Gujarati News

Gujarati News

News of Thursday, 8th December 2022

વિજયોત્‍સવ : રાજકોટની ચારેય બેઠકો ઉપર કમળ ખીલ્‍યું

રસાકસી ભરી રાજકોટ ૬૮માં ઉદય કાનગડ ૨૪,૭૫૪ મત, ભાજપના ગઢ એવા રાજકોટ ૬૯માં અધધધ રેકોર્ડબ્રેક ડો. દર્શિતાબેન શાહ ૧,૦૫,૯૭૫ મત, રાજકોટ ૭૦માં રમેશભાઇ ટીલાળાને ૭૮,૨૦૪ મત તથા ખરાખરીના જંગ એવા રાજકોટ ૭૧ (ગ્રામ્‍ય)માં ભાનુબેન બાબરીયા ૫૦,૨૬૮ મતથી જીત

રાજકોટ તા. ૮ : ગુજરાતભરમાં ભાજપના ભવ્‍ય વિજયકૂચમાં રાજકોટ મહાનગરે બુલંદ સૂર પૂરાવ્‍યો છે. શહેરની ચારેય બેઠકો ઉપર કોંગ્રેસને પછડાટ આપી ભાજપના ઉમેદવારો ૨૪ હજાર થી એક લાખ મતોથી ભવ્‍ય વિજય મેળવ્‍યો છે. વિધાનસભા ચૂંટણીમાં રાજકોટ ૬૮માં ઉદય કાનગડ, રાજકોટ ૬૯માં ડો. દર્શિતાબેન શાહ, રાજકોટ ૭૦માં રમેશભાઇ ટીલાળા તથા રાજકોટ ૭૧માં ભાનુબેન બાબરીયાએ ભવ્‍ય જીત થતાં રાજકોટ ભાજપનો ગઢ જાળવી રાખ્‍યો છે.

રાજકોટ ૬૮ બેઠકમાં ઉદય કાનગડે ઇન્‍દ્રનીલ રાજયગુરૂને હરાવીને ૨૪,૭૫૪ મતોથી જીત મેળવી છે. ઉદયભાઇ કાનગડને ૭૧,૨૩૫ મળ્‍યા છે. જ્‍યારે ઇન્‍દ્રનીલ રાજ્‍યગુરૂને ૪૬,૪૮૧ અને આપના રાહુલ ભુવાને ૩૦,૨૬૯ મત મળ્‍યા છે.

રાજકોટ ૬૯ બેઠકમાં ભાજપના ડો. દર્શિતાબેન શાહે કોંગ્રેસના મનસુખભાઇ કાલરીયાને ૧,૦૫,૯૭૫ મતોથી અધધ મતોથી હરાવ્‍યા છે. ડો. દર્શિતાબેન શાહને ૧,૩૮,૬૮૭, આપના દિનેશ જોશીને ૨૬,૩૧૯  અને કોંગ્રેસના કાલરીયાને ૩૨,૭૧૨ મત મળ્‍યા છે.

રાજકોટ ૭૦માં ભાજપના રમેશભાઇ ટીલાળાએ કોંગ્રેસના હિતેષ વોરાને ૭૮,૨૦૪ મતોથી હરાવ્‍યા છે. રમેશભાઇ ટીલાળાને ૧,૦૦,૯૧૧, કોંગ્રેસના હિતેષ વોરા ૨૨,૩૭૭ અને આપના શિવલાલ બારસિયાને ૨૨,૭૦૭ મત મળ્‍યા હતા.

રાજકોટ ૭૧ (ગ્રામ્‍ય)માં ભાજપના ભાનુબેન બાબરીયાએ ૫૦,૭૮૯ મતથી વિજય મેળવી આપના વશરામભાઇ સાગઠીયાને હરાવ્‍યા છે. આ બેઠક પર ભાજપના ભાનુબેન બાબરીયાને ૧,૧૩,૬૬૫, કોંગ્રેસના સુરેશ બથવારને ૨૫,૮૮૭ અને આપના વશરામ સાગઠીયાને ૬૨,૮૬૧ મત મળ્‍યા છે.

(3:22 pm IST)