Gujarati News

Gujarati News

News of Thursday, 8th December 2022

નવા મંત્રી મંડળમાં નવા-જુના ચહેરાઓનો સમન્વય હશે

સૌરાષ્ટ્રમાંથી કુંવરજીભાઇ, મૂળુભાઇ, જયેશ રાદડિયા, ભાનુબેન, દર્શિતાબેન, શંભુપ્રસાદ ટુંડિયા, કિરીટસિંહ, કાંતિલાલ વગેરેને તક

રાજકોટ, તા., ૮: રાજયમાં સતત ૭ મી વખત ભાજપને બહુમતી મળતા વર્તમાન મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઇ પટેલ  ફરી મુખ્યમંત્રી તરીકે શપથ લેવા આગળ વધી રહયા છે. નવી સરકારમાં નવા અને જુના ચહેરાઓનો સમન્વય થાય તેવા નિર્દેશ છે. હાઇકમાન્ડ  નક્કી કરે તે ગાઇડ લાઇન મુજબ નવા મંત્રીઓની પસંદગી થશે. વર્તમાન મંત્રી મંડળમાંથી કેટલાકને ટીકીટ મળેલ નહિ તેથી નવા મંત્રી મંડળમાં ધરખમ ફેરફાર દેખાશે.

સૌરાષ્ટ્રમાંથી નવા મંત્રી તરીકે દ્વારકા જીલ્લામાંથી મુળુભાઇ બેરાને તક મળે તેવી પ્રબળ શકયતા છે. બોટાદના શંભુપ્રસાદ ટુંડીયા અથવા રાજકોટથી ભાનુબેન બાબરીયાને મંત્રી પદ મળી શકે છે. રાજકોટના ડો.દર્શીતા શાહને પણ મંત્રીપદ મળવાની શકયતા છે. હાલ મંત્રી મંડળમાં જૈન પ્રતિનિધિ તરીકે હર્ષ શાહ છે. રાજકોટ શહેર જીલ્લામાંથી મંત્રી પદ માટે એક-બે ધારાસભ્યને તક મળી શકે છે. જીલ્લાના પાટીદાર ચહેરા તરીકે નવા સંભવીત મંત્રી તરીકે જયેશ રાદડીયાનું નામ મોખરે છે.

સુરેન્દ્રનગરમાંથી કિરીટસિંહ રાણા હાલ મંત્રી છે.તેમનું મંત્રી પદ જળવાઇ રહે તેવી શકયતા છે. મોરબીમાંથી સિનીયોરીટીના ધોરણે કાંતીલાલ અમૃતીયા મંત્રી પદ મેળવવા હક્કદાર છે. કેશોદના વર્તમાન મંત્રી દેવાભાઇ માલમ ફરી મંત્રી બની શકે છે.

મંત્રીની પસંદગીમાં ભૌગોલીક સ્થિતિ, વ્યકિતગત ક્ષમતા, સિનીયોરીટી, જ્ઞાતિ વગેરે મુદ્દા ધ્યાને લેવાતા હોય છે. બંધારણીય જોગવાઇ મુજબ કુલ ધારાસભ્યોના ૧૫ ટકા મુજબ એટલે કે મુખ્યમંત્રી સહીત મહતમ ૨૭ સભ્યોનું મંત્રી મંડળ બનાવી શકાય છે.

(4:19 pm IST)