Gujarati News

Gujarati News

News of Thursday, 9th January 2020

જુદા જુદા બનાવમાં પિયુષભાઇ પટેલ અને પૂજાબેન પટેલના મોત

બંનેએ બેભાન હાલતમાં સિવિલ હોસ્પિટલમાં દમ તોડ્યોઃ ખોડિયાર સોસાયટી અને વિદ્યુતનગરના પરિવારજનોમાં શોકઃ

રાજકોટ તા. ૯: જુદા જુદા બનાવમાં બેભાન હાલતમાં બે વ્યકિતના મોત નિપજ્યા હતાં. જેમાં ખોડિયાર સોસાયટીના પટેલ યુવાન અને વિદ્યુતનગરના પટેલ મહિલાએ દમ તોડી દેતાં પરિવારજનોમાં શોક છવાઇ ગયો હતો.

 

જાણવા મળ્યા મુજબ સહકાર રોડ પર ખોડિયાર સોસાયટી-૪માં રહેતાં પિયુષભાઇ ચમનભાઇ ગામી (ઉ.વ.૪૪) નામના પટેલ યુવાન સવારે પાંચેક વાગ્યે ઘરે બેભાન થઇ જતાં સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતાં. પરંતુ અહિ દમ તોડી દીધો હતો. બનાવથી પરિવારમાં શોક છવાઇ ગયો હતો. મૃત્યુ પામનાર પિયુષભાઇ બે ભાઇ અને બે બહેનમાં મોટા અને ઘરનો આધારસ્તંભ હતાં. તે મોબાઇલ રિપેરીંગનું કામ કરતાં હતાં. સંતાનમાં એક પુત્ર છે.

બીજા બનાવમાં ૧૫૦ રીંગ રોડ ઇમ્પિરિયલ હાઇટ્સ પાછળ વિદ્યુતનગર-૩માં રહેતાં પૂજાબેન હિરેનભાઇ ભેંસાણીયા (ઉ.૪૨) નામના પટેલ મહિલા રાતે અગિયારેક વાગ્યે છાતીમાં દુઃખાવો થયા બાદ બેભાન થઇ જતાં સિવિલમાં ખસેડાયા હતાં. પરંતુ તબિબે નિષ્પ્રાણ જાહેર કરતાં ગમગીની છવાઇ ગઇ હતી. મૃતકના પતિ પેકેજીંગનું કામ કરે છે. સંતાનમાં બે પુત્ર છે.  બંને બનાવમાં હોસ્પિટલ ચોકીના દેવશીભાઇ ખાંભલા અને રામજીભાઇએ ભકિતનગર અને માલવીયાનગરમાં જાણ કરી હતી.

(1:25 pm IST)