Gujarati News

Gujarati News

News of Thursday, 8th December 2022

તમને નાક શરમ છે કે નહિ, અમારો ફલેટ રાખીને બેઠા છો...માલતીબેન પટેલ સાથે ડખ્‍ખો

પતિના ભાગીદારના પુત્ર ઓમ રૈયાણી અને ઓમના ફુવા વિકાસ વિરડીયા વિરૂધ્‍ધ પોલીસે ગુનો નોંધ્‍યોઃ ૧૫૦ રીંગ રોડ પર સિધ્‍ધી એપાર્ટમેન્‍ટમાં બનાવ

રાજકોટ તા. ૮: દોઢસો ફુટ રીંગ રોડ પર ફોર્ચ્‍યુન હોટેલ પાસે સિધ્‍ધી એપાર્ટમેન્‍ટમાં રહેતાં અને વિડીયો શુટીંગનું કામ કરતાં પટેલ યુવાનના ફલેટે તેની ગેરહાજરીમાં ભાગીદારના પુત્ર સહિત બે જણાએ આવી યુવાનના પત્‍નિનો હાથ ખેંચી ગાળો દઇ ફલેટ ખાલી કરી ભાગી જવાનું કહી તેમજ પટેલ યુવાનને પણ ફોનમાં ગાળો ભાંડતાં ફરિયાદ થઇ છે.

પોલીસે આ બનાવમાં સિધ્‍ધી એપાર્ટમેન્‍ટ-૪, ફલેટ નં. ૨૦૪માં રહેતાં માલતીબેન ઉર્ફ ભુમિબેન વિપુલભાઇ કાચરોલા (પટેલ) (ઉ.વ.૪૦)ની ફરિયાદ પરથી ઓમ મહેશભાઇ રૈયાણી અને વિકાસ વિરડીયા વિરૂધ્‍ધ ગુનો નોંધ્‍યો છે.

માલતીબેને પોલીસને જણાવ્‍યું હતું કે હું મારા પરિવાર સાથે રહુ છું અને મારા પતિ વિડીયો શુટીંગનું કામ કરે છે. મારે સંતાનમાં ચાર વર્ષનો દિકરો છે. અમે ચાર વર્ષથી સિધ્‍ધી પાર્કમાં રહીએ છીએ. બુધવારે સાંજે ચારેક વાગ્‍યે હું ઘરે કપડા ધોઇ રહી હતી અને ફલેટનો દરવાજો ખુલ્લો હતો ત્‍યારે પતિના ભાગીદાર મહેશભાઇના દિકરા ઓમ રૈયાણી અને તેની સાથે અજાણ્‍યો એક શખ્‍સ આવ્‍યો હતો અને ‘અહિ કોણ છે?' એવી બૂમ પાડતાં હું ફલેટના હોલમાં આવી હતી. એ સાથે જ મને અજાણ્‍યાએ હાથ પકડી ખેંચી ‘ચાલો ફલેટ ખાલી કરો, તમને બે વર્ષથી ખાલી કરવાનું કીધું છે' તેમ કહી મારી સાથે ઝઘડો કર્યો હતો.

મેં તેને શાંતિથી વાત કરવાનું કહેતાં ઓમ રૈયાણીએ ઉશ્‍કેરાઇ જઇ કહેલું કે-‘તમને કોઇ નાક શરમ છે કે નહિ, અમારો ફલેટ રાખીને બેઠા છો'. જેથી મેં મારા પતિને ફોન કરી ઓમની સાથેના શખ્‍સ સાથે વાત કરાવતાં એ શખ્‍સે મારા પતિને પણ ફોનમાં ગાળો દીધી હતી. માથાકુટ વધતાં મેં પડોશી વિપુલભાઇને બોલાવ્‍યા હતાં. તેણે ઓમ સાથે આવેલા શખ્‍સને પુછતાં તેણે પોતે ઓમના ફુવા વિકાસ વિરડીયા હોવાનું કહ્યું હતું. વિકાસે મારા જેઠ ભુપતભાઇને પણ ફોન કરી ગાળો ભાંડતાં મેં પોલીસને ફોન કર્યો હતો.

માલવીયાનગરના એએસઆઇ જી. વાય. પંડયાએ ગુનો નોંધી કાર્યવાહી કરી હતી.

(11:24 am IST)