Gujarati News

Gujarati News

News of Wednesday, 9th January 2019

સ્વચ્છતાની થીમ પર યોજાયેલા પતંગ મહોત્સવમાં માત્ર એક જ કચરા પેટીઃ કોંગ્રેસ

મહાનગરપાલિકાના દેખાડવાના અને ચાવવાના જુદાઃ પ્રસિદ્ધી માટે ચોપડા ઉપર બતાવાતી કામગીરી - આમાં કયાંથી નંબર આવેઃ વિપક્ષી નેતા વશરામભાઇ સાગઠિયાના આક્ષેપો

રાજકોટ, તા. ૯ :. રાજકોટ મહાનગરપાલિકા અને ગુજરાત પ્રવાસન વિભાગ દ્વારા આજે રેસકોર્ષ મેદાનમાં યોજાયેલા આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવ-૨૦૧૯ના આયોજનમાં અનેક ત્રુટીઓ જોવા મળી હતી. સ્વચ્છતા સર્વેક્ષણને ધ્યાનમાં રાખીને તંત્ર દ્વારા પતંગ મહોત્સવ સ્વચ્છતાની થીમ પર યોજાયો હતો, પરંતુ ખાટલે મોટી ખોટ હોય તેમ ઘરે ઘરે બબ્બે ડસ્ટબીન રાખવાનું કહેવાય છે ત્યારે બીજી બાજુ રેસકોર્ષમાં ડસ્ટબીન રાખવામાં ઉણા ઉતર્યા હોય તેમ માત્ર એક જ ડસ્ટબીન મુકાઈ હતી. આ કારણે રેસકોર્ષ મેદાનમાં પતંગ ઉડાડવાન સ્થળોએ ઠેર ઠેર પાણીની બોટલો સહિતનો કચરો એકઠો થવા લાગ્યો હતો તેમ વિરોધ પક્ષના નેતા વશરામભાઈ સાગઠીયા અને કોંગ્રેસ કાર્યાલય મંત્રી વિરલ ભટ્ટે આક્ષેપો કર્યા હતા.

આ અંગે વશરામભાઈ અને વિરલએ જણાવ્યુ હતુ કે, આ કાર્યક્રમમાં મેદની બતાવવા માટે સરકારી અને ખાનગી શાળાઓમાંથી કડકડતી ઠંડીમાં ભૂલકાઓને ધરાર બોલાવી ફરજીયાતપણે જોતરવામાં આવ્યા હતા જયારે ખરેખર પતંગ ઉત્સવની મોજ માણવાની ઇચ્છા ધરાવતા અનેક વિદ્યાર્થીઓને આ અવસર ચુકી જવાનો વખત આવ્યો હતો કારણ કે મનપાના વધુ ભણેલા અધિકારીઓએ રવિવાર અથવા જાહેર રજાના દિવસના બદલે બુધવારના રોજ કાર્યક્રમ હોવાનો ગણગણાટ શહેરીજનોમાં સંભાળવા મળી હોવાનુ કોર્પોરેશન વિરોધપક્ષના નેતા વશરામભાઇ સાગઠીયા અને કોંગ્રેસ કાર્યાલય મંત્રી વિરલ ભટ્ટની સંયુકત યાદી જણાવે છે.(૨-૧૭)

(3:28 pm IST)