Gujarati News

Gujarati News

News of Wednesday, 9th January 2019

બ્રીજ નિર્માણમાં ઠાગાઠૈયા..

રૈયા-મવડી ચોકડીએ હજુ બે મહિના ટ્રાફીકનો ત્રાસ રહેશે

કે.કે.વી. ચોકમાં અંડર બ્રીજનું કામ કરવા કોઇ તૈયાર નથી !!: ત્રીજી વખત ટેન્ડર બહાર પાડયું

રાજકોટ, તા., ૯: શહેરના ૧પ૦ં ફુટ રીંગ રોડ ઉપર રૈયા અને મવડી ચોકડીએ નિર્માણ પામી રહેલા ઓવર બ્રીજનું કામ પુર્ણ થતા હજુ બે-ત્રણ મહિના જેટલો સમયગાળો થવાની શકયતા દર્શાઇ રહી છે. ત્યારે હજુ ટ્રાફીકનો ત્રાસ લોકોને રહેશે. કાલાવડ રોડ ઉપર અંડરબ્રીજ બનાવવા માટે ત્રીજી વખત ટેન્ડર પ્રસિધ્ધ કરાયું છે.

આ અંગેની પ્રાપ્ત માહીતી મુજબ  શહેરની ટ્રાફીક સમસ્યા હલ કરવા તંત્ર દ્વારા શહેરના વિવિધ વિસ્તારોમાં અંડર અને ઓવર બ્રીજ બનાવવામાં આવી રહયા છે. જે અન્વયે ૧પ૦ ફુટ રીંગ ઉપર રૈયા અને મવડી ચોકડી પર ઓવરબ્રીજ બનાવવામાં આવી રહયો છે. આ બ્રીજની કામગીરી  છેલ્લા એક વર્ષથી વધુ સમયથી ચાલી રહી છે. આ અગાઉ તંત્ર દ્વારા જાન્યુઆરીના અંત સુધીમાં રૈયા ચોકડી અને મવડી ચોકડીએ ફેબ્રુઆરીના  અંત સુધીમાં કામ પુરૂ થઇ જવાની જાહેરાત કરવામાં આવી હતી. પરંતુ સતાવાર સુત્રોના જણાવ્યા મુજબ રૈયા ચોકડીનું કામકાજ ફેબ્રુઆરીમાં અને મવડી ચોકડી બ્રીજનું કામકાજ માર્ચમાં પુરૂ થવાની શકયતા દર્શાવવામાં આવી છે. આમ હજુ  બેથી ત્રણ મહિના લોકોને ટ્રાફીકનો ત્રાસ રહેશે.

ત્રીજો પ્રયત્ન

શહેરના ગૌરવપથ કાલાવડ રોડ ઉપર  કે.કે.વી. હોલ પાસે ટ્રાફીકની સમસ્યાના નિવારણ માટે રાજકોટ મહાનગર પાલીકા તરફથી અંડરબ્રીજ બનાવવાનું આયોજન કરેલ છે. આ બ્રીજના કામ માટે પ્રથમ વખત ટેન્ડર પ્રસિધ્ધ કરવામાં આવ્યું હતું ત્યારે કોઇએ રસ દાખવ્યો ન હતો. જયારે બીજી વખતમાં મહેસાણાની એક એજન્સીએ તૈયારી બતાવી છે. બીજી વખતના ટેન્ડર વખતે એક જ એજન્સી આવતા કોર્પોરેશન દ્વારા ત્રીજી વખત ટેન્ડર પ્રસિધ્ધ કરવામાં આવશે તેમ સતાવાર સુત્રોએ જણાવ્યું હતું.

(4:01 pm IST)