Gujarati News

Gujarati News

News of Thursday, 8th December 2022

રાજકોટ શહેર - જિલ્લાની ૮ બેઠકની મત ગણતરીનો પ્રારંભ

કણકોટ એન્‍જીનિયરીંગ કોલેજ ખાતે રાજકોટની ૪ અને ગોંડલ, જેતપુર, ધોરાજી - ઉપલેટા, જસદણ બેઠકની મત : ગણતરી : પ્રારંભે પોસ્‍ટલ બેલેટની ગણતરી શરૂ કરાઇ : તમામ ઉમેદવારો અને કાર્યકરો કેન્‍દ્ર પર ઉમટયા : જીતના દાવા

રાજકોટ તા. ૮ : ગુજરાત વિધાનસભાની ચૂંટણી જાહેર થયાના બે મહિના પહેલા જ ચૂંટણીની જાહેરાતની ભારે ઉત્‍કંઠા જોવા મળી હતી. અંતે ચૂંટણી પંચે ૩ નવેમ્‍બરે ચૂંટણી જાહેર કરતા આતૂરતાનો અંત આવ્‍યો હતો. ત્‍યારબાદ ૧ ડિસેમ્‍બરે સૌરાષ્‍ટ્ર - કચ્‍છ અને દક્ષિણ ગુજરાતની ૮૯ બેઠક પર અને ૫ ડિસેમ્‍બરે મધ્‍ય ગુજરાત - ઉત્તર ગુજરાતની ૯૩ બેઠક પર મતદાન થયું હતું. જેમાં અનુક્રમે ૬૩.૩૧ અને ૬૫.૩૦ ટકા મતદાન થયું હતું. જેનું સરેરાશ મતદાન ૬૪.૩૦ ટકા થાય છે. જે ગઇ ચૂંટણી કરતા ૪ ટકા જેટલું ઓછું થયું છે. રાજકોટ શહેર અને જિલ્લાની ૮ વિધાનસભા બેઠકની કણકોટ એન્‍જીનિયરીંગ કોલેજ ખાતે આજે સવારે ૮ વાગ્‍યાથી મત ગણતરીનો પ્રારંભ થયો છે.

કણકોટ એન્‍જીનિયરીંગ કોલેજ ખાતે રાજકોટ ૬૮, રાજકોટ ૬૯, રાજકોટ ૭૦ અને રાજકોટ-૭૧ તથા જસદણ, ગોંડલ, જેતપુર તથા ધોરાજી - ઉપલેટા બેઠકની મત ગણતરી કરવામાં આવી રહી છે. આ બેઠકમાં કુલ ૧૩.૯૪ લાખથી વધુ મતનો ગણતરી થશે અને એ પહેલા ૭,૫૦૦થી બેલેટ પેપરો તથા વૃધ્‍ધ - દિવ્‍યાંગોએ ઘરબેઠા મતદાન કર્યુ છે તેવા ૮૫૦થી વધુ મતોની ગણતરી કરવાનો પ્રારંભ થયો હતો. આ તમામ મતનો ગણતરી છેલ્લે એટલે કે ઇવીએમના મત ગણ્‍યા બાદ જે તે બેઠકમાં ઉમેરવામાં આવશે.

રાજકોટના કણકોટ ખાતે આવેલ ગર્વમેન્‍ટ એન્‍જીનિયરીંગ કોલેજ ખાતે મત ગણતરી શરૂ થઇ છે. ગણતરીની શરૂઆત બેલેટ પેપર કરવામાં આવી છે. તમામ ઉમેદવાર મત ગણતરી કેન્‍દ્ર ઉપર ઉપસ્‍થિત રહ્યા હતા અને જીતનો દાવો પણ કરી રહ્યા છે. ઉમેદવારોની સાથે તેમના સમર્થકો પણ મોટી સંખ્‍યામાં કેન્‍દ્રની બહાર ઉમટયા છે. મત ગણતરી કેન્‍દ્રની બહાર પણ પોલીસનો ચુસ્‍ત બંદોબસ્‍ત પણ ગોઠવવામાં આવ્‍યો છે અને મત ગણતરી બહારના રોડ-રસ્‍તા પણ બંધ કરવામાં આવ્‍યા છે.

(9:44 am IST)