Gujarati News

Gujarati News

News of Wednesday, 9th January 2019

વાહનચાલકોને 'ધરાર' હેલ્મેટ પહેરાવવા પોલીસ મેદાનેઃ દંડ શરૂ થતા ભારે દેકારો

બાઇક ચાલક તો ઠીક પાછળ બેઠા હોય એમણે પણ હેલ્મેટ પહેરવાનું ફરજીયાતઃ હેલ્મેટમા આઇએસઆઇ માર્કો હોય એ પણ જરૂરી

તસ્વીરમાં હેલ્મેટ વગર નીકળેલા ટુવ્હીલર-બાઇક ચાલકોને અટકાવી દંડ વસુલાતની કાર્યવાહી કરી રહેલો ટ્રાફિક પોલીસનો સ્ટાફ જોઇ શકાય છે. યુવતિઓ, મહિલાઓને પણ દંડ ફટકારાયા હતાં. ઇન્સેટમાં દંડ પેટે પહોંચ અપાઇ રહી છે તે જોઇ શકાય છે (ફોટોઃ સંદિપ બગથરીયા)

રાજકોટ તા. ૯: શહેરમાં ટ્રાફિકની સમસ્યાનું નિરાકરણ લાવવાના ઇરાદા સાથે કામગીરી કરી રહેલી પોલીસનો હેતુ બેશક ઉમદા અને વાહનચાલકોની સુરક્ષા જળવાઇ રહે તેવો જ છે. જુદા-જુદા ટ્રાફિક નિયમના ભંગ સબબ અત્યાર સુધી વાહન ચાલકો સતત દંડાતા આવ્યા છે. કરોડો રૂપિયા દંડ સબબ વસુલાયા છે. ત્યાં હવે આજથી ઠેકઠેકાણે બાઇક ચાલકા, ટુવ્હીલર ચાલકોને અટકાવી હેલ્મેટ નહિ પહેરવા બદલ રૂ.૧૦૦-૧૦૦નો 'ચાંદલો' કરી પહોંચ પકડાવી દેવામાં આવતાં વાહનચાલકોમાં દેકારો મચી ગયો છે. આજ સવારથી જ શહેરભરમાં ટ્રાફિક પોલીસ ગોઠવાઇ ગઇ હતી અને હેલ્મેટ વગર નીકળનારા ચાલકોને દંડ ફટકાર્યા હતાં.

એસીપીશ્રી ટ્રાફિકએ એક યાદી મોકલીને જણાવ્યું હતું કે એમવીએકટ કલમ ૧૨૯, ૧૭૭ મુજબ ટુવ્હીલર ચાલકે હેલ્મેટ પહેરવું ફરજીયાત છે તેમજ તેની પાછળ બેઠેલી વ્યકિતએ પણ હેલ્મેટ પહેરવું ફરજીયાત છે. હેલ્મેટ નહિ પહેરનાર સામે ગુનો બને છે અને હવે પછી ટ્રાફિક શાખા દ્વારા હેલ્મેટ ડ્રાઇવ ગોઠવી હેલ્મેટ ભંગના કેસો કરવામાં આવશે. આ યાદીમાં એવું પણ જણાવાયું છે કે ટ્રાફિક શાખાને આપના દંડની જરૂર નથી, પરંતુ હેલ્મેટ આપની મહામુલી જિંદગી માટે આવશ્યક છે, જેથી હેલ્મેટ પહેરીને વાહન ચલાવવું જરૂરી છે.

તાજેતરમાં એક યુવાને હેલ્મેટ પહેર્યુ હોવા છતાં તેનું મૃત્યુ થયું હોવાનો અકસ્માતનો બનાવ બન્યો હતો. તેની તપાસમાં એવું જાણવા મળ્યું છે કે એ હેલ્મેટમાં આઇએસઆઇનો માર્કો નહોતો. આથી વાહનચાલકોએ ફરજીયાત આઇએસઆઇ માર્કાવાળુ નામી કંપનીનું હેલ્મેટ જ પહેરવું જરૂરી છે.  દરમિયાન આજથી શહેરભરમાં ટ્રાફિક  પોલીસે હેલ્મેટના નામે દંડની વસુલાત શરૂ કરતાં ટુવ્હીલર ચાલકોમાં ભારે દેકારો મચી ગયો છે. ઠેક-ઠેકાણે ટ્રાફિક પોલીસ સાથે જીભાજોડીના દ્રશ્યો જોવા મળ્યા હતાં. ટુવ્હીરલ ચાલકો સ્પષ્ટ કહેતાં હતાં કે શહેરી વિસ્તારમાં હેલ્મેટ પહેરવાની કોઇ જ જરૂર નથી લાગતી. હાઇવે પર નીકળનારાઓને હેલ્મેટ પહેરાવવામાં આવે તે યોગ્ય છે.

કેટલાક વાહન ચાલકોએ તો આ ઝુંબેશને 'ઉઘાડી લૂંટ' એવુ નામ આપી દીધુ હતું. તો કેટલાકે એવું પણ કહ્યું હતું કે હવે હેલ્મેટના દંડના નામે સાઇડ ઇન્કમની ગોઠવણી થઇ છે કે શું? આમ ધરાર હેલ્મેટ પહેરાવવાની ઝુંબેશ સામે વાહનચાલકોમાં ભારે દેકારો મચી ગયો છે. અગાઉ હેલ્મેટના વિરોધમાં ભારે આંદોલનો થયા હતાં. ત્યારે ફરીથી હેલ્મેટ ફરજીયાત થતાં અને દંડના ઉઘરાણા  શરૂ થઇ જતાં વાહનચાલકોમાં રોષનો માહોલ સર્જાયો છે.

(3:21 pm IST)