપ્યું છતાં વ્યાજ પેટે ૫ કિલો માંગી ત્રાસઃ યશવંતભાઇ સોની ફિનાઇલ પી ગયા

કોઠારીયા નાકા ગઢની રાંગ પાસે રહેતાં કારીગર સોની વૃધ્ધ હોસ્પિટલના બિછાને

રાજકોટ તા. ૯: કોઠારીયા નાકા ગઢની રાંગ પાસે રહેતાં અને સોની કામ કરી ગુજરાન ચલાવતાં યશવંતભાઇ મણિલાલ પાટડીયા (ઉ.વ.૫૮) નામના સોની વૃધ્ધે ફિનાઇલ પી આપઘાતનો પ્રયાસ કરતાં સિવિલ હોસ્પિટલમાં દાખલ કરાયા છે. તેમની પાસે વ્યાજ-મુદ્દલ પેટે પાંચ કિલો સોનુ માંગી હેરાન કરી ખોટી અરજીઓ કરવામાં આવતી હોવાથી તેમણે આ પગલુ ભર્યાનું તેના પરિવારજનોએ જણાવ્યું હતું.

યશવંતભાઇ પાટડીયાએ રાત્રે બારેક વાગ્યે ફિનાઇલ પી લેતાં સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવતાં હોસ્પિટલ ચોકીના હેડકોન્સ. દેવશીભાઇ ખાંભલા અને રામજીભાઇએ એ-ડિવીઝન પોલીસને જાણ કરી હતી. યશવંતભાઇને સંતાનમાં એક પુત્ર અને બે પુત્રી છે. યશવંતભાઇ સોની બજારમાં સોની કામ કરી ગુજરાન ચલાવે છે. તેના પરિવારજનોના કહેવા મુજબ અમુક સમય પહેલા કામ સબબ યશવંતભાઇએ પરિચીત એવા પ્રહલાદ પ્લોટના ધીરૂભાઇ રાણપરા અને તેજભાઇ રાણપરા પાસેથી એક કિલો સોનુ વ્યાજેથી લીધું હતું. તેની સામે તેને કુલ ૧૯૦૦ ગ્રામ સોનુ પરત આપી દીધું છે. આમ છતાં આ લોકો હવે વ્યાજ સહિત પાંચ કિલો સોનાની ઉઘરાણી કરી હેરાન કરે છે, તેમજ પોલીસમાં અરજી પણ કરી છે. આ કારણે યશવંતભાઇ કંટાળી જતાં તેઓ ફિનાઇલ પી ગયા હતાં. પોલીસે આક્ષેપો અંગે તપાસ શરૂ કરી છે.

(1:26 pm IST)