Gujarati News

Gujarati News

News of Thursday, 9th January 2020

ઇન્દ્રપ્રસ્થ નગરમાં શાળા નજીક ઉભો રહી ચાળા કરતો કારખાનેદાર કેતન ઝડપાયો

કુંભાર શખ્સને માલવીયાનગર પોલીસની દૂર્ગા શકિતની ટીમે પકડ્યો

રાજકોટ તા. ૯: કોઠારીયા સોલવન્ટ નજીક સિતારામ સોસાયટી-૬માં રહેતો કેતન ભગવાનજીભાઇ સવનીયા (ઉ.૨૩) નામનો કારખાનેદાર કુંભાર શખ્સ ઇન્દ્રપ્રસ્થનગરમાં મોદી સ્કૂલ નજીક ઉભો રહી આવતી જતી બહેન દિકરીઓ સામે ચાળા-ઇશારા કરતો હોઇ માલવીયાનગર પોલીસની દૂર્ગા શકિતની ટીમની નજરે ચડી જતાં તેની સામે ગુનો નોંધી કાયદાનું ભાન કરાવાયું હતું.

ડીસીપી મનોહરસિંહ જાડેજા, એસીપી જે. એસ. ગેડમની સુચના હેઠળ પી.આઇ. એન. એન. ચુડાસમાની રાહબરીમાં દૂર્ગા શકિત ટીમના એએસઆઇ એચ. એમ. મણવર, કોન્સ. મેઘનાબેન, હંસાબેન, દિપાલીબેન, કોન્સ. જગદીશભાઇ ડાંગર સહિતની ટીમ પેટ્રોલીંગમાં હતી ત્યારે મોદી સ્કૂલ નજીક ઉભો રહી એક શખ્સ આવતી જતી દિકરીઓ સામે ઇશારા કરી ચેનચાળા કરતો નજરે પડતાં તેને સકંજામાં લઇ પુછતા કરતાં પોતાનું નામ કેતન સવનીયા કહ્યું હતું. તેની સામે પોલીસે જીપીએકટ ૧૧૦,૧૧૭ મુજબ કાર્યવાહી કરી હતી. આ શખ્સ ડાય પેટન્ટનું કારખાનુ ધરાવે છે. તે કેટલાક દિવસથી શાળા નજીક ઉભો રહી ચેનચાળા કરતો હોવાની ફરિયાદ આવી હતી.

(1:30 pm IST)