Gujarati News

Gujarati News

News of Thursday, 9th January 2020

નામચીન લાલાએ ફરી લખણ ઝળકાવ્યા...'તું સરસ માલ છે'કહી પરિણીતાની પજવણીઃ ઘર પર પથ્થરમારો, વાહનોમાં તોડફોડ

અગાઉ ગેંગરેપનો પ્રયાસ, મારામારી, ફરજમાં રૂકાવટ, દારૂ સહિતના ડઝનથી વધુ ગુનામાં સંડોવાઇ ચુકયો છે :દૂધ સાગર રોડ હાઉસીંગ કવાર્ટરમાં બનાવઃ પરિણીતા કપડા લેવા બહાર નીકળી ત્યારે લાલો ફોનમાં ગાળો બોલતો હોઇ સભ્યતા રાખવાનું કહેતાં ઉશ્કેરાયોઃ માતા અને અજાણ્યા શખ્સો સાથે મળી આતંક મચાવ્યો : પરિણીતાના સાસુને ધક્કો દઇ પછાડી દઇ સાવરણીથી ફટકાર્યાઃ એ પછી પોતાની મા અને બીજા શખ્સોને બોલાવી લાવીબેફામ ધમાલ મચાવીઃ થોરાળા પોલીસે શોધખોળ આદરીઃ પથ્થરમારામાં ત્રણને ઇજા થતાં સારવાર લીધી

તસ્વીરમાં ઘટના સ્થળ અને લાલા સહિતની ટોળકીએ આતંક મચાવી જેમાં તોડફોડ કરી તે વાહનો જોઇ શકાય છે (ફોટોઃ સંદિપ બગથરીયા)

રાજકોટ તા. ૯: દૂધ સાગર રોડ પર ગુ.હા. બોર્ડ કવાર્ટરમાં રહેતાં અને અગાઉ અનેક ગુનામાં પોલીસ ચોપડે ચડી ચૂકેલા નામચીન શખ્સે ફરી એક વખત લખણ ઝળકાવતાં પોલીસે શોધખોળ હાથ ધરી છે. મોબાઇલમાં ગાળો બોલતો હોઇ એક પરિણીતાએ તેને આવુ ન બોલવા સમજાવતાં તેણે 'તું કેવો સરસ માલ છે' તેમ કહી ગાળો ભાંડી તેમજ તેણીના સાસુને ધક્કો દઇ પછાડી દઇ સાવરણીથી માર મારી ત્યારબાદ પોતાની માતા અને બીજા શખ્સો સાથે મળી પરિણીતાના ઘર પર પથ્થરમારો કરી તેમજ તેણીના ઘર બહાર રાખેલા વાહનોમાં તોડફોડ કરી આતંક મચાવતાં ત્રણને ઇજા થઇ હતી. આ આતંકથી ઘાંચી પરિવારજનો ભયભીત થઇ ગયા હતાં.

બનાવ અંગે થોરાળા પોલીસે દૂધ સાગર રોડ પર ગુ.હા. બોર્ડસાગર ચોક કિસ્મત પાન સામે ત્રણ માળીયા કવાર્ટરમાંં રહેતાં ૫૯ વર્ષના મુસ્લિમ વૃધ્ધાની ફરિયાદ પરથી નામચીન ઇમ્તિયાઝ ઉર્ફ લાલો, લાલાની માતા, ભાણો અને ત્રણ-ચાર અજાણ્યા શખ્સો સામે આઇપીસી ૩૫૪ (એ), ૩૩૭, ૩૨૩, ૫૦૪, ૪૨૭, ૧૪૩, ૧૪૭, ૧૩૫ (૧) મુજબ ગુનો નોંધ્યો છે.

ફરિયાદીએ એફઆઇઆરમાં જણાવ્યું છે કે હું પતિ, બે પુત્ર તથા એક પુત્રવધૂ અને મારી દિકરી સાથે દોઢેક વર્ષથી દૂધ સાગર રોડના કવાર્ટરમાં રહુ છું. સાંજે સવા પાંચેક વાગ્યે મારા દિકરાની પત્નિ બહાર કપડા સુકેવલા હોઇ તે લેવા જતાં ગુ.હા. બોર્ડમાં રહેતો લાલો મોબાઇલ ફોનમાં ભુંડાબોલી ગાળો બોલી વાતો કરતો હોઇ જેથી તેને આ રીતે વાત કરવાની ના પાડતાં તે ઉશ્કેરાઇ ગયો હતો અને મારા પૂત્રવધુને તેણે 'તું સરસ માલ છે' તેમ કહી બિભત્સ વર્તન કરતાં મારી પુત્રવધૂએ મને બોલાવતાં હું દરવાજા આગળ જઇ તેને સમજાવવા જતાં તેણે મને ધક્કો મારી પછાડી દીધી હતી અને સાવરણીથી મને માર માર્યો હતો.

એ પછી આ લાલો જતો રહ્યો હતો અને થોડીવાર પછી તે તથા તેની માતા અને બીજા શખ્સો અમારા ઘર આગળ આવ્યા હતાં અને ફરીથી જેમતેમ બોલવા માંડ્યા હતાં. એ પછી લાલાની મમ્મીએ મને ધક્કો મારી પછાડી દીધી હતી અને બધાએ એકસંપ કરી અમારા ઘર આગળ રાખેલી રિક્ષા તથા અશોક લેલાન્ડ ગાડીના કાચમાં તોડફોડ કરી હતી. તેમજ અમારા ઘરના દરવાજા ઉપર પણ આડેધડ પથ્થરમારો કરી નુકસાન કર્યુ હતુ. પથ્થરામારામાં મારા દિકરાને તથા પુત્રવધૂને ઇજા થઇ હતી. એ પછી હું, મારો પુત્ર અને પુત્રવધૂને સારવાર માટે ૧૦૮ મારફત સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતાં. એ પછી ફરિયાદ નોંધાવી હતી.

મારી પુત્રવધૂ ઘર બહાર કપડા લેવા ગઇ ત્યારે લાલાએ ન બોલવાનું બોલી બિભત્સ વર્તન કરતાં તેને સમજાવતાં તેણે તેની માતા તથા બીજા શખ્સો સાથે મળી હુમલો કરી ધમાલ મચાવી હતી. થોરાળા પી.આઇ. જી.એમ. હડીયાની રાહબરીમાં પીએસઆઇ જે. જી. ચોૈધરી અને ડી. સ્ટાફે તપાસ હાથ ધરી આરોપીઓની શોધખોળ હાથ ધરી છે. પોલીસ સુત્રોમાંથી જાણવા મળ્યા મુજબ આરોપીઓ પૈકીનો લાલો અગાઉ પણ હુમલો, મારામારી, ફરજમાં રૂકાવટ,  છેડતી, દારૂ સહિતના ડઝનથી વધુ ગુનામાં સંડોવાઇ ચુકયો છે. અગાઉ એક પરિણીતાના ઘરમાં ઘુસી આ શખ્સ અને તેના સાગ્રીતોએ આબરૂ લૂંટવાનો પ્રયાસ કર્યો હતો. ત્યારે તેને પોલીસે ઝડપી લઇ જાહેરમાં કાયદાનું ભાન કરાવ્યું હતું.

(3:48 pm IST)