Gujarati News

Gujarati News

News of Thursday, 8th December 2022

સરાજાહેર ગૂંડાગીરી આચરી યુવાનની હત્‍યાનો પ્રયાસ કરનાર લોકસાહિત્‍યકાર દેવાયત ખવડ નંબર વગરની કારમાં ભાગ્‍યો

એ-ડિવીઝન પોલીસે વિષ્‍ણુવિહારના મયુરસિંહ રાણાની ફરિયાદ પરથી દેવાયત ખવડ, તેની સાથેના શખ્‍સ અને કારચાલક વિરૂધ્‍ધ ગુનો નોંધ્‍યોઃ પોલીસ ઘરે ત્રાટકી પણ હાજર ન મળતાં શોધખોળ

રાજકોટ તા. ૮: કાલાવડ રોડ પર વિષ્‍ણુવિહાર સોસાયટી-૯માં રહેતાં મયુરસિંહ સંપતસિંહ રાણા (ઉ.વ.૩૦) પર ગઇકાલે ભરબપોરે સર્વેશ્વર ચોકમાં સમય મીરરની ઓફિસ નજીક લોકસાહિત્‍યકાર દેવાયત ખવડ, તેની સાથેના અજાણ્‍યા એક શખ્‍સે લોખંડના પાઇપથી હુમલો કરી સરાજાહેર ગૂંડાગીરી આચરી બંને પગ ભાંગી નાંખ્‍યા હતાં. પોલીસે આ બનાવમાં દેવાયત, તેની સાથે હુમલામાં સામેલ અજાણ્‍યો અને કારચાલક મળી ત્રણ શખ્‍સો વિરૂધ્‍ધ આઇપીસી ૩૦૭, ૩૨૫, ૫૦૬ (૨), ૧૧૪, ૩૭ (૧), ૧૩૫ મુજબ હત્‍યાની કોશિષનો ગુનો નોંધી તેને પકડી લેવા તેના ઘર પર દરોડો પાડયો હતો. પણ ત્‍યાં તે હાજર ન મળતાં શોધખોળ યથાવત રખાઇ છે. હુમલો કર્યા બાદ દેવાયત સહિતના શખ્‍સો નંબર વગરની કારમાં ભાગ્‍યા હતાં.

મયુરસિંહ રાણાએ ફરિયાદમાં જણાવ્‍યું છે કે હુંબપોરે યાજ્ઞિક રોડ પન્‍નાલાલ ફ્રુટની સામે જલારામ એસોસિએશનના બીજા માળે સમય મીરરની મારી ઓફિસ છે ત્‍યાં કામ પુરુ કરી ઘરે જમવા જવા માટે નીકળ્‍યો હતો. સર્વેશ્વર ચોકની બાજુની ગલીમાં મેં મારી કાર પાર્ક કરી હોઇ ત્‍યાં હું પહોંચતા જ નંબર વગરની સફેદ સ્‍વીફટ આવી હતી અને તેમાંથી દેવાયત ખવડ તથા અજાણ્‍યો શખ્‍સ ઉતર્યા હતાં. આ બંનેએ મને જાનથી મારી નાખવાના ઇરાદે લોખંડના પાઇપથી હુમલો કરી પગના ભાગે બે-ત્રણ ઘા મારી પછાડી દીધો હોત. એ પછી માથાના ભાગે માર મારવા જતાં મેં હાથ આડા રાખી દેતાં હાથમાં ઘા ફટકાર્યા હતાં.

ત્‍યારબાદ બંને જણા કારમાં બેસી ભાગી ગયા હતાં. ચાલક પણ અજાણ્‍યો હતો. આ હુમલાનું કારણ એ છે કે મારા મામા રવિરત્‍ન પાર્કમાં દેવાયત ખવડની બાજુમાં રહે છે. તેમને પાર્કિંગ બાબતે એકાદ વર્ષ પહેલા દેવાયત ખવડ સાથે ઝઘડો થતાં મને મારી નાખવાની ધમકી આપી હોઇ મેં પોલીસ કમિશનરને અરજી કરી હતી. આ બાબતે ચાલતા મનદુઃખનો ખાર રાખી મને મારી નાખવાના ઇરાદે મારા પર હુમલો કરવામાં આવ્‍યો હતો. જેમાં મારા બંને પગમાં ફ્રેકચર થઇ ગયું છે. મારા પર હુમલો કર્યા બાદ મારી નાખવાની ધમકી આપી ત્રણેય ભાગી ગયા હતાં.  પીઆઇ કે. એન. ભુકણની રાહબરીમાં એએસઆઇ કે. કે. માઢકે ગુનો દાખલ કર્યો હતો. ડી. સ્‍ટાફની ટીમે આરોપીને ઝડપી લેવા દોડધામ કરી હતી. પોલીસ દેવાયત ખવડના ઘરે પહોંચી હતી પણ તે ત્‍યાં હાજર નહોતો. હુમલા બાદ નંબર વગરની કારમાં ત્રણેય ભાગી ગયા હતાં.

(11:21 am IST)