Gujarati News

Gujarati News

News of Thursday, 8th December 2022

વેપારી પિતાની સગીર પુત્રનો કબજો મળવા કરેલ અરજીને અદાલતે ફગાવી દીધી

રાજકોટ તા. ૮: દિવ્યેશ એન્ટરપ્રાઇઝના નામે હોલસેલ તથા રીટેઇલ તેલ અને ગોળનો ધંધો કરતા વાંકાનેરના વેપારી હીરલભાઇ મહેન્દ્રભાઇ રાજવીરના સગીર પુત્ર દિવ્યેશનો કબજો મેળવવાની અરજી સેસન્સ કોર્ટે રદ કરી હતી.

આ અંગેની વિગત એવી છે કે, દિવ્યેશ એન્ટરપ્રાઇઝના નામે હોલસેલ તથા રીટેઇલ તેલ અને ગોળનો ધંધો કરતા વાંકાનેરના વેપારી હીરલભાઇ મહેન્દ્રભાઇ રાજવીર, ઠે. ''વેરાઇ કૃપા'' પ્રતાપપરા શેરી નં. ૬, રસાલા રોડ, વાંકાનેરવાળાના લગ્ન ભાગ્યશ્રીબેન હીરલભાઇ રાજવીર, ઠે. ગામ-ખાખીજાળીયા, તા. ઉપલેટા, જી. રાજકોટવાળા સાથે તા. ર/૧ર/ર૦૦૯ ના રોજ થયેલા. આ લગ્નજીવનથી પુત્ર દિવ્યેશ, ઉ.વ. ૧રનો જન્મ થયેલ હતો.

લગ્નના બે-ત્રણ મહિના સારી રીતે રાખ્યા બાદ હીરલભાઇ તથા તેમના કુટુંબીજનો તેમની પત્નીને દુઃખ ત્રાસ આપી મારકુટ કરતા અને દહેજ લાવી નથી તેમ કહી અવાર નવાર દહેજની માંગણી કરતા અને માનસીક-શારીરીક ત્રાસ આપી કોઇપણ જાતના વાંકગુના વગર ઢોર માર મારી બે વખત કાઢી મુકેલ અને ત્યારબાદ ભુલ સમજાય જતા સમાધાન કરી તેડી ગયેલા. ત્યારબાદ પત્ની ઉપર મોબાઇલ દ્વારા અન્ય વ્યકિત સાથે ગેરકાયદેસરના સંબંધો હોવાના ખોટા આક્ષેપો કરી મારકુટ કરીને બાળક સાથે કોઇપણ જાતના વાંકગુના વગર તા. રર/૬/ર૦૧૮ ના રોજ તરછોડી દીધેલ.

ત્યારબાદ અરજદાર હીરલભાઇ રાજવીરે મોરબીના ડીસ્ટ્રીકટ જજ સાહેબની કોર્ટમાં સગીર પુત્ર દિવ્યેશની કસ્ટડી મેળવવા માટે અરજી કરેલ જે અરજી હકુમતના કારણસર મોરબી ડીસ્ટ્રીકટ અદાલતે રદ કરવાનો હુકમ ફરમાવેલ. ત્યારબાદ અરજદારે ધોરાજીના એડી. ડીસ્ટ્રીકટ એન્ડ સેસન્સ જજ ની કોર્ટમાં સગીર પુત્ર દિવ્યેશનો કબજો મેળવવા અરજી કરેલ હતી.

ત્યારબાદ બંને પક્ષોની દલીલો સાંભળી તથા સામાવાળા તરફે રજુ કરવામાં આવેલ ઉચ્ચ અદાલતોના ચુકાદાઓ ધ્યાને લઇ અરજદાર હીરલભાઇ મહેન્દ્રભાઇ રાજવીરની સગીર પુત્ર દિવ્યેશનો કબજો મેળવવાની અરજી રદ કરી વીઝીટેશનનો હુકમ ફરમાવેલ હતો. આ કામના સામાવાળાના એડવોકેટ તરીકે રાજકોટના સીનીયર ધારાશાસ્ત્રી મહેશભાઇ ત્રિવેદી, કીરીટ સાયમન, ધર્મેન્દ્ર જરીયા, કીશન જોશી, ઘનશ્યામ પટેલ, હર્ષ ઘીયા તથા હર્ષ ત્રિવેદી રોકાયેલા હતા.

(12:17 pm IST)