Gujarati News

Gujarati News

News of Wednesday, 9th January 2019

પોકેટ કોપના ઉપયોગથી વાહન ચોર સમીર ઉર્ફ સુલતાને આચરેલા ગુનાઓની પોલ ખુલી

ભકિતનગર પોલીસે કાર ચોરીના ગુનામાં પાણીકોઠાના શખ્સને પકડતાં પોતે અગાઉ કોઇ ગુના આચર્યા નથી એવું કહ્યું: તપાસ થતાં લૂંટ, ચોરી, મારામારી સહિત અડધો ડઝન ગુના ખુલ્યા

રાજકોટઃ  પોલીસ કમિશ્નર મનોજ અગ્રવાલ તથા સંયુકત પોલીસ કમિશ્નર સિધ્ધાર્થ ખત્રી દ્વારા  શહેરમાં ગુજરાત સરકાર દ્વારા ઈ ગુજકોપ અંતર્ગત શરૂ કરવામાં આવેલ પોકેટકોપ પ્રોજેકટનો ઉપયોગ કરવા તમામ પોલીસ મથકના અમલદારોને ખાસ સુચના અપાઇ છે. તે અંતર્ગત ભકિતનગર પોલીસે તાજેતરમાં ત્રણ ગુનાની અને ગુનેગાર દ્વારા છુપાવવામાં આવેલા પોતાના અગાઉની કરતુતોનો ભેદ ખોલ્યો હતો.

રાજકોટ શહેરના ઝોન ૧ ડીસીપી શ્રી રવિ મોહન સૈની તથા ઇસ્ટ ડિવિઝનના એસીપી પ્રદીપસિંહ જાડેજાના માર્ગદર્શન હેઠળ ભકિતનગર પોલીસ સ્ટેશનના પો.ઈન્સ. વી.કે.ગઢવી, પીએસઆઇ પી.એમ.ધાખડા, હેડકોન્સ. મહેન્દ્રસિંહ, પ્રતાપસિંહ, સલીમભાઈ, વિક્રમભાઈ સહિતના સ્ટાફે ત્રણ કિસ્સામાં પોકેટ કોપનો તપાસમાં ઉપયોગ કરી સફળતા મેળવી છે.ઙ્ગધર્મજીવન સોસાયટીમાંથી ચોરાયેલી લેન્સર કારના ગુન્હામાં આરોપી સમીર ઉર્ફે સુલતાન બહાદુરભાઇ સિરજી (ઉ. ૨૬ રહે. પાણીકોઠા ગામ તા. તાલાળા જી. જૂનાગઢ)ની ટ્રાન્સફર વોરંટ આધારે ધરપકડ કરવામાં આવેલ હતી. સમીર ઉર્ફે સુલતાનની પૂછપરછ કરતા, આ આરોપીએ પોતે કોઈપણ ગુન્હાઓ આચરેલા નથી અને પોતે કયાંય પકડાયેલ નહિ હોવાનું રટણ કર્યુ હતું. પણ અંગે પોકેટ કોપ એપ્લિકેશનમાં સર્ચ કરવામાં આવતા આરોપી દ્વારા આચરવામાં આવેલા ગુન્હાની સંપૂર્ણ વિગતો મળી આવી  હતી.

 સમીર ઉર્ફે સુલતાને ગારિયાધાર પોલીસ સ્ટેશનમાં ઘરફોડ, લૂંટ, મારામારી, ચોરી, જાહેરનામા ભંગના અડધો ડઝન જેટલા ગુનામાં અગાઉ પકડાયો હોવાની માહિતી સામે આવી હતી. આમ આ શખ્સ આંતર જિલ્લા ગુન્હેગાર હોવાની વિગતો પોકેટ કોપ એપ્લિકેશન મારફતે આંગળીના ટેરવે મળી આવી હતી. આ બધી જ વિગતો પોકેટ કોપ પ્રોજેકટ અંતર્ગત આપવામાં આવેલ સ્માર્ટ ફોનની એપ્લિકેશન દ્વારા જાણવા મળેલ હતી.

(6:56 pm IST)